________________
“અભિધ્વંગ(અભિનિવેશ) સ્વરૂપ આસંગદોષ છે. તે વિદ્યમાન હોતે છતે અસંગક્રિયા જ થતી નથી. તેથી આ આસંગ નામનો દોષ વિવક્ષિત-અધિકૃતજ જે ગુણસ્થાનક હોય તે તે ગુણસ્થાનકને તે તે આત્માનું અધિકૃત ગુણસ્થાનક કહેવાય છે.) ગુણસ્થાનકે જ સ્થિતિને કરાવે છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે અભિવૃંગને આસંગદોષ કહેવાય છે. “આ અનુષ્ઠાન જ સારું છે' આવા પ્રકારના નિયત અભિનિવેશને અભિવૃંગ કહેવાય છે. શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલાં પરમતારક બધાં જ અનુષ્ઠાનો મોક્ષ સાધક છે. એમાંથી આપણને જે અનુકૂળ પડે તે અનુષ્ઠાન જ સારું છે – એવું લાગે તે એક જાતનો અભિનિવેશ છે. એથી બીજાં અનુષ્ઠાનો પ્રત્યે અરુચિ અને અનાદરભાવ વ્યક્ત થાય છે. અનુષ્ઠાન સારું લાગે એ દોષ નથી, પરંતુ વિવક્ષિત એક જ અનુષ્ઠાન સુંદર લાગે તે દોષ છે. એ દોષને લઇને અસંગક્રિયા જ થતી નથી. અભિવૃંગથી રહિત અનવરત(નિરંતર-સતત)પણે થતી ક્રિયા(પ્રવૃત્તિ)ને અસંગક્રિયા કહેવાય છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ ભેદથી અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. અસંગ-અનુષ્ઠાન-(ક્રિયા)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આસંગ-દોષના કારણે અસંગક્રિયા જ અવરોધાય છે. તેથી યોગના ફળને પામવાનું શક્ય ન જ બને તે સમજી શકાય છે.
આવી સ્થિતિમાં આસંગદોષને સેવનાર જે ગુણસ્થાનકે હોય તે ગુણસ્થાનકે જ રહી શકે છે. પરંતુ તેની પછીના ગુણસ્થાનકને તે પ્રાપ્ત કરી શકતો નથી. “જે છે તે જ સારું છે એવું લાગે તો તેના કરતાં સારું ન જ મળે : એ સ્પષ્ટ છે. તેથી મોહનીયકર્મની મંદતા કે ક્ષયોપશમાદિની અવસ્થા જ સુંદર જણાય તો મોહનું સર્વથા ઉમૂલન કરી કેવલજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ગુણસ્થાનક સમર્થ બનતું નથી. તેથી તાત્ત્વિક રીતે આસંગદોષથી અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે માત્ર તે તે ગુણસ્થાનકે સ્થિતિ બની રહે એ માટે અનુષ્ઠાન કરવાનું ઇષ્ટ નથી. પરંતુ ઉત્તરોત્તર ગુણસ્થાનકની પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાન પામવાના આશયથી અનુષ્ઠાન પ્રારબ્ધ હતું, પણ એ આશય આસંગદોષના કારણે પૂર્ણપણે સફળ બનતો નથી. આથી સમજી શકાશે કે આસંગદોષથી સહિત થતું અનુષ્ઠાન તત્ત્વની રીતે જોઈએ તો ફળથી શૂન્ય છે.
આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે- “આસંગદોષ હોતે છતે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે એવું દોષયુક્ત કરાતું અનુષ્ઠાન શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન સંગ વિના નિરંતર કરવા યોગ્ય છે. તેથી આસંગયુક્ત આ અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન અસંગસ્વરૂપ પરમકોટિનું હોય તો ઈષ્ટ ફળને સારી રીતે આપનારું છે.” ||૧૮-૧૮
“અન્યમુદ્ દોષનું વર્ણન કરાય છે
૮૮
યોગભેદ બત્રીશી