________________
૨૧૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ “વત્સ! ગધેડાના શિંગડાની જેમ ત્રીજો રાશિ પણ અવિદ્યમાન હોઈ સિદ્ધ ન થયો. માટે તું દુરાગ્રહ છોડી દે. જો સંસારમાં નોજીવ જેવી વસ્તુ હોત તો વ્યંતરદેવ ગમે ત્યાંથી લાવી આપત.” ઇત્યાદિ અનેક રીતે સમજાવતા છતાં રોહગુપ્ત પોતાનો આગ્રહ છોડ્યો નહીં ત્યારે આચાર્યશ્રીએ એકસો ચુમ્માલીશ પ્રશ્નોથી રોહગુપ્તને નિરુત્તર કરી રાજા આદિ સમક્ષ પરાજિત કર્યો.
અહીં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ મૂળ પદાર્થોની ભેદ કલ્પના કરી, તેમાં પંચ મહાભૂત, કાળ, દિશા આત્મા અને મન એ નવ દ્રવ્ય ભેદ કર્યા. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામાદિ ગુણના સત્તર ભેદ કર્યા. ઉલ્લેપણ, અપક્ષેપણ આકુંચન-પ્રસારણ અને ગમન એમ કર્મના પાંચ ભેદ, સામાન્ય ત્રણ ભેદ, તેમજ વિશેષ અને સમવાયનો એકેક ભેદ કરી સર્વે છત્રીશ ભેદ કર્યા. તે બધાના પણ પ્રકૃતિ (મૂળ શબ્દ), અકાર (અલ્પ નિષેધવાચક), નોકર (સર્વથા નિષેધ વાચક) અને બન્નેનો નિષેધ (નિષેધનો નિષેધ = મૂળ વસ્તુ) એમ ચાર પ્રકાર કર્યા. એમ કરતાં સર્વ ભેદ એકસો ચુમ્માલીશ થયા. પછી ફરી કુત્રિકાપણ જઈ પૃથ્વી માંગી એટલે તેણે પથરો આપ્યો. કેમ કે તે પ્રકૃતિ જાત ઉપપદથી રહિત શુદ્ધ પૃથ્વી છે. પછી અપૃથ્વી માંગી એટલે પૃથ્વી સિવાય જળ વિ. આવ્યું. પછી નોપૃથ્વી માંગી એટલે નો નો અર્થ થોડો તેમજ સર્વથા એમ બે પ્રકારે નિષેધ એવા કર્યા અને થોડા નિષેધે પાષાણનો કકડો અને સર્વથા નિષેધ જળ આદિ આવ્યાં.
અને નોઅપૃથ્વી માંગતાં પૃથ્વી-પાષાણાદિ આપ્યા. કારણ કે નોઅજીવની પેઠેનો અપૃથ્વીનો અર્થ પણ પૃથ્વી જ થાય. આમ જળ આદિમાં પણ ચાર ચાર સમજવા. નિશ્ચયનયના મતે તો જીવ અને અજીવ આ બે જ પદાર્થો છે. આમ અનેક રીતે ગુરુમહારાજે સમજાવ્યા છતાં કોઈ રીતે પણ પોતાનો કદાગ્રહ ન છોડ્યો ને કુમતિનો જ અત્યધિક વિસ્તાર કરવા માંડ્યો ત્યારે ગુરુશ્રીએ તેના માથા પર બળખા નાખવાની કુંડીની રાખ નાંખી ગચ્છ બહાર કર્યો.
રોહગુપ્તની ઉદંડતા ને શઠતા જોઈ રાજા પણ કુદ્ધ થયા ને તેમણે પોતાના રાજ્યમાં એવી ઉઘોષણા કરાવી કે પોતાના ગુરુ મહારાજના પ્રતિપક્ષી બનેલા રોહગુપ્તને જે કોઈ મહત્ત્વ કે માન્યતા આપશે તે રાજદ્રોહી ગણાશે. ત્યાર બાદ સુદૂર નીકળી ગયેલા રોહગુપ્ત પોતાની બુદ્ધિપ્રતિભાથી વૈશેષિક દર્શનની સ્વતંત્ર રચના કરી અને ગ્રંથો આલેખ્યા.
શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ વર્ષે આ રોહગુપ્ત નામે છઠ્ઠો નિદ્ભવ થયો. તેનું વૃત્તાંત સંક્ષેપથી અહીં કહેવાયું.
સમસ્ત વિશ્વ ષડ્રદ્રવ્યથી પરિપૂર્ણ છે' એમ શ્રી જિનેશ્વરદેવોએ જોયું ને પ્રરૂપ્યું છે, તેનું ઉત્થાપન કરવાપૂર્વક દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ છ પ્રકારનું સ્થાપન કરવાપૂર્વક તેને સત્ય માનતોમનાવતો અને વિસ્તારતો આમ પોતાના ત્રિરાશિક મતને વ્યવસ્થિત રીતે સ્થાપતો આ વૈશેષિક છઠ્ઠો નિતવ જાણવો.