________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૮૩
વ્રત લેનારને એવી શંકા થાય કે “મેં ચોરીનો ત્યાગ કર્યો છે. ચોરને અન્ન આદિ આપવાનો કોઈ ત્યાગ નથી, માટે એમાં ક્યાં દોષ છે? તો વ્રતખંડનમાં સાપેક્ષ નિરપેક્ષપણું હોવાથી આ પ્રથમ અતિચાર કહેવાય છે.
બીજો અતિચાર-ચોરીમાં લાવેલ કુંકુમ આદિ વસ્તુ મૂલ્ય આપી ખરીદવી તે. તે પણ ઓછા ભાવે લોભદોષથી પ્રેરાઈ લે તો ક્રમે કરી વ્રતભંગ થાય. પણ વ્રતઘાતક એમ સમજે કે “આમાં ક્યાં ચોરી છે? આ તો વેપાર છે. માટે ક્યાં દોષ લાગે તેમ છે?” એમાં પરિણામે વ્રતની નિરપેક્ષતા ન હોવાને કારણે વ્રતભંગ નથી. માટે આ બીજો અતિચાર કહેવાય છે.
ત્રીજો અતિચાર-રાજાની આજ્ઞા વિરુદ્ધ વર્તન. જેમકે પોતે જે જગ્યાએ રહેતો હોય ત્યાંના રાજાએ નિષેધ કર્યો હોય છતાં વ્યાપારાદિ માટે શત્રુરાજાના રાજ્યમાં જવું. ઉપલક્ષણથી ત્યાં જે વસ્તુ વેચવા કે બહારથી લાવવાની મનાઈ હોય છતાં ગુપ્ત રીતે હાથીદાંત, લોખંડ, પાષાણ આદિ કે કેફી પદાર્થો આદિ વસ્તુઓ લાવવી તે. મૂળ ચાર પ્રકારના અદત્તાદાનમાં સ્વામીની આજ્ઞા વિના લેવું તે સ્વામીઅદા કહ્યું છે. તેમાં આ અતિચાર આવી જાય છે. તથા તે ચોરીના દંડને ઉચિત હોઈ વ્રતનો ભંગ પણ થાય છે. પરંતુ રાજયવિરુદ્ધ વર્તન કરતો વતી એમ સમજે કે મેં તો વ્યાપાર કર્યો છે. ચોરી કરી નથી, લોકો મને “આ ચોર છે એમ કહી શકતા નથી.” આમ વ્રતસાપેક્ષ સ્થિતિ હોવાથી આ અતિચારમાં ગણાય છે.
ચોથો અતિચાર-પ્રતિરૂપ (સરખી) વસ્તુની ભેળસેળ કરવી તે. એક ધાનના લોટમાં બીજા ધાનનો ભળી શકે તેવો લોટ ભેળવવો. ઘીમાં તેલ-ચરબી, કેસરમાં કસુંબો આદિ તથા મોંઘી વસ્તુમાં તે જ હલકી વસ્તુ ભેળવવી જેમ ચોખ્ખા ઘીમાં હલકું બનાવટી ઘી વગેરે ભેળવવું તે ચોથો અતિચાર કહેવાય.
પાંચમો અતિચાર-ખોટા તોલ-માપ. તોલ એટલે શેર, મણ, ખાંડી (ગ્રામ, કીલો, ક્વિન્ટલ) આદિ તથા માપ એટલે પળી-પાલી (લીટર) આદિ તથા હાથ, ગજ, વાર (મીટર) આદિ. તેમાં ઓછા વધતા તોલ-માપ આદિ રાખે ને દેતાં ઓછું દે, ને લેતા વધારે લે તે પાંચમો અતિચાર. ચોથા ને પાંચમા અતિચારમાં છેતરપિંડી કરી પરાયું ધન લેવાની વૃત્તિથી વ્રતભંગ થાય, પણ વ્રત લેનાર એમ ધારે કે – “ખાતર પાડી, તાળું તોડી આદિ રીતે ચોરી કરી હોય તો જ ચોરી કહેવાય. આ તો વાણિજ્યનો મામલો છે. આમ વ્રતસાપેક્ષ હોવાથી તેને અતિચાર લાગે છે. આ ત્રીજા અણુવ્રતના પાંચે અતિચાર ગૃહસ્થ જાણીને અવશ્ય છોડી દેવા.
અહીં ખોટા માન-માપની વાત કહી તેમાં ચોખ્ખી ચોરી છે. નીતિકારો કહે છે – “થોડું લાલન-પાલનથી, થોડું કળાથી, થોડું માપથી, થોડું તોલથી અને થોડું ચોરીથી આ પ્રમાણે મેળવી લેતા ઠગવણિકો ઉઘાડા ચોર છે, માટે આ વ્યવહાર શ્રાવક માટે અનુચિત છે. આ વ્રત પાળવાથી