________________
“શૃંગારરસનાં વચનોથી ઉદ્દીપ્ત (જાજવલ્યમાન) એવા કામને જે કથાઓ ઉત્તેજિત કરે છે તેવી કથા; સિદ્ધિને ઇચ્છતા એવા પૂ. સાધુભગવંતે કહેવી નહિ.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે મોહનીયકર્મના પ્રબળ ઉદયથી વિષયસેવનની ઇચ્છા સ્વરૂપ કામ ઉદ્દીપ્ત હોય છે. અગ્નિ - જેવા કામના વિકારો જવાળાઓની જેમ પ્રગટપણે જણાય છે. શૃંગારરસનાં પોષક એવાં વચનોથી જે કથાઓ એ કામને પ્રજવલિત કરે છે, એવી કથા સિદ્ધિને ઇચ્છતા એવા પૂ. સાધુમહાત્માએ નહિ કરવી જોઈએ.
અનાદિ-અનંત આ સંસારમાં આપણને સિદ્ધિ મળી નથી; એનું કારણ વિષયની આસક્તિ છે. સિદ્ધિની પ્રતિબંધક એ આસક્તિનો કોઈ પણ રીતે સર્વથા નાશ ન થાય ત્યાં સુધી સિદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી. વિષયની આસક્તિ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિથી મોહનીયકર્મ ગાઢ રીતે બંધાય છે. કથા કહેનારા પૂ. શ્રમણભગવંત સ્વપરની સિદ્ધિને ઇચ્છતા હોવાથી સ્વપરસિદ્ધિનો બાધ કરનારી કથા તેઓશ્રીએ નહીં કહેવી જોઈએ. મુખ્યપણે શ્રોતાની વિષયની પરિણતિ મંદ પડે અને સર્વથા નષ્ટ થાય... ઇત્યાદિ આશયથી કથા કરવા માટે વક્તા પ્રયત્નશીલ બને છે. ત્યારે વક્તાએ એટલો તો ઉપયોગ રાખવો જોઈએ કે પોતે કહેલી કથાને સાંભળીને શ્રોતાને મોહનો ઉદય થાય નહિ. શ્રોતાના મોહના ઉદયને શમાવવો એ કથાની સિદ્ધિ છે. આવી સિદ્ધિને ઈચ્છતા એવા શ્રમણભગવંતે મોહનું ઉદ્દીપન કરનારા એવા શૃંગારરસનાં પોષક વચનોથી કથા નહિ કરવી જોઇએ - કારણ કે તેનાથી શ્રોતાને અકુશલ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. ૯-૨પા હવે વક્તાએ કેવી કથા કરવી જોઈએ તે જણાવાય છે
तपोनियमसारा तु, कथनीया विपश्चिता ।
संवेदं वाऽपि निर्वेद, यां श्रुत्वा मनुजो व्रजेत् ॥९-२६॥ “બુદ્ધિમાન વક્તાએ તપ અને નિયમ સારભૂત જેમાં છે; તેવી કથા કરવી જોઈએ, જે સાંભળીને મનુષ્ય સંવેદ અને નિર્વેદને પ્રાપ્ત કરે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. વિદ્વાન એવા વક્તાએ અનશનાદિ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ આવ્યંતર તપનું મુખ્યપણે વર્ણન જેમાં થાય તેવી કથા કરવી જોઇએ. કર્મની નિર્જરા માટે તપ પ્રધાનતમ સાધન છે. વર્તમાનમાં કર્મબંધ ન થાય તોપણ ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા થાય નહિ તો આત્માને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. બાર પ્રકારના તપથી આઠ કર્મની નિર્જરા થાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવોથી વિરામ પામવું; મનઃશુધ્યાદિ સ્વરૂપ શૌચ, સંતોષ વગેરે સ્વરૂપ નિયમ છે. કર્મબંધનો પ્રતિબંધ કરવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે... ઇત્યાદિ રીતે તપ અને નિયમની પ્રધાનતાએ વિદ્વાન મહાત્માએ કથા કરવી જોઇએ.
એક પરિશીલન
૬૯