________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૭
થવું, ઈત્યાદિક થાય, પણ કૂવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કૂવો સ્નાન, પાન, અંગશુચિ, તરસ, થાક, અંગની મલિનતા વિગેરે ઉપશમાવી સર્વ કાળ સર્વ પ્રક્વરનાં સુખનો આપનાર, થઈ પડે છે, તેમ દ્રવ્યસ્તવથી પણ સમજવું.
આવશ્યકનિર્યુક્તિમાં પણ કહે છે કે - સંપૂર્ણ માર્ગ સેવન નહીં કરી શકનારા, વિરતાવિરતિ દેશવિરતિ-શ્રાવક તેઓને કૂવાના દષ્ટાંથી સંસારને પાતળો કરનાર એ દ્રવ્યસ્તવ કરવો યુક્ત છે.” બીજે ઠેકાણે પણ કહે છે કે - આરંભમાં પ્રસક્ત (આરંભને વળગી રહેલા). છ કાયના જીવના વધનો ત્યાગ નહિ કરી શકનાર એવા, સંસારરૂપ અટવીમાં પડેલા ગૃહસ્થોને દ્રવ્યસ્તવ જ આલંબન (આધાર) છે.'
વાયુના જેવા ચપળ, મોક્ષપદનો અંતરાય કરનાર, ઘણા છે સ્વામી જેના એવા સાર વગરના થોડા ધનથી, સ્થિર ફલને આપનારી, નિર્વાણને સાધનારી, પોતાને આધીન એવી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે વાણિયો સારામાં સાર નિર્મળ પુણ્ય ગ્રહણ કરે છે, તે જ વાણિયો વ્યાપારના કામમાં નિપુણ ગણાય છે.
પૂજાના મનોરથથી પણ થતાં પુણ્ય દેરે પૂજા કરવા જઉં એવું ચિંતવન કરતાં ચોથભક્ત (એક ઉપવાસ)નું ફળ, અને જવાને ઉઠે તો છઠ્ઠનું ફળ, ત્યાંથી ઉઠી પગલું ભરતાં અર્કમનું ફળ, માર્ગમાં ચાલતાં શ્રદ્ધાળુને દશમ (ચાર ઉપવાસ)નું ફળ, દેરાસરને દરવાજે આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ, દેરાસરમાં આવે ત્યારે પાક્ષિક (પંદર ઉપવાસનું) ફળ અને જિનેશ્વર ભગવંતને પોતાની દષ્ટિથી દેખતાં (દર્શન કરતાં) એક મહિનાના ઉપવાસનું ફળ પ્રાણી પામે છે.
પદ્મચરિત્રમાં પણ ઉપર પ્રમાણે કહેલું છે અને વિશેષ એટલું જ છે કે-જિનેશ્વર ભગવંતના દેરાસરમાં ગયાથી છ માસના ઉપવાસનું ફળ, ગભારાના દરવાજા આગળ ઉભા રહેતાં એક વર્ષના ઉપવાસનું - ફળ, પ્રદક્ષિણા કરતાં સો વર્ષના ઉપવાસનું ફળ, અને ત્યારપછી ભગવંતની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ અને સ્તવન કહેવાથી અનંત પુણ્ય પુરુષને મળે છે એમ ગણાવેલ છે.
પ્રભુને નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં સો ઉપવાસનું, ચંદનાદિકથી વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળાનું આરોપણ કરવાથી લાખ ઉપવાસનું ફળ પમાય છે. ગીત-વાજિંત્ર કરતાં અનંત ઉપવાસનું ફળ થાય છે.
ત્રિકાળ પૂજા જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરવી કહી છે. કહ્યું છે કે :
પ્રા:કાળે જિનેશ્વર ભગવંતની વાસક્ષેપથી કરેલી પૂજા રાત્રિમાં કરેલા પાપને હણે છે. મધ્યાહ્નકાળે ચંદનાદિકથી કરેલી પૂજા જન્મથી કરેલાં પાપો હણી નાંખે છે, રાત્રિના સમયમાં ધૂપ-દીપાદિવડે કરેલી પૂજા સાત જન્મનાં પાપ દૂર કરે છે. જળપાન, આહાર, શયન, વિદ્યા, મળમૂત્રનો ત્યાગ, ખેતીવાડી, એ સર્વ કાળ પ્રમાણે સેવન કરેલાં હોય તે જ સલ્ફળના આપનાર થાય છે, તેમ જિનેશ્વર ભગવંતની પૂજા પણ કાળે કરી હોય તો ફળ આપે છે.