________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૧૭૧
અર્થાત્ દિવસ આખાનું પાપ પ્રતિક્રમણથી નાશ પામે છે. આ પ્રતિક્રમણ મહણસિંહ શ્રાવકની જેમ સત્ત્વપૂર્વક કરવું.
પૌષધ ચારે પર્વણી (આઠમ, ચઉદસ, પુનમ ને અમાસ)માં ચારે (આહાર, શરીરસત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર પૌષધ) પ્રકારે કરવો. કેસ૨, બરાસ આદિથી અર્ચન-પૂજન કરવું, પંચામૃત-જળાદિથી સ્નાત્ર અને કુંકુમાદિથી વિલેપન કરવું. આ ત્રણ પ્રકારમાં સંપૂર્ણ પૂજાનો સંગ્રહ જાણવો. બ્રહ્મચર્ય નિષ્ઠાપૂર્વક સુદર્શન શેઠની જેમ પાળવું. તે સંબંધમાં ત્યાં સુધી કહ્યું છે કે - પરનારીના અવયવનું ઘરેણું પણ જોવું નહીં. ત્યાં દૃષ્ટાંત ટાંકતા જણાવ્યું છે કે :
સીતાજીને રાવણ હરી ગયા પછી શ્રી રામ અને લક્ષ્મણ તેમને વનમાં શોધવા નીકળ્યા. આગળ જતાં તેમનો ભેટો વાનરવંશીય સુગ્રીવ હનુમાનાદિથી થયો. સીતાજીએ માર્ગમાં નાંખેલા પોતાના કુંડલાદિ અલંકાર આ લોકોને મળ્યા હતા તે બતાવતા તેમણે શ્રી રામને પૂછ્યું - ‘આ અલંકાર જો સીતાદેવીના હોય, તો તેમને કઈ દિશામાં લઈ જવામાં આવ્યા છે ? એનું અનુમાન થઈ શકે ! શ્રી રામચંદ્રજીને ખ્યાલ ન હોઈ તેમણે લક્ષ્મણને બતાવ્યા. લક્ષ્મણજી તેમાંથી પગના છડા (નુપૂર) જોઈ બોલ્યા :
कुण्डलैर्नाभिजानामि नाभिजानामि कङ्कणैः ।
नुपूरैस्त्वभिजानामि नित्यं पादाब्जवन्दनात् ॥१॥
અર્થ :- કુંડલથી કે કંકણથી ભાભીને હું નહિ ઓળખી શકું. એટલે આ કુંડલકંકણ ભાભીના છે કે નહિ તે હું નહિ કહી શકું. પણ નુપૂરને હું સારી રીતે જાણું છું. કેમકે તેમને હું રોજ પગે લાગવા જતો ત્યારે પગમાં જોતો હતો. અર્થાત્ બીજા અવયવો કે તે પર રહેલા આભૂષણ ઉપર પણ લક્ષ્મણજીએ કદી નજર ઠેરવી નહોતી.
આ ઉદાહરણથી પરસ્ત્રીના અંગોપાંગ કે તેના ઉપર પહેરેલ વસ્ત્ર અલંકાર જોવાનું પણ અવશ્ય ટાળવું જોઈએ.
દાન પાંચ પ્રકારના પ્રસિદ્ધ છે. અષ્ટ પ્રકારના દુષ્ટ કર્મનો સમૂળગો નાશ કરનાર તપ છે. ઇત્યાદિ અનેક ચાતુર્માસિક-કૃત્યો છે, તેમાં તત્પર રહેનાર સૂર્યયશા આદિના અનેક ઉદાહરણો જાણી આરાધનામાં બળ અને વેગ મળે તેવો ઉદ્યમ કરવો.
આ આષાઢી ચતુર્દશી સંબંધી કૃત્યો નિર્વાણના સાધનોને સુલભ કરનારા છે, તેથી શુભ ચેતનવાળા ઉપાસકોએ અવશ્ય આદરવા યોગ્ય છે.