________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
આ પ્રમાણે શ્લોક સાંભળીને મહેન્દ્રસિંહ અતિ હર્ષ પામ્યો. તેથી આગળ જઈને જુએ છે, તો તેણે સાક્ષાત્ સનત્કુમારને જોયો. સનત્કુમાર પણ મિત્રને જોઈને અત્યાનંદ પામ્યો. બન્ને મિત્રો પ્રેમથી પરસ્પર આલિંગન કરી મળીને એક આસન પર બેઠા. કુશલ વૃત્તાન્ત પૂછતા મહેન્દ્રસિંહ બોલ્યો કે, “હે કુમાર ! આટલા બધા દિવસો તમે ક્યાં નિર્ગમન કર્યાં ?” કુમારે કહ્યું કે, “મને નિદ્રા આવે છે, માટે હું જરા સૂઈ જાઉં છું. તમને મારું સર્વ વૃત્તાન્ત આ મારી બકુલવતી નામની પ્રિયા પ્રજ્ઞપ્તિવિદ્યાથી જાણીને કહેશે.” એમ કહીને સનત્કુમાર સૂઈ ગયો. પછી બકુલવતી બોલી કે, “હે મહેન્દ્રસિંહ ! તમારા મિત્રનું અપહરણ કરીને તે વિપરીત શિક્ષાવાળો અશ્વ તેમને એક મોટા અરણ્યમાં લાવ્યો. ત્યાં ત્રીજે દિવસે ક્ષુધા-તૃષાથી પીડા પામીને તે અશ્વ મરણ પામ્યો.
૯૪
કુમાર પણ જલ વિના આંખે અંધારા આવવાથી મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે કોઈ એક યક્ષે તેને જળ છાંટીને સાવધ કર્યા. એટલે કુમારે તે યક્ષને પૂછ્યું કે, “આવું જળ ક્યાં છે ?' યક્ષ બોલ્યો કે, “આવું જળ માનસરોવરમાં છે.” કુમારે કહ્યું કે, “જો હું તેમાં સ્નાન કરું તો મારા શરીરનો તાપ શાન્ત થાય.” તે સાંભળીને તે યક્ષ તેને માનસરોવર ઉપર લઈ ગયો. કુમારે તેમાં સ્નાન કર્યું. પછી જલપાન કરીને કુમાર સરોવરની પાળ ઉપર બેઠા, તેવામાં પૂર્વના ચાર ભવના વૈરી અમિત યક્ષે તેમને જોયા. એટલે તે યક્ષ ક્રોધ કરીને કુમાર સાથે યુદ્ધ કરવા આવ્યો. બન્નેનું મહાયુદ્ધ થયું. ચિરકાળ સુધી યુદ્ધ કરીને છેવટ તમારા મિત્રે ક્રોધથી વજ્ર જેવી મૂઠી વડે તે યક્ષને પ્રહાર કર્યો. તે દેવ હોવાથી મરણ પામ્યો નહીં, પણ ભય પામીને નાસી ગયો. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યા.
આગળ જતાં ભાનુવેગ નામના વિદ્યાધરે પોતાની આઠ પુત્રીઓ સાથે કુમારનો વિવાહ કર્યો. તે આઠ સ્ત્રી સહિત સૂતા હતા, તેવામાં તે અમિત યક્ષે આવીને કુમારને ઉપાડી કોઈક સ્થાને નાંખી દીધા. પ્રાતઃકાળે જાગૃત થઈને કુમાર આગળ ચાલ્યા. માર્ગમાં એક મોટો પ્રાસાદ જોઈને કુમારે તેમાં પ્રવેશ કર્યો, ત્યાં હરિણના સરખા નેત્રવાળી એક કન્યાને જોઈને કુમારે તેને પૂછ્યું કે, ‘તું કોણ છે ?” તે બોલી કે “સાકેતપુરના રાજાની હું પુત્રી છું. મારા પિતાને કોઈ નિમિત્તિયાએ કહ્યું કે, ‘આ તમારી પુત્રી ચોથા ચક્રવર્તી સનત્કુમારને યોગ્ય છે.’ તે જાણીને એક વિદ્યાધરે મારું હરણ કરી મને અહીં આણી છે. હું નથી જાણતી કે હવે પછી તે શું કરશે ?’” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે, “તું ભય પામીશ નહીં. હું જ સનત્કુમાર છું.” એટલામાં તે કન્યાનું હરણ કરનાર વજ્રવેગ વિદ્યાધર ત્યાં આવ્યો, તેને મારીને કુમાર તે કન્યાને પરણ્યા. પછી વજ્રવેગની બહેન સંધ્યાવલી કે જેને કોઈ નિમિત્તિયાએ કહ્યું હતું કે ‘તારા ભાઈને મારનાર પુરુષ તારો પતિ થશે' એ વાક્યનું સ્મરણ કરીને તે સંધ્યાવલી કુમારને પરણી.
આ સર્વ વૃત્તાંત જાણીને વજ્રવેગનો પિતા કુમારને મારવા આવ્યો, પણ સંધ્યાવલીએ આપેલી પાઠસિદ્ધ વિદ્યાથી કુમારે તેને જીતી લીધો. તેની સાથેના યુદ્ધમાં કુમારને ચક્રરત્ન ઉત્પન્ન ૧. પાઠમાત્ર કરવાથી જ સિદ્ધ થાય-સાધવી ન પડે તેવી.