________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૧૬૯
જંગલમાં ગયો. સસલા, હરણીયા આદિ પશુઓ ઉપર તેણે કૂતરા ઉશ્કેરવાપૂર્વક છોડ્યા. પણ બધા જ કૂતરા ઉભા ઉભા જોતા રહ્યા. વારે વારે સંકેત અને ઉશ્કેરણી કરવા છતાં જાણે પુતળા હોય તેમ સ્થિર રહ્યા. આશ્ચર્ય પામેલો યુવરાજ ઘણા પ્રયત્ને પણ આ ફેરફાર ન સમજી શક્યો.
ઘેર આવ્યા બાદ તેણે કારભારી આદિને કારણ પૂછ્યું, તેમણે ઉત્તર આપતાં કહ્યું-‘અમને વધારે તો કાંઈ ખબર નથી પણ તમે બહાર ગયા હતા ત્યારે કેટલાક સાધુ મુનિરાજો અહીં આવ્યા હતા. તેમનો ઉતારો કૂતરાની શાળામાં હતો ત્યારથી કૂતરામાં ફેરફાર મને જણાવા લાગ્યા હતા.’ આ સાંભળી કુમારે કૌતૂકથી કૂતરાઓને પૂછ્યું-‘તમને ઉપદેશ લાગ્યો, શું આ વાત સાચી છે ?’ ત્યાં તો સહુના મહાશ્ચર્ય વચ્ચે કૂતરાઓએ માથું ધુણાવી હા પાડી.
આ દૃશ્ય જોઈ સંગ્રામશૂર ઊંડા વિચારમાં પડી ગયો. પોતાની જાતને ધિક્કારતો બોલ્યો‘હું આ કૂતરાઓ કરતાં પણ હીન છું. તેમના જેટલી સમજણ કે વિવેક મારામાં નથી. મા-બાપકુટુંબની શિખામણ મેં ના માની. કૂતરાઓને બોધ આપનાર એ આંતર વૈભવના સ્વામીનો ઉપદેશ મારે પણ સાંભળવો જોઈએ.’
એમ વિચાર કરી તે પાસેના નગરમાં ઉપદેશ સાંભળવા પહોંચ્યો. ગુરુ મહારાજ ઉપદેશમાં દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા હતા; જે રાગ-દ્વેષના વિજેતા અને અઢાર દોષ (માત્ર)થી રહિત તે સાચા દેવ છે. પંચાચારમાં ઓતપ્રોત, માટીના ઢેફા અને સુવર્ણમાં સમાનતા રાખનાર ત્યાગી સાધુઓ જ સાચા ગુરુ છે અને દયામય ધર્મ તે જ કલ્યાણકારી ધર્મ છે. આ ત્રણે ઉત્તમ રત્નોનું જીવે નિરંતર સેવન કરવું જોઈએ.’ ઇત્યાદિ હૃદયંગમ ઉપદેશ સાંભળી સંગ્રામશૂર બોધ પામ્યો ને તે ક્રમે કરી બાર વ્રતધારી શ્રાવક થયો. આ જાણી રાજાએ તેને નગરમાં તેડાવ્યો અને યુવરાજપદ આપ્યું. પરમાત્મા તીર્થંકર દેવનો ધર્મ આત્માની આપદાને ઉખાડી નાખે છે. સંગ્રામશૂર બધા વ્યસનોથી મુક્ત બની સદાચરણ યુક્ત સન્માર્ગનો પથિક બની રહ્યો.
એક દિવસ મતિસાગર નામનો તેનો મિત્ર પરદેશથી પાછો ફરી તરત યુવરાજને મળવા આવ્યો. કુમારે સત્કા૨ી કુશળ ક્ષેમ પૂછ્યા. બાળપણના મિત્રો વાતે વળગ્યા. તેમાં મતિસાગરે પોતે જોયેલા ને નહીં વિસરાતાં આશ્ચર્યની વાત કુમારને કહી.
સમુદ્રના કલ્લોલ પર ૨મતું અમારું વહાણ મધદરિયે પહોંચ્યું. ત્યાં અમે મોટા કલ્પવૃક્ષની ઊંચી ડાળ પર બાંધેલા હીંડોળા ઉપર બેઠેલી એક અદ્ભૂત નારીને જોઈ. મેં ઘણી રમણી જોઈ પણ આ તરૂણી સાવ અનોખી હતી. તેનું ગીત અને વાઘ પણ નિરાળા ને મોહક હતા. તેનાથી ખેંચાયેલો હું વહાણને તે તરફ વાળી આગળ વધ્યો. ત્યાં બધું અદૃશ્ય થઈ ગયું. મારા વિસ્મયનો કોઇ પાર ન રહ્યો. અમે ઘણી વાર ત્યાં રોકાયા ને તપાસ પણ કરી પરંતુ પછી કાંઇ જોવા-જાણવા ન મળ્યું. આ આશ્ચર્ય મને ઘણીવાર વિચિત્ર વિમાસણમાં મૂકી દે છે કે ‘એ હતું શું ?’