SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ભોજનમાં તેમને એવો ચટકો લાગ્યો કે તે મુનિ આચારને ભૂલી ગયા અને રાજમહેલમાં જ રોકાઈ ગયા. એક દિવસે પુંડરિકે વિનયથી કહ્યું : “હે પૂજ્યવર ! આપના તપ અને ત્યાગને ધન્ય છે ! આપ તો સતત ઉગ્ર વિહારી છો. આપના ઉપદેશથી હજારો જીવો પ્રતિબોધ પામ્યા છે. આપ મને પણ કંઈક ઉપદેશ આપો.” આ સાંભળીને કંડરિક મુનિ પોતાની લોલુપતા માટે શરમાવા લાગ્યા અને બીજે જ દિવસે ત્યાંથી વિહાર કરીને ગુરુ ભેગા થઈ ગયા. પરંતુ ગુરુ સાથે રહેવા છતાંય તેમનું મન કૂદાકૂદ કરવા લાગ્યું. તપ થાય નહિ, જાપમાં જીવ ચોટે નહિ, ધ્યાન તરત જ તૂટી જાય અને મન સતત વિકારમાં ઘૂમરાયા કરે. આથી એક દિવસ છાનામાના જ ગુરુને છોડીને પોતાના ગામના ઉદ્યાનમાં આવી ગયા. સાધુનાં ઉપકરણો સંતાડી દીધાં અને વિષયવિકારની વિહ્વળતાથી લીલાછમ ઘાસ પર આળોટવા લાગ્યા. આ વાતની જાણ કોઈએ પુંડરિકને કરી. પુંડરિક આવ્યો. તેણે બે હાથ જોડી વિનયથી કહ્યું: “હે તપસ્વી! આમ વિહ્વળ ન બનો. ક્ષણિક આવેગના માટે મૂલ્યવાન મુનિજીવન બરબાદ ન કરો અને જો આપ મન પર સંયમ ન જ રાખી શકો તેમ હો તો તમારો મુનિવેષ મને આપો અને આ રાજપાટ તમે સંભાળો.” - કંડરિક મુનિએ તરત જ મુનિવેષ ઉતારીને રાજપોષાક પહેરી લીધો અને હાથી પર બેસીને રાજમહેલમાં આવ્યા. અહીં હવે કોઈ મર્યાદા ન હતી. પૂરી સ્વતંત્રતા હતી. ભરપૂર સગવડો હતી. કંડરિકે બેફામ જીવવાનું શરૂ કર્યું. ન ખાવાનો વિવેક રાખ્યો. ન પીવાનો વિવેક રાખ્યો. સ્ત્રી સેવનમાં પણ અકરાંતિયા બન્યા. આનું દુષ્પરિણામ જે આવવું જોઈએ તે જ આવ્યું. સવાર પડતાં તો તે થાકીને લોથપોથ થઈ ગયા. પેટમાં પીડા ઊપડી. આંખો ઝાંખી થઈ. નસે નસ તૂટવા લાગી. મન બેચેન અને બેબાકળું બન્યું. સેવકોને હુકમ કર્યો. તે સમયસર આવ્યા નહિ. આથી તેમનો પિત્તો ફાટ્યો. રાડારાડ કરી મૂકી. એમને શૂળીએ ચડાવાની ધમકી આપી. એક બાજુ શારીરિક વેદના. બીજી બાજુ ભોગના વિચારો અને ત્રીજી બાજુ હિંસાના વિચારો. આ બધા રૌદ્ર અને આર્તધ્યાનમાં જ તે મૃત્યુ પામ્યા. મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના પાથડામાં ઉત્પન્ન થયા. આ બાજુ પુંડરિકે અભિગ્રહ કર્યો: “ગુરુ ભગવંત પાસે જઈને દીક્ષા લઈશ પછી જ મોંમાં અન્ન-પાણી લઈશ.” અને અડવાણા પગે ગુરુને મળવા ચાલી નીકળ્યા. એક તો મોટી ઉંમર. ઉઘાડા પગે કદી ચાલેલા નહિ. ક્યારેય તપ કરેલો નહિ. માથે વૈશાખી લાલચોળ તાપ. ઉઘાડા પગ અને ભૂખ્યું પેટ. છતાંય આ બધી વેદના હસતા મોંએ સહન કરતા તે ગુરુ પાસે પહોંચ્યા. ગુરુએ તેમને દીક્ષા આપી. એ દિવસે ઉપવાસ કર્યો. બે દિવસના ઉપવાસ સાથે ઉગ્ર પાદવિહાર. તેમાં આ ત્રીજો ઉપવાસ. રાજર્ષિની આંખે અંધારાં આવવા લાગ્યાં. હાડકે હાડકું તૂટવા લાગ્યું.
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy