________________
તેમ જ શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનથી કાયમ ઉચિતયોગમાં પ્રવૃત્તિને કરનારા ભાવભિક્ષુ છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે કાળે જે જે કરવાનું ફરમાવ્યું છે, તે તે કાળમાં તે તે કરવામાં જેઓ નિત્ય ઉપયોગવાળા છે તે ધ્રુવયોગી ભાવભિક્ષુ છે. જેઓ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયનું વમન કરે છે, તે ભાવભિક્ષુ છે. ગમે તેવી સારી વસ્તુનો લોભ ન રાખે, તે મેળવવા માટે માયા ન સેવે, તેની પ્રાપ્તિથી માન ન કરે અને તે ન મળે તો ક્રોધ ન કરે : આ રીતે ચાર કષાયનું વમન કરનારા ભિક્ષુ છે. વમનમાં અને ત્યાગમાં થોડો ફરક છે. ત્યજેલી વસ્તુ કોઈ વાર આપણે લઈ પણ લેતા હોઈએ છીએ. પરંતુ વમેલું તો કોઈ પણ સંયોગોમાં પાછું લેતા નથી અને ઇચ્છતા પણ નથી. એ પ્રમાણે અહીં કષાયોનો ત્યાગ વમનસ્વરૂપ છે – એ સમજી શકાય છે. l/૨૭-all કષાયોનું વમન કર્યા પછી પ્રાપ્ત થયેલા લક્ષણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપવર્ણવાય છે–
निर्जातरूपरजतो, गृहियोगं च वर्जयेत् ।
सम्यग्दृष्टिः सदाऽमूढस्तथा संयमबुद्धिषु ॥२७-४॥ निर्जातरूपेति-निर्जातरूपरजतो निर्गतसुवर्णरूप्यः । परिग्रहान्तरनिर्गमोपलक्षणमेतत् । गृहियोगं मूर्छया गृहस्थसम्बन्धं । सम्यग्दृष्टिर्भावसम्यग्दर्शनी यः ।।२७-४।।
“જેઓ સોનું અને રૂપું વગેરે બાહ્યપરિગ્રહ તથા મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહથી રહિત છે, મૂચ્છથી ગૃહસ્થનો સંબંધ રાખતા નથી, તેમ જ સંયમની બુદ્ધિને વિશે મૂઢતાથી રહિત છે એવા સમ્યગ્દષ્ટિ; ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્યથી કષાયનો હ્રાસ થયા પછી આ સંસારમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ રહેતું નથી. તેથી સુવર્ણાદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને તેમ જ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લોભ : આ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને પૂ. સાધુભગવંતો રાખતા નથી. ગૃહસ્થોની પ્રત્યે પણ મમત્વ ન હોવાથી તેમની સાથે મૂચ્છથી સંબંધ(પરિચય) રાખતા નથી.
સમ્યગ્દષ્ટિ આત્માઓ તો ચોથા ગુણસ્થાનકે પણ હોય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિનું વર્જન કરવા અહીં “સમ્યગ્દષ્ટિ' પદથી ભાવસમ્યગ્દષ્ટિની વિવક્ષા કરી છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે નિશ્ચયનું સમ્યગ્દર્શન હોય છે. આથી જ ભાવસમ્યગ્દર્શની પૂ. સાધુ મહાત્માઓ સંયમ-વિષયક બુદ્ધિને વિશે મૂઢ નથી હોતા. માર્ગના નિર્ણયમાં ખૂબ જ સ્પષ્ટ હોય છે. બંન્ને પ્રકારના પરિગ્રહથી રહિત, ગૃહસ્થના પરિચયથી રહિત અને સંયમના વિષયમાં મૂઢતાથી રહિત એવા ભાવસમ્યગ્દષ્ટિ મહાત્માઓ ભાવભિક્ષુ છે. શ્લોકમાં પ્રથમ પદથી બાહ્યપરિગ્રહથી રહિત અવસ્થા જણાવી છે. | ઉપલક્ષણથી આંતર પરિગ્રહથી રહિત અવસ્થા પણ સમજી લેવાની છે. ૨૭-૪
એક પરિશીલન
૧૦૩