________________
મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં બને. મોક્ષમાં અસાધ્યત્વ દોષ જ આવતો હોવાથી તેરમા શ્લોકથી કેટલાક બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાયું છે. તેમની માન્યતા મુજબ ઉત્તરક્ષણમાં ચિત્તની ઉત્પત્તિના અભાવથી સબત એવી પૂર્વચિત્તની નિવૃત્તિને મોક્ષ કહેવાય છે. પરંતુ એ માટે કોઈ પ્રયત્ન ન કરે તેથી તેમાં અસાધ્યત્વનો પ્રસંગ આવશે.
- શરીરને જ આત્મા માનનારા ચાર્વાકોનું વચન સાંભળવું એ પણ પાપ છે. આત્માના નાશને તેઓ મુક્તિ માને છે. પરંતુ આત્માના નાશ માટે કોઈ પણ મુમુક્ષુ પ્રયત્ન કરતા ન હોવાથી તાદશ આત્મહાનિને મોક્ષસ્વરૂપ માનવાનું પણ ઉચિત નથી... ઇત્યાદિનું વર્ણન ચૌદમા શ્લોકમાં કર્યું છે.
નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારા તૌતાતિતોની વાતમાં જેટલા અંશમાં તથ્ય છે તે જણાવીને તેના વિતથ અંશને પંદરમા શ્લોકમાં જણાવ્યો છે. સત્તરમા શ્લોકથી અવિદ્યાની નિવૃત્તિથી કેવલ આત્માવસ્થા સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ માનનારા વેદાંતીઓની માન્યતાનું નિરાકરણ કર્યું છે. આ રીતે આ બત્રીશીના પૂર્વાદ્ધથી અન્ય મતોનું નિરાકરણ કરાયું છે.
સત્તરમા શ્લોકથી સકલકર્મક્ષયસ્વરૂપ મોક્ષનું વર્ણન સ્વદર્શનને આશ્રયીને શરૂ થાય છે. સાત નયને આશ્રયીને મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યા પછી વ્યવહારનયાભિમત પ્રયત્નસાધ્ય કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં કોઈ પણ પ્રવૃત્તિ નહિ કરે. કારણ કે દુઃખના નાશ માટે જ લોકોની પ્રવૃત્તિ હોય છે... ઇત્યાદિ શંકા અને તેનું સમાધાન વિસ્તારથી કર્યું છે.
દુઃખના નાશની જેમ જ મોક્ષમાં સુખનો નાશ થાય છે – એવી નૈયાયિકની માન્યતાનું પણ નિરાકરણ છેલ્લે કરાયું છે. ત્યાર બાદ મોક્ષમાં અવ્યાબાધ સુખની સિદ્ધિ કરીને પ્રકરણનું સમાપન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ પૂજય મહાપુરુષોની દયાથી થયેલા પરમાનંદના અનુભવને વ્યક્ત કર્યો છે. પરમતોનું નિરાકરણ કરતી વખતે પણ હૈયાની કોમળતા અક્ષત હોવાથી પરમાનંદસ્વરૂપ મોક્ષની વિચારણાથી પોતાને પરમાનંદ થયાનું તેઓશ્રીએ જણાવ્યું છે.
અંતે આ બત્રીશીના પરિશીલનથી પરમાનંદની મીમાંસા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ મલાડ-રત્નપુરી, વિ.સં. ૨૦૬૧, અ.વ.૭, બુધવાર
૨૨૦
મુક્તિ બત્રીશી