________________
અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પૂ. સાધુમહાત્માઓ કુતૂહલથી રહિત હોવાથી રત્નત્રયીના કારણ વિના કાચબાની જેમ શરીરનાં અંગોપાંગને સંકોચીને રહેતા હોવાથી હાથ અને પગથી સંયત હોય છે. રત્નત્રયીનું પ્રયોજન હોય તો સમિતિના ઉપયોગપૂર્વક જાય છે. અન્યથા તો ઉપર જણાવ્યા મુજબ કાચબાની જેમ, હાથ-પગ સંકોચીને સંયમમાં લીન રહે છે. અકુશલ વચનોના પ્રયોગથી નિવૃત્ત બની અને કુશલ વચન-યોગની ઉદીરણા કરી તેઓશ્રી વાણીના સંયમમાં લીન રહે છે. તેથી જ પાંચે ય ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિથી નિવૃત્ત બની ઇન્દ્રિયોને જીતનારા છે. આ રીતે મન વચન અને કાયાના સંયમમાં લીન બનેલા પૂ. સાધુ ભગવંતો અધ્યાત્મના ધ્યાનમાં નિરત રહીને સૂત્ર અને અર્થનું નિરંતર ચિંતન કરે છે, તે મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૧૧|| આહારાદિ વાપરવાની અનિવાર્ય પ્રવૃત્તિના વિષયમાં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે
अज्ञातोञ्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् ।
ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥२७-१२॥ अज्ञातोञ्छमिति-शुद्धं भावपरिशुद्धं स्तोकमित्यर्थः । अलोलो नाप्राप्तप्रार्थनपरः । अरसगृद्धिमान् प्राप्तेष्वप्यप्रतिबद्धः । ऋद्धिरामर्षोषध्यादिका, सत्कारो वस्त्रादिना, पूजा प्रसूनादिना, जीवितमसंयमजीवितम् ર૭-૧૨||
“લોલુપતાથી રહિત, રસગૃદ્ધિથી રહિત, શુદ્ધ એવી અજ્ઞાતભિક્ષાને ગ્રહણ કરનારા, ઋદ્ધિ સત્કાર તથા પૂજાને તેમ જ જીવિતને જેઓ ઈચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો શુદ્ધ એટલે કે ભાવથી પરિશુદ્ધ આહારને ગ્રહણ કરતા હોય છે. માત્ર શરીરના નિર્વાહ માટે થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. સ્વાદાદિ માટે તેઓ આહારને લેતા નથી. પોતાના અને ભિક્ષા આપનારના ભાવ અશુદ્ધ ન બને એ રીતે થોડું થોડું અજ્ઞાતપણે આહારાદિનું ગ્રહણ કરનારા એ મહાત્માઓ લોલુપતાથી રહિત હોય છે. અર્થાતુ જે પણ આહાર મળ્યો ન હોય તો તે મળે એ માટે તેઓ યાચના કરતા નથી. તેમ જ રસગૃદ્ધિથી રહિત હોવાથી જે પણ આહાર પ્રાપ્ત થયો છે તેમાં તેઓ રાગ કરતા નથી.
આવા પ્રકારનું નિર્મળ ચારિત્ર પાળ્યા પછી તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી આમર્ષ ઔષધિ લબ્ધિ વગેરે સ્વરૂપ ઋદ્ધિ, વસ્ત્રાપાત્રાદિથી કરાતો સત્કાર અને પુષ્પાદિથી કરાતી પૂજાની ઇચ્છા પણ કરતા નથી. તેમ જ પરીષહાદિના નિવારણ માટે હિંસાદિ સ્વરૂપ અસંયમથી જીવવાનું તેઓ ઇચ્છતા નથી. સુખની પ્રાપ્તિ માટે કે દુઃખના નિવારણ માટે હિંસાદિ પાપવાળું જીવન જીવવાની જેઓ ઇચ્છા કરતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ૨૭-૧૨ા. ૧૦૮
ભિક્ષુ બત્રીશી