________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨
૨૫૧ રામચંદ્રજી પાસે ન્યાય મેળવવા.” આખરે મોટા ટોળા સાથે કૂતરો-બ્રાહ્મણ આવ્યા. ન્યાયનિષ્ઠ રાજા રામચંદ્ર પાસે, ન્યાયસભામાં કૂતરાએ બનેલી બીના કહી સંભળાવી. બધું શાંતિથી સાંભળી શ્રી રામચંદ્રજીએ કૂતરાને જ કહ્યું – “શ્વાન ! આ બ્રાહ્મણ ખરેખર અપરાધી છે, ને તેને દંડ થવો પણ જોઈએ માટે તું કહે તે દંડ આપવામાં આવે.” તે સાંભળી રાજી થતો કૂતરો બોલ્યો – “ધન્ય છે મહારાજ, તમારો ન્યાય સાચે જ મહાન છે.' આ દુષ્ટ બ્રાહ્મણને કોઈ મહાદેવના મંદિરનો પૂજારી બનાવો.”
આ સાંભળી સહુને મોટું કૌતુક થયું. પથરા મારવાની શિક્ષા મહાદેવના પૂજારી બનવું !!! રામચંદ્રજીએ પૂછ્યું – “આવો દંડ આપવાનું શું પ્રયોજન? કૂતરો બોલ્યો – “મહારાજ! સાત ભવ પૂર્વે હું એક મહાદેવના મંદિરનો ગોઠી હતો. હું જાણતો હતો કે – દેવની કોઈ વસ્તુ કે દ્રવ્ય ખવાય તો મહાઅનર્થ થાય માટે હું પૂજા આદિ પતાવી સારી રીતે હાથ ધોયા પછી જ જમવા બેસતો. પણ એકવાર બન્યું એવું કે શિશિર ઋતુમાં શિવપર્વના દિવસે લિંગપૂરણ ઉત્સવ આવ્યો. એટલે મહાદેવના લિંગને ઘી-દૂધ ને દહીંથી પૂરવામાં આવ્યું. પ્રક્ષાલન કરતી વેળા તે જામી ગયેલું ઘી મારા થોડા વધી ગયેલા નખમાં ભરાઈ ગયું. તેનું મને ધ્યાન રહ્યું નહીં.
હાથ ધોઈ લૂંછી હું જમવા બેઠો ને ગરમ ગરમ રસોઈમાં ઓગળી જઈને તે ઘી ભળી ગયું. આમ ઘણી સાવધાની છતાં દેવનું દ્રવ્ય મારાથી ખવાઈ ગયું. આ દેવદ્રવ્ય ભક્ષણના મહાપાપને લીધે બરાબર સાત ભવથી મને કૂતરાનો અવતાર મળ્યા કરે છે. આ વખતે તમારા દર્શનથી મને જ્ઞાન થયું છે ને તમારા પ્રભાવે હું મનુષ્યભાષા બોલું છું.” આ સાંભળી બ્રાહ્મણ કરગરવા લાગ્યો ને પૂજારી સિવાય કોઈ બીજી શિક્ષા આપવા કહેવા લાગ્યો. અંતે શ્વાનને તેણે મનાવી લઈ ક્ષમા મેળવી. ઈત્યાદિ...
આ પ્રમાણે અજાણ્યે ખાધેલ દેવદ્રવ્યથી પણ આવા પરિણામ નિપજી શકે છે. માટે વિવેકી જીવે શક્તિ ઉપયોગમાં લઈ દેવદ્રવ્યનું મક્કમપણે રક્ષણ કરવું. કષ્ટ સહન કરી લેવું પણ નીતિમત્તા છોડવી નહીં. મહારાજા યશોવર્માએ દઢતાથી નીતિનું પાલન કર્યું હતું. તેની કથા આમ છે.
યશોવર્મા રાજાની કથા કલ્યાણકટક નામનું સોહામણું ગામ ત્યાંના રાજાનું યશોવર્મા નામ. તે ન્યાયનો જબ્બર પક્ષપાતી. તેના રાજ્યમાં સહુ કોઈને સહેલાઈથી ન્યાય મળી શકે તે માટે તેણે રાજમહેલના પ્રાંગણમાં મોટો ઘંટ બંધાવ્યો. જેને સહુ “ન્યાયઘંટા' કહેતા, એકવાર રાજ્યની અધિષ્ઠાતા દેવીને રાજાના ન્યાયનું પારખું કરવાનું મન થયું. તેણે દેવમાયા કરી રાજાનો કુમાર વેગથી રથ દોડાવતો રાજમાર્ગથી જતો હતો ત્યાં માર્ગમાં તરતના જન્મેલા વાછરડા સહિત ગાય બનીને બેઠી. વેગથી આવતા રથના પૈડામાં તરતનું જન્મેલું વાછરડું ચગદાઈ તરત મરણ પામ્યું. આ જોઈ ગાયે રાડારાડ કરી મૂકી ને ઊના ઊના આંસુ પાડવા લાગી. લોકોની ઠઠ તો જામી. કોઈએ ગાયને કહ્યું – “જા