________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૮૫
ભગવતીજી સૂત્રમાં વિરપ્રભુની શય્યાતર શ્રાવિકા મૃગાવતીની નણંદ જયંતિ શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન કર્યો છે કે - “હે ભગવંત ! ઊંઘવું સારું કે જાગવું સારું?” પ્રભુએ કહ્યું કે - “કેટલાક માટે સૂવું સારું ને કેટલાક માટે જાગવું સારું. જે અધર્મી અને અધમ જીવો જેઓ અધર્મની જ જીવિકા ચલાવે છે. તેવા જીવોનું ઊંઘવું તેમના હિતમાં છે, કારણ કે તે જીવો સૂતા હોવાને લીધે ઘણાં પ્રાણીઓને, ભૂતોને સત્ત્વોને દુઃખ ઉપજાવી શકતા નથી. પોતાના આત્માને પાપથી અવલિત કરી શકતા નથી, તેમજ તેવા પ્રાણી સૂતા હોવાથી પોતાને, પરને અને ઉભય (બંને)ને અધર્મહિંસાદિમાં જોડી શકતા નથી તેથી તેઓ ઊંઘતા સારા. “હે જયંતિ ! અને જે જીવો ધર્મિષ્ઠ છે. ધાર્મિક પ્રવૃત્તિના જ કરનારા છે. એવા જીવો તો જાગતા સારા. જેઓ ઉભયના કલ્યાણ માર્ગની પ્રવૃત્તિ કરે છે. ઇત્યાદિ. આ પ્રમાણે જ સબળ અને નિર્બળ, ચબરાક ને આળસુ વગેરે જીવોની બાબતમાં જાણી લેવું. આ પ્રમાણે નિદ્રા નામનો પ્રમાદનો ચોથો ભેદ જાણવો.
ચૌદ પૂર્વધર મહાત્મા પણ નિદ્રારૂપી પ્રમાદના વશવર્તી થઈ પૂર્વોને ભૂલી જાય છે. પૂર્વ વિસ્મૃત થાય છે. અંતે નિગોદમાં જઈ લાંબો કાળ વીતાવે છે. માટે નિદ્રારૂપ પ્રમાદનો અવશ્ય ત્યાગ કરવો. આહાર અને નિદ્રા ઘટાડો તેટલા ઘટે.
૧૩૩
વિકથા (પાંચમો પ્રમાદ) राज्ञां स्त्रीणां च देशानां, भक्तानां विविधाः कथाः । सङ्ग्रामरूपसद्वस्तुस्वाद्याश्च विकथाः स्मृताः ॥ १ ॥
અર્થ - રાજાના માન-પાન-મોભા વિલાસ વૈભવ કે શૌર્ય તેમજ યુદ્ધાદિની કથા તે રાજકથા. સ્ત્રીઓના રૂપાદિકની કથા તે સ્ત્રીકથા. કોઈ વસ્તુ અમુક દેશમાં સારી થતી હોઈ તે સંબંધી દેશકથા કરવી. ભોજન આદિ રૂચિને સંતોષ આપે તેવી સ્વાદાદિની કથા તે ભક્ત (ભોજન) કથા, આ બધી કથાઓ વસ્તુતઃ વિકથા છે.
' વિશેષાર્થ – રાજકથા એટલે રાજાઓના યુદ્ધ તે સંબંધી કૌશલ કે શૌર્યને લઈ તેની કથા કરવી તે. જેમ આ રાજા બીજો ભીમ છે. શું ગદા ફેરવે છે. શત્રુઓના તો દાંત ખાટા કરી નાંખ્યા. રાજા તો આવા જ જોઈએ. અમર તપો આપણા મહારાજા. અથવા અમુક રાજામાં કાંઈ દમ નથી. તેને રાજા બનાવ્યો કોણે? તે દુષ્ટ છે, મરે તો પતી જાય. ઇત્યાદિ રાજા કે રાજનીતિની વાતો એવી વિચિત્ર છે કે ન ગમવા છતાં ગમે છે, તેમાં પ્રહરો પૂરા થઈ જાય છે, છતાં હાથમાં કશું જ આવતું નથી. કોઈવાર તો બોલચાલમાં કડવાશ અને સંબંધમાં તરાડ પેદા થાય છે. માટે રાજકથામાં પડવું નહિ ને સમયનો ધર્મધ્યાનમાં સદ્ઉપયોગ કરવો.