________________
हि यतो धनार्थं क्लेशोऽपीष्टो धनार्थिनां राजसेवादी प्रवृत्तिदर्शनात् । क्लेशार्थं जातु कदाचिद् धनं नेष्टं, न हि “धनान्मे क्लेशो भवतु” इति कोऽपीच्छति प्रेक्षावान् । तदिदमुक्तं-“धर्मार्थं लोकपङ्क्तिः स्यात् कल्याणाङ्ग महामतेः । तदर्थं तु पुनर्धर्मः पापायाल्पधियामलम् ।।१।।” तथा “(युक्तं) जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलं । ध(सद्ध)र्मप्रशंसनादेर्बीजाधानादिभावेनेति ॥१०-८।।
તે લોકપંક્તિ ધર્મની પ્રાપ્તિ માટે શુભ અનુબંધકારિણી પણ બને પરંતુ લોકપંક્તિના અર્થીને ધર્મ શુભ અનુબંધ માટે થતો નથી. કારણ કે ધન માટે ક્લેશ પણ ઇષ્ટ હોવા છતાં ક્લેશ માટે ધન ઈષ્ટ ક્યારે પણ મનાતું નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે લોકો દાન આપે છે, અતિથિઓનું સન્માન કરે છે અને અવસરોચિત સંભાષણ (વાર્તાલાપ) કરે છે... ઇત્યાદિ ઉપાયોનું અનુસરણ કરવાથી અનુસરણ કરનારને કુશલ અનુબંધની પ્રાપ્તિ થાય છે અને તેના યોગે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષના બીજ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે લોકપંક્તિ ધર્મનું નિમિત્ત બને છે અને તેનાથી કુશલ અનુબંધ પડે છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે લોકપંક્તિનો આદર શુભ માટે થાય છે.
આનાથી તદ્દન વિપરીત એ છે કે ધર્મ લોકપંક્તિ માટે શુભ બનતો નથી. લોકમાં માનસન્માન મળે, લોકમાં સારા દેખાઇએ, આ લોકના સુખાદિ મળે... ઇત્યાદિ આશયથી જે ધર્મ કરાય છે તે ધર્મ લોકસંજ્ઞા માટે છે. આવો ધર્મ સારો નથી. આવા ધર્મથી કુશલ અનુબંધ પડતો નથી. આ વાતનું સમર્થન કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે. સર્વ જનપ્રસિદ્ધ છે. ધન માટે લોકો રાજાની સેવા(નોકરી) વગેરે અનેક કષ્ટો સહન કરતા હોવાથી ધન માટે કષ્ટ ઈષ્ટ મનાય છે. પરંતુ ક્યારે પણ ક્લેશ માટે ધન ઈષ્ટ મનાતું નથી. કારણ કે ધનથી મને કષ્ટ થાય - આવી ભાવના કોઈ પણ બુદ્ધિમાન રાખતો નથી.
યોગબિંદુ ગ્રંથમાં (શ્લોક નં. ૯૦) આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે- “દાન, સન્માન અને ઉચિત સંભાષણ વગેરે અનેક પ્રકારના ઉપાય વડે; સમ્યગ્દર્શનાદિ મોક્ષના બીજના આધાન માટે લોકપંક્તિ બુદ્ધિમાનોને કલ્યાણનું અંગ બને છે. પરંતુ તુચ્છબુદ્ધિવાળા જીવોને લોકપંક્તિના માટે કરાયેલો સદાચાર સ્વરૂપ ધર્મ અત્યંત પાપ માટે થાય છે.
તેમ જ ષોડશકપ્રકરણમાં (૪-૭) ફરમાવ્યું છે કે “શુદ્ધ ઉચિત એવું જનપ્રિયત્વ; તેનાથી ધર્મની પ્રશંસાદિના કારણે બીજાધાનાદિ (પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ વગેરે) થતું હોવાથી સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું થાય છે. કહેવાનો આશય એ છે કે “યુક્તજનપ્રિયત્ન એ ધર્મસિદ્ધિનું લિંગ છે. અર્થ અને કામની સિદ્ધિનું કારણ બનવાના કારણે આપણે જનપ્રિય બનીએ તો એવી જનપ્રિયતા, ધર્મસિદ્ધિનું લિંગ નથી. તેથી તે જનપ્રિયતા અયુક્ત છે. માત્ર ધર્મની સિદ્ધિના કારણે જનપ્રિયત્વ હોય તો તે ધર્મસિદ્ધિના લિંગ સ્વરૂપ હોવાથી યુક્ત મનાય છે. આથી જ આ જનપ્રિયત્ન શુદ્ધ હોય છે. એમાં રાગાદિ દોષોનો આવિર્ભાવ હોતો નથી.
८४
યોગલક્ષણ બત્રીશી