________________
૧૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ મમ્મણે કહ્યું : સ્વામી ! આ શિંગડા માટે મારા પુત્રો વહાણવટું કરે છે. અમે કોઈ જરાય ખોટો ખર્ચ કરતા નથી. સમય જરાય કોઈ વેડફતા નથી. રાંધવા-ખાવામાં એક જ વસ્તુ “ચોળા” એક જ તપેલામાં તૈયાર, ઉપર થોડું તેલ નાંખવાનું ! એવા સ્વાદિષ્ટ લાગે કે ન પૂછો વાત. હું કોઈ ધંધો કરું તો મૂડી રોકાય, ખોટું સાહસ કરવું પડે. હાનિ પણ થાય. માટે રાતના તણાતા લાકડા ભેગા કરી વેચું છું. કોઈ વાર આમાં ઓચિંતો લાભ પણ થઈ જાય. આમાં મને મળી રહે છે. એટલે શિંગડું તૈયાર થઈ જશે. ઘણા વખતથી એક જ ઈચ્છા છે કે આ બળદનું સુંદર જોડલું શીધ્ર તૈયાર થઈ જાય.”
મમ્મણની અસીમ કંજુસાઈ જોઈ રાજા-રાણી એકબીજાની સામે આંખો ફાડી જોવા લાગ્યા. તેઓ મોઢામાં આંગળા નાંખી ગયા. અરે ! આવી કુપણતા ! રાજા-રાણી અકથ્ય આશ્ચર્ય પામી ઘરે પાછા આવ્યા. મમ્મણ બિચારો કાળી મજૂરી કરતો રહ્યો. છેવટે તેનું જીવન પૂરું થઈ ગયું પણ ઇચ્છા પૂરી ન થઈ. મરીને તે ઘોર પરિગ્રહની કાંક્ષાથી નરકમાં ગયો.
આ પ્રમાણે કેટલાય મહાપાપી આત્માઓ અસીમ પરિગ્રહની ઇચ્છાથી ઘોર નરકમાં જાય છે. માટે આત્માની સુરક્ષા કાજે પરિગ્રહનું પરિમાણ કરવું અનિવાર્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સગરચક્રવર્તિના હજારો પુત્રો છતાં પુત્રોથી સંતોષ ન થયો. કુચિકર્ણશેઠને ગાયોના ધણથી તૃપ્તિ ન થઈ, તિલક શ્રેષ્ઠિને ધાન્યની વખારોથી પણ ધરપત થઈ નહીં. અને નંદરાજાનું મન સોનાના ઢગલાથી પણ ધરાણું નહીં. સગરરાજાની કથા આગળ કહેવાથી બાકી ત્રણેના ઉદાહરણ ટુંકમાં આ પ્રમાણે છે.
કુચિકર્ણશેઠની કથા મગધદેશમાં કુચિકર્ણ નામે શેઠ હતા. તેમને ત્યાં લાખો ગાયો હતી. અનેક ગોવાળો તેની વ્યવસ્થા માટે રોકેલા હતા. શેઠને દૂધ-મલાઈ, દહીં ઘણાં વહાલા હતા. પ્રતિદિન નવી નવી ગાયના ગોરસ તે ખાતા-પીતાં. એકવાર વધારે પ્રમાણમાં મલાઈનો પદાર્થ ખાવામાં આવ્યો ને શેઠની વ્યાકુળતા વધી ગઈ. કોઈ ઉપાયે સ્વસ્થતા ન સાંપડી ને ગાયોના ધ્યાનમાં જ મરીને તેઓ તિર્યંચગતિમાં ભટકતા રહ્યા.
તિલકશ્રેષ્ઠિની કથા અચલપુર ગામે તિલકશ્રેષ્ઠિ વસતા હતા. ધાન્યસંગ્રહનો તેમનો સ્વભાવ હતો. તેમાં પડ્યો દુષ્કાળ. તેમાં અચિંત્ય લાભ ધાન્યમાં થયો. લોભ ને લાલચના પરિણામ સારાં આવતાં નથી. શેઠને તો જબરો લોભ લાગ્યો. તેઓ જ્યારે ત્યારે દુષ્કાળના વિચાર કરે, નિમિત્તના જાણકારોને પૂછ્યા કરે કે “હવે મોટો દુકાળ ક્યારે પડશે? “એમ કરતાં દુષ્કાળ પડવાની વાત એક નૈમિત્તિક પાસેથી જાણી શેઠે ગામેગામથી ધાન્ય ખરીદી મોટા કોઠારમાં ધાન્યનો સંઘરો કર્યો. લોકો ભૂખે ટળવળે ને ક્યાંય મોં માંગ્યા દામે પણ ધાન્ય ન મળે ને લોકો મારી પાસે આવે-આવશે જ, જશે ક્યાં? ને હું ન્યાલ થઈ જઈશ.'