SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ભાવાર્થઃ- “નિરંતર દેશના રક્ષણની ચિંતાથી મંત્રીને અશુભ કર્મોનું ધ્યાન કરવું પડે છે, માટે એવા અનેક પ્રકારના પાપના સમુદ્ર સમાન પ્રધાનપદને ડાહ્યા માણસે આદરવું (સ્વીકારવું) નહીં.” આ પ્રસંગ ઉપર શકટાલ મંત્રીની કથા છે તે નીચે પ્રમાણે - શકટાલ મંત્રીની કથા પાટલીપુરનગરમાં કોણિકના પુત્ર ઉદાયી રાજાના વંશમાં નંદ નામે રાજા થયો. તેને શકટાલ નામે મંત્રી હતો. તે મંત્રીને લક્ષ્મીવતી નામની પત્નીથી સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો થયા હતા. તે નગરમાં ચાતુર્યલક્ષ્મી અને સ્વરૂપલક્ષ્મીના ભંડાર જેવી કોશા નામની વેશ્યા રહેતી હતી. એકદા તે કોશાને જોઈને સ્થૂલભદ્ર તેના પર મોહિત થઈને તેને ઘેર ગયો અને ત્યાં રહ્યો. વિવિધ પ્રકારના વિલાસ કરતા તે બન્નેને અત્યંત નિવિડ પ્રેમ બંધાયો. અત્યંત અનુરાગી એવા તે બન્નેના શરીર ભિન્ન હતાં પણ તેમનું મન ભિન્ન નહોતું. તેથી નખ અને માંસની જેમ તેઓ એકબીજાના વિયોગને સહન કરી શકતા નહોતા. આવી દઢ પ્રીતિ બંધાયાથી સ્થૂલભદ્ર પોતાને ઘેર પણ જતો નહીં, રાત્રીદિવસ કોશાને ઘેર જ પડ્યો રહેતો. આ પ્રમાણે તેણે બાર વર્ષ ત્યાં નિર્ગમન કર્યા. અહીં રાજાની સભામાં હમેશાં વરરૂચિ નામનો કવિ એકસો ને આઠ નવા શ્લોકો બનાવીને નંદ રાજાની સ્તવના કરતો હતો. તે સાંભળીને પ્રસન્ન થયેલો રાજા શબ્દાલ મંત્રીની સામું જોતો હતો, પણ તે કવિ મિથ્યાદષ્ટિ હોવાથી મંત્રી તેના શ્લોકોની પ્રશંસા કરતો નહોતો, તેથી રાજા પ્રસન્ન થયા છતાં પણ તેને કાંઈ પણ દાન આપતો નહોતો. આ પ્રમાણે થવાથી “રાજા મંત્રીને આધીન છે' એમ વરરૂચિના જાણવામાં આવ્યું. પછી કવિએ મંત્રીને પ્રસન્ન કરવાની તજવીજ કરતાં લોકોના મુખથી જાણ્યું કે “મંત્રી પોતાની સ્ત્રીને આધીન છે.” તેથી તે કવિ પોતાના સ્વાર્થને માટે મંત્રીની સ્ત્રીની સેવા કરવા ગયો. એકદા મંત્રીની સ્ત્રીએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે “તમારે જે કામ હોય તે મને કહો.” ત્યારે તે બોલ્યો કે “હું રોજ રાજા પાસે નવા શ્લોકો કરીને લઈ જાઉં છું, તેની પ્રશંસા જો મંત્રી કરે તો મને દ્રવ્યનો લાભ થાય. એટલે મારું કામ કરવાનું છે,” પછી તેના ઉપરોધથી મંત્રીની સ્ત્રીએ મંત્રીને તેના શ્લોકની પ્રશંસા કરવા આગ્રહ કર્યો. મંત્રીએ કહ્યું કે હું જૈનધર્મી છું, માટે તે મિથ્યાત્વીની પ્રશંસા કરવી મારે યોગ્ય નથી. તો પણ હે પ્રિયા ! તારા આગ્રહથી હું તેની પ્રશંસા કરીશ.” પછી રાજસભામાં જયારે વરરૂચિ શ્લોકો બોલ્યો, ત્યારે મંત્રીએ તેની કવિત્વશક્તિની પ્રશંસા કરી, તેથી હર્ષિત થયેલા રાજાએ તેને એકસો આઠ દીનાર ઈનામ તરીકે આપ્યા. પછી તે જ પ્રમાણે તે કવિ હમેશાં એકસો આઠ નવા શ્લોકો બોલી તેટલું ઈનામ રાજા પાસેથી લેવા લાગ્યો. આમ થવાથી ભંડાર ખાલી થતો જોઈને મંત્રીએ રાજાને નિષેધ કરીને કહ્યું કે “હવે તો આ કવિ જૂના શ્લોકો બોલે છે, માટે તેને કાંઈ ઈનામ આપવું યોગ્ય નથી. જો આપને મારા વાક્ય પર વિશ્વાસ ન હોય તો મારી સાત પુત્રીઓ આપની પાસે આ કવિના બોલેલા શ્લોકો બોલી બતાવશે.”
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy