________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૪૩
થવા છતાં પણ અનેક ક્ષણો સુધી વાસના રહે છે.” તો તે પોતાના મત માટે જ મોટી હાનિ ઉપજાવશે. માટે હે વત્સ ! હૃદયમાં મિથ્યાત્વને વિસ્તરવા ન દે, ને સ્યાદ્વાદના મર્મને જાણ. કારણ કે કોઈ વસ્તુ એકાંતે પર્યાયરૂપ નથી અને એકાંતે દ્રવ્યરૂપ પણ નથી. પરંતુ ઉત્પાદ, વ્યય તેમજ ધ્રૌવ્યરૂપ હોવાને લીધે અનેક પર્યાયવાળી છે. ભુવન, વિમાન, દ્વીપ, સાગર આદિ સઘળી વસ્તુ નિત્યાનિત્યત્વને લઈ વિચિત્ર પરિણામી અને અનેક સ્વરૂપી છે. એમ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે. તે સર્વજ્ઞ પરમાત્માએ કોઈ સ્થળે વ્યવહારનયને મુખ્ય રાખી, તેને ઉદ્દેશીને કથન કર્યું હોય છે. તો કોઈ સ્થળે નિશ્ચયનયને ઉદ્દેશીને કથન કર્યું હોય છે તેવી જ રીતે કોઈ વખતે ઉભયનયને ઉદ્દેશીને પણ ફરમાવ્યું હોય છે. તે બધું યથાર્થ રીતે સ્વીકારવું જોઈએ પણ શ્રી જિનવચનમાં પોતાના મતની કે મતિની કલ્પના કરવી નહિ જોઈએ. એટલે કે કેવળ પર્યાય નયને જ સ્વીકારીએ તો સુખ, દુ:ખ, બંધ, મોક્ષ આદિ કાંઈ પણ ઘટે નહીં (આ પક્ષવાક્ય કહેવાય) ઉત્પત્તિ પછી તરત જ તેનો સર્વથા નાશ થાય છે, માટે. (આ હેતુ કહેવાય) મૃતકની જેમ (આ ઉદાહરણ છે).
આવી જ રીતે માત્ર દ્રવ્યાર્થિકનયનો જ આશ્રય કરીએ તો પણ સુખ-દુઃખાદિની વ્યવસ્થા થઈ નથી શકતી. કારણ કે આ મતમાં સર્વ પદાર્થો એકાંતે નિત્ય હોઈ બધી જ વસ્તુ આકાશની જેમ નિશ્ચળ થશે તેથી તેમાં રહેલી વિચિત્રતા ઘટિત નહીં થાય. એટલે કે બન્ને પક્ષો માનવાથી જ યથાર્થ રીતે બધું ઘટી શકશે, એકાંતવાદીનો પક્ષ તો લાખો દોષથી ભરેલો હોઈ દૂરથી જ છોડવા જેવો છે.
ઇત્યાદિ ઘણી યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવવા છતાં તે ન સમજ્યો. પરિણામે નિહ્નવ જાણી સ્થવિર સાધુઓએ તેને ગચ્છ બહાર મૂક્યો. તેણે કેટલાક મુનિઓના વિચાર ફેરવ્યા, તેમને પોતાની માન્યતાવાળા કરી તે વિચરવા અને પોતાના મતનો પ્રચાર કરવા લાગ્યો. એકવાર તે રાજગૃહે આવ્યો. ત્યાં કર લેવા માટે રાજા તરફથી નિયુક્ત કરેલા માણસો ઉત્તમ શ્રાવકો હતા. આ નિહ્નવોના પ્રચારથી વિમાસણમાં પડેલા શ્રાવકોએ નિર્ણય કર્યો કે કઠોર પગલાં લઈને પણ આ સાધુઓને માર્ગમાં લાવવા અને અવસર મળતાં તેમણે બધા સાધુઓને પકડી તેમના પર કોરડા વીંઝવા માંડ્યા. આ ઓચિંતા હુમલાથી ડઘાઈ ગયેલા તે સાધુઓ ભયભ્રાંત થઈ બોલવા લાગ્યા કે ‘અમે તો તમને શ્રાવક સમજ્યા હતા. તમે શા માટે અમને મારો છો ?’ શ્રાવકો બોલ્યા ‘અમે તો શ્રાવક જ છીએ, પણ તમારા મત પ્રમાણે જેઓ વ્રત ધારણ કરી સાધુ બન્યા હતા તે બધા જ નાશ પામ્યા છે, તેથી તમે તો કોઈ જુદા જ ઊપજ્યા છો. પ્રતિક્ષણે તમે પોતે નશ્વર હોઈ માર ખાનારા જુદા અને વિનાશ પામતા પણ જુદા જ છે.’ તમારા મત પ્રમાણે અમે શ્રાવક હતા, પણ અત્યારે ક્યાં રહ્યા ? તમે અમને શ્રાવક કહો કેવી રીતે ? આ સાંભળી વિસ્મય પામેલા તે સાધુઓ પરસ્પરને પ્રશ્નાર્થ નજરે નિહાળવા લાગ્યા. એટલે શ્રાવકોએ કહ્યું “જો તમે જિનેશ્વરદેવના અતિ ઉત્તમ આગમને પ્રમાણભૂત માનતા હો તો અમે તમને પણ તેવા જ ઉત્તમ કોટિના સાધુઓ માનીએ, ભક્તિ શ્રદ્ધા ને આદર રાખીએ, ને મારીએ તો નહીં જ. કારણ કે શ્રી જિનેશ્વર પરમાત્માએ