________________
ભવાભિનંદી જીવો માત્સર્યને ધારણ કરતા હોય છે. બીજાના કલ્યાણને જોઇને તેઓ જે દુઃખ ધારણ કરે છે; તેને માત્સર્ય કહેવાય છે. પોતાનું તો આજ સુધી કલ્યાણ થયું નથી અને બીજાના કલ્યાણને જોઇને તેઓ દુઃખી થાય છે. આવા સ્વભાવના કારણે તેમને કલ્યાણકારી માર્ગ પ્રાપ્ત ન થવાથી તેમની પાસે જે છે એમાં જ આનંદ માની તેઓ તે વસ્તુથી ચલાવી લે છે, જેથી તેમને ભવમાં જ આનંદ આવે છે.
આવા જીવોનું પાંચમું લક્ષણ ભય છે. આદાન, અપયશ, મરણ વગેરે સાત પ્રકારના ભય પ્રસિદ્ધ છે. ભવાભિનંદી જીવો સદાને માટે ભયભીત જ હોય છે. પોતાની ઇષ્ટ વસ્તુને કોઇ લઇ તો નહિ જાય ને ? કોઇ એનો નાશ તો નહિ કરે ને ?... ઇત્યાદિ અનેક જાતની આશંકાને લઇને તેઓ ભયાન્વિત જ રહેતા હોય છે. કોઇ પણ વ્યક્તિ પ્રત્યે તેમને વિશ્વાસ હોતો નથી. દરેકને શંકાની નજરે જોવાથી સતત ભયભીત થઇને જ તેમને જીવવું પડે છે. સમગ્ર જીવન સુખનાં સાધનોને સાચવવામાં અને દુઃખનાં સાધનોને આવતાં રોકવામાં પૂર્ણ કરનારા આવા જીવોને ક્યારે પણ નિર્ભય અવસ્થાનો અનુભવ થતો નથી.
આવી સ્થિતિમાં મોટા ભાગે પોતાની એવી સદોષ અવસ્થાની જાણ બીજાને થાય નહિ : એ માટે પોતાના પ્રગટ દોષોને છુપાવવા માયા કરવી પડે છે. આવા માયાવી(શઠ) જીવો ભવાભિનંદી છે. આવા જીવો શઠ(લુચ્ચા) હોય છે. પોતાનું ઇષ્ટ સાધવા માટે ગમે તે વ્યક્તિને ગમે તે સમજાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની જે વૃત્તિ છે તે એક જાતિની માયા-શઠતા છે. મોક્ષમાર્ગની સાધના(યોગની સાધના)માં પ્રવૃત્ત હોય તેવા જીવો માયાથી દૂર રહે છે. ભવાભિનંદી જીવો માયાથી પૂર્ણ હોય છે. દોષથી મુક્ત બનવાના બદલે દોષોને છુપાવવાનું કાર્ય ખૂબ જ ખરાબ છે, માયા કરાવે છે.
ભવાભિનંદી જીવોનું સાતમું લક્ષણ મૂર્ખતા છે. તેનાથી યુક્ત એવા અજ્ઞ જીવો ભવાભિનંદી છે. તેમની ક્ષુદ્રતા વગેરેના કારણે તેમને જ્ઞાન મળતું નથી. તેથી જ તો તેઓ અજ્ઞમૂર્ખ હોય છે. દુનિયાની કોઇ પણ વસ્તુમાં મૂર્ખને કોઇ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. તેવી જ રીતે અહીં પણ યોગના વિષયમાં તે અજ્ઞ જીવોને કોઇ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. સર્વ સિદ્ધિઓથી આત્માને સર્વથા દૂર કરવાનું કાર્ય અજ્ઞતા કરે છે.
તેથી સમજી શકાશે કે ભવાભિનંદી જીવો જે પણ થોડી-ઘણી ધર્મક્રિયાઓ લોકપંક્તિના આદરપૂર્વક કરે છે, તેનાથી તેમને કોઇ જ ફળ પ્રાપ્ત થતું ન હોવાથી તેઓ નિષ્ફળ એવી ધર્મક્રિયાઓમાં જ રક્ત હોય છે. આ જીવોને અભિનિવેશ ઘણો હોય છે. તેથી સમર્થ ગુરુભગવંતો પણ તેમને સમજાવી શકતા નથી. દરેક વસ્તુમાં અતત્ત્વનો જ અભિનિવેશ હોવાથી વંધ્ય(નિષ્ફળ) ક્રિયાઓમાં તેઓ સંગત હોય છે અને જે કરીએ છીએ તે બરાબર છે - આ અધ્યવસાયથી ક્રિયાને ફળપ્રદ કરી શકતા નથી.
એક પરિશીલન
૮૧