________________
૨૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ तडबूज कलिङ्गं च भोज्यं शीतं च वातुलम् ।
कपित्थं बदरी जम्बू-फलानि ध्नन्ति धीषणाम् ॥१॥ અર્થ - તડબૂચ, કાલિંગડુ, શીત અને વાયડું ભોજન, કોઠું, બોર અને જાંબૂ આ બધાં ફળાદિ બુદ્ધિને નિસ્તેજ અને બરડ બનાવે છે.
ગુરવચન સ્વીકારી તેઓ પ્રાયઃ તેવો જ આહાર કરતા. આગળ જતાં અભયદેવ સુયોગ્ય પાત્ર સિદ્ધ થતાં ગુરુ મહારાજે તેમને આચાર્યપદે આરૂઢ કર્યા.
શ્રી અભયદેવસૂરિજી એકવાર વિચરતાં વિચરતાં થંભનપુર (ખંભાત) પધાર્યા. અતિ તુચ્છ આહાર કરવાથી તેમને કોઢનો મહારોગ થઈ ગયેલો - તે એટલો વધી ગયો કે તેમનાથી સહન ન થઈ શક્યો. પીડાનું પ્રમાણ અતિ વધી જવાથી સાંજના પ્રતિક્રમણ પછી આચાર્યશ્રીએ શ્રાવકોને કહ્યું “આ વ્યાધિ હવે અસહ્ય થઈ ગઈ છે. માટે સવારે અનશન કરીશ.” આ સાંભળી બધા ખૂબ જ ખિન્ન થયા. મધ્યરાત્રિએ શાસનદેવતાએ આવી પૂછ્યું “મહારાજજી ! જાગો છો કે ઊંધો છો?’ તેમણે કહ્યું “જાગું છું.” દેવીએ કહ્યું “તો ઊઠો, ને આ નવસુત્રની આંટી) કોકડી ઉખેળો.” આચાર્ય બોલ્યા “આ રોગી શરીરથી કેવી રીતે ઉખેળું?” દેવી બોલ્યાં “નવ અંગની વૃત્તિ તમારે કરવાની છે. ત્યાં આ કોકડીનું કામ શું વિસાતમાં છે? માટે આ હાથમાં લ્યો. તમે લાંબો કાળ જીવશો.” ગુરુએ પૂછ્યું “આવી શારીરિક પરિસ્થિતિમાં શ્રી જિનેશ્વરદેવનાં આગમોની વૃત્તિ (ટીકા) હું શી રીતે કરી શકીશ?”
દેવીએ કહ્યું “છ મહિના સુધી આયંબિલનું તપ કરો.” ઇત્યાદિ દેવીના નિર્દેશાનુસાર તેમણે છ માસ સુધી આયંબિલ કર્યા. સાથે સાથે નવે અંગના કઠિન શબ્દોની ટીકા કરી નવાંગીવૃત્તિ પૂર્ણ કરી. ત્યાં પાછો રોગ ઊથલો માર્યો. ત્યાં ધરણેન્દ્ર શ્વેત સર્પનું રૂપ લઈ આવ્યા અને આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિજીનું શરીર ચાટી ચાટીને નીરોગી ને સ્વસ્થ કર્યું. પછી ધરણેન્દ્ર આચાર્યદેવને કહ્યું: “સેઢી નદીના કાંઠે શ્રી સ્તંભનપાર્શ્વનાથની પ્રતિમાજી પૃથ્વીમાં ગુપ્ત રહ્યા છે. તે ક્યાં છે ત્યાં કોઈ ગાય આવશે ને તેના સ્તનથી દૂધ ઝરશે. આથી તમે પ્રતિમાજીનું સ્થાન નિશ્ચિત જાણી પ્રતિમાજીને પ્રકટ કરજો.” એમ કહી ધરણેન્દ્ર ચાલ્યા ગયા.
સવારે સંઘ સાથે મહારાજજીએ પ્રયાણ કર્યું અને સેઢી નદીના કાંઠે આવ્યા ને કોઈ ગોવાળ ગાયનું ધણ લઈ ત્યાંથી નીકળ્યો. ત્યાં એક ગાયના આંચળમાંથી દૂધની શેરો વહેવા માંડી. ગોવાળ પણ અચરજ પામ્યો. સ્થાનનો નિશ્ચય થતાં જ આચાર્યશ્રી સ્થિર થઈ બેઠા અને પાર્થપ્રભુજીની સ્તુતિરૂપ “જય તિહુઅણ' નામનું નવું સ્તોત્ર રચ્યું. તેના બત્રીશ શ્લોક પૂર્ણ થતાં તેત્રીસમો શ્લોક બોલતાં જ સ્તંભનપાર્શ્વનાથ પૃથ્વીમાંથી પ્રગટ્યા, દેવતાના આદેશથી તેત્રીસમો શ્લોક ગોપવી દેવામાં આવ્યો. ૧. શ્રી આચારાંગસુત્ર અને સૂયગડાંગસૂત્રની વૃત્તિ શ્રી શીલાંકાચાર્યજીએ કરી હતી તે બાકીના નવ અંગની વૃત્તિ બાકી હતી.