________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૭૯
પછી રાજાના ખૂબ આગ્રહથી મુનિએ યશોધર અને ચંદ્રવતીના સાત ભવ કહ્યાં. એ સાંભળી રાજા મૂર્છા પામ્યો અને દુઃખથી પસ્તાવો કરવા લાગ્યો. અભયરૂચિ અને અભયમતિ બંનેને પોતાના પૂર્વભવ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને ગુણધર રાજાને કહ્યું : “હવે અમે બંને દીક્ષા લઈશું.” રાજાને પણ વૈરાગ્ય થયો. પછી પુત્ર અને પુત્રી સહિત અનેક સામંતો સાથે રાજાએ દીક્ષા લીધી અને બધા ઉગ્ર તપ કરવા લાગ્યાં. હે રાજન્ ! તે ગુણધર આચાર્ય આજ તારી નગરીમાં પધાર્યા છે.
આ સાંભળી મારીદત્ત રાજાએ કહ્યું : “હે અણગાર ! તે ગુણધર મારા બનેવી થાય. તમે મારા ભાણેજ થાવ છો. તમારું વૃત્તાંત સાંભળી મારા હૈયે અનંત વેદના થાય છે કે આહ ! મેં અજ્ઞાનતાથી કેટલા બધા જીવોનો વધ કર્યો છે અને કરાવ્યો છે !”
આ પછી મારીદત્તે બલિદાન માટે તૈયાર રાખેલ એક લાખ જીવોને અભયદાન આપ્યું અને નગરમાં અમારિ ઘોષણા કરાવી.
આમ મિથ્યાત્વી મારીદત્તે દેવીની પૂજા માટે જીવોનું બલિદાન દેવાનું બંધ કર્યું. તો પછી જૈનોથી તો તેવી હિંસા થાય જ શી રીતે ? ખોટા ધર્મના નામે કોઈ દેવીને બિલ ચડાવાય જ શી રીતે ? આ કથાથી શીખવાનું છે કે જીવહિંસાથી જીવને અનેક ભવમાં ભટકવું પડે છે અને અપરંપાર દુઃખો ભોગવવાં પડે છે.
*0*
૧૮૯
ચૈત્ય' શબ્દની વ્યાખ્યા
આ વ્યાખ્યાનમાં ચૈત્ય શબ્દની વિસ્તૃત સમજ આપવામાં આવે છે.
ભાવાર્થ :- વિદ્વાન આચાર્ય ભગવંતોએ ચૈત્ય શબ્દનો અર્થ જિનાલય અને જિનબિંબ કહ્યો છે. આથી ઘણા આત્માને ગુણ પ્રાપ્ત કરી આપનાર ચૈત્ય ભાવથી વંદન કરવા યોગ્ય છે.
વિસ્તરાર્થ :- કેટલાક લોકો ચૈત્યનો અર્થ જ્ઞાન, મુનિ, વન વગેરે કહે છે. પરંતુ આ લોકો પોતાના કે બીજાના શાસ્ત્રોના શબ્દાર્થને જાણતા નથી. આથી તેમણે કરેલો ચૈત્યનો અર્થ બરાબર અને યથાર્થ નથી. કારણ કોશ-શબ્દકોશ વગેરે પ્રમુખ શાસ્રમાં ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા જ બતાવ્યો છે.
દા.ત. વ્યાકરણ “ચિત્તિ સંજ્ઞાને” એવો ધાતુ છે. આ ઉપરથી જેનાથી કાષ્ઠાદિક પ્રતિમા