________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૩૫
કરાવવામાં કારણભૂત થાય છે. અન્ય પદાર્થમાં ઉપયોગ હોય છે ત્યારે માણસ પાસે ઊભેલા હાથીને પણ જોઈ શકતો નથી. એટલે એક પદાર્થમાં ઉપયોગવાળું મન કદાપિ બીજા અર્થનો ઉપયોગ ન ધરાવી શકે.
જેમ કોઈ સાધુ એકાગ્રધ્યાનમાં મગ્ન થઈને કાઉસ્સગ્ગમાં રહ્યા. ત્યાં એક ચક્રવર્તી પોતાના મહાન સૈન્ય અને ચોસઠ હજાર સ્વરૂપવતી રાણીઓ આદિ મહા ઋદ્ધિસિદ્ધિ સાથે ત્યાંથી નીકળ્યો. તે વખતે સૈન્યનાં ઢોલ-નગારાં ત્રાંસા-મેરી આદિ સંખ્યાબંધ વાજિંત્રો જોરથી વાગતાં હતાં. પણ મુનિને કશી જ જાણ ન હતી. ચક્રીએ વિચાર્યું : ધન્ય છે, મુનિશ્રી કેટલા એકાગ્ર છે ? આવડું મોટું સૈન્ય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમ પાંચે ઇન્દ્રિયોને આનંદ આપવાને સમર્થ-અતિ આકર્ષક સાધનથી સભર આ મારી ઋદ્ધિસિદ્ધિને તો આ મુનિ જોતાય નથી. ચક્રી હાથી પરથી ત્યાં ઊતરી ગયા ને મુનિરાજ પાસે હાથ જોડી ઊભા રહ્યા.
થોડીવારે ધ્યાન પૂરું થયું એટલે તેમણે મુનિશ્રીને નમીને વંદન કર્યું ને પૂછ્યું : “મહારાજજી ! મન અને ઇન્દ્રિયોને આહ્લાદ ઉપજાવે તેવું મારું સૈન્ય અહીંથી ગયું. ઘણા સેવકો પ્રણામ કરતા હતા. આ બધું આપની જાણમાં હશે ?” મુનિ બોલ્યા, “ના રાજા, તમે કહ્યું તેમ હશે પણ મેં કાંઈ જોયું સાંભળ્યું નથી.”
તે સાંભળી સાધુ મહારાજની એકાગ્રતા અને ઉપયોગની તેણે અંતરથી પ્રશંસા કરી, બોધ પામેલો રાજા વારંવાર ગુરુસ્તુતિ કરતો બોલ્યો “આપણી ચારે તરફ ઇન્દ્રિય ગમતા પદાર્થો-વિષયો હોય છતાં મનની પ્રવૃત્તિ વિના કોઈ પદાર્થ ગ્રાહ્ય થતો નથી, આ વાત સાવ સાચી છે.” માટે હે ગંગાચાર્ય ! જીવ જે ઇન્દ્રિયના ઉપયોગમાં વર્તતો હોય તે જ ઇન્દ્રિયના વિષયમાં લીન થાય છે. માટે જ તે બીજા પદાર્થોમાં લીન થઈ શકતો નથી. ગંગાચાર્યે પૂછ્યું “નાથ, જો બે ક્રિયાનો ઉપયોગ સમકાળે ન થઈ શકે તો મેં શીત-ઉષ્ણ એક સાથે બે ક્રિયાઓ કેવી રીતે અનુભવી ?”
ગુરુજીએ કહ્યું : “સમય-આવલિકા આદિ કાળના વિભાગો ઘણા જ સૂક્ષ્મ છે. તેથી ભિન્ન ભિન્ન સમયમાં થયેલું બે ક્રિયાનું જ્ઞાન કમળનાં સેંકડો પાનના વેધની જેમ સમકાળે થયેલું તમને જણાય છે. જેમ કમળનાં સો પાંદડાંની થપ્પીને કોઈ બળવાન માણસ અતિ તીક્ષ્ણ સૂયાથી એક સાથે વીંધી નાખે. છતાં તે એક સાથે - એક કાળે વીંધાતાં નથી. કારણ કે કાળના ભેદે એક પછી બીજું પત્ર વીંધાતાં અસંખ્યાત સમય થાય છે. ઉપરનું પત્ર (પાંદડું) વીંધાયા વિના નીચેનું વીંધાઈ શકતું નથી. છતાં વીંધનારને એમ જ લાગશે કે મેં એક જ વખતે - એક જ કાળે આ બધાં પત્રો વીંધ્યાં છે.
કાળનો ભેદ અતિસૂક્ષ્મ હોઈ એવું જણાય છે. તેવી જ રીતે અલાતચક્ર (ઉંબાડિયું જેનો છેડો સળગાવી ગોળ ગોળ ફેરવવામાં આવે છે.) ને ઘણી જ શીઘ્રતાથી ફેરવતાં તે અગનગોળા એક દિશા કે વિદિશામાં થઈને જ બીજી દિશા કે વિદિશામાં જાય છે. છતાં ઘણા ઓછા કાળમાં