________________
૨૪૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ રીતે તારું કલ્યાણ થાય એવી ભાવનાથી પ્રેરાઈ અહીં આવ્યો છું. હજી સદ્ગતિની ભાવના હોય તો અણસણ લે.” તે સાંભળીને પાડાએ નિષ્ઠાથી અણસણ લીધું. આયુ પૂર્ણ થયે તે વૈમાનિકદેવ થયો. માટે વ્રતની વિરાધના કરવી નહીં ને શુદ્ધ વ્રત પાળવું. અહીં વ્રત વિરાધનાનું કારણ બીજા બીજા દર્શનો-મતોના આચારથી આકાંક્ષા કરવી નહીં અને જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલું તત્ત્વ જ સત્ય છે એવી નિષ્ઠા રાખવી. આના સંદર્ભમાં આ એક બીજી કથા પણ છે.
મુનિ અશ્વમિત્રજીની કથા મિથિલાનગરીના લક્ષ્મી ઉદ્યાનમાં શ્રી આર્યમહાગિરિ પધાર્યા. તેમના શિષ્યનું નામ આર્યકૌડિન્ય અને તેમના શિષ્યનું નામ અશ્વમિત્ર હતું. તેમણે દસમા પૂર્વની નૈપુણિક વસ્તુ ભણતાં એવો અર્થ અધ્યયનમાં આવ્યો કે “વર્તમાન સમયના બધા નારકી જીવો બીજા સમયમાં નાશ પામે છે. આવી રીતે વૈમાનિક જીવો પણ બીજા સમયમાં નાશ પામે છે; આ જ પ્રમાણે બીજા સમય આદિના નારકી આદિ જીવોના માટે સમજવું.” આ વાંચી અશ્વમિત્રને સમજાયું કે “ઉત્પત્તિ' પછી બીજા સમયે અને સર્વ વસ્તુનો સર્વથા નાશ થાય છે. તેમને આવું મગજમાં બેસી ગયું ને એ જ પ્રમાણે તે બીજાને ભણાવતી વખતે કહેતા કે “સર્વથા સર્વ પદાર્થો ઈન્દ્રધનુષ, વીજળી કે મેઘની જેમ પ્રતિક્ષણે ઉદ્ભવે ને નાશ પામે છે.” ગુરુમહારાજે આ જાણ્યું ત્યારે કહ્યું “આ તો બૌદ્ધોના શૂન્યવાદ જેવી વાત તું કરે છે. સર્વનયનો નહીં પણ માત્ર ચોથા ઋજૂસૂત્ર નામક નયનો જ આ અભિપ્રાય છે. આ સૂત્ર તો માત્ર અપર-અપર (જુદા-જુદા) પર્યાયની ઉત્પત્તિ તથા નાશ સમજાવે છે. એક અપેક્ષાએ કોઈ પણ પ્રકારે વસ્તુનો પ્રતિક્ષણે નાશ કહેલો છે, જે સમયે નારકી આદિ વસ્તુ પ્રથમ સમયના નારકીપણે ક્ષય પામે છે, તે જ સમયે બીજી ક્ષણના નારકીપણે ઉત્પન્ન થાય છે. પરંતુ તે જીવ જીવદ્રવ્યપણે તો કાયમ-સ્થાયી છે જ.
અર્થાત્ કાળના પર્યાયથી જ વસ્તુ નાશ પામી-એટલે કે એ કાળવાળી વસ્તુ નાશ પામી એમ સમજવાનું છે પણ સર્વથા વસ્તુનો નાશ સમજવાનો નથી. દરેક વસ્તુ અનંતપર્યાયાત્મક છે - એટલે કે દરેક વસ્તુ અનંત પર્યાયવાળી છે. તેમાંથી માત્ર એક પર્યાયનો નાશ થતાં, વસ્તુનો જ નાશ માનવો એ માત્ર વિસંવાદિત છે. વળી તે અશ્વમિત્ર ! કદાચ સૂત્રના આલાવાથી તને ભ્રાંતિ થઈ હોય તો હું તને સૂત્રનો આલાવો કહું છું જો –
नेरइया णं भंते किं सासया असासया ? । गोयमा ! सिय सासया सिय असासया। से केणटेणं ? गोयमा ! दव्वट्ठयाए सासया भावट्ठयाए असासया त्ति ।
અર્થ - હે ભગવન્! નારકીના જીવો શાશ્વતા છે કે અશાશ્વતા? પ્રભુએ કહ્યું “ગૌતમ! અપેક્ષાએ શાશ્વતા ને અપેક્ષાએ અશાશ્વતા છે.” ગૌતમસ્વામીએ પૂછ્યું “તે કેવી રીતે ભગવન્!” ભગવંતે કહ્યું “હે ગૌતમ ! દ્રવ્યનયની અપેક્ષાએ શાશ્વતા અને ભાવનયની અપેક્ષાએ અશાશ્વતા છે' ઇત્યાદિ. માટે હે શિષ્ય ! શાસ્ત્ર-સૂત્રમાં પણ નારકી આદિનો સર્વથા નાશ કહ્યો નથી. પ્રથમ