________________
इति । तदिदमाह-“निष्क्रियोऽसौ ततो हन्ति हन्यते वा न जातुचित् । कञ्चित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते” ।।८-१५।।
ધર્મના સાધનભૂત અહિંસાદિની વિચારણાના વિષયમાં “આત્મા નિત્ય જ છે' આવું જે સાંખ્યાદિનું એકાંતદર્શન છે; તેમને ત્યાં કોઈ પણ રીતે આત્માનો વ્યય (ખંડન) થતો ન હોવાથી મુખ્યપણે હિંસા વગેરે કઈ રીતે સંગત થાય?” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આત્માને સર્વથા નિત્ય માનનારા સાંખ્યો અને નૈયાયિકો છે. કોઈ પણ રીતે તેની ઉત્પત્તિ કે તેનો નાશ થતો નથી, તે સ્થિર એક સ્વભાવવાળો છે. આવા પ્રકારના તેમના એકાંતદર્શનમાં કોઈ પણ રીતે હિંસા વગેરેનો સંભવ નથી. કારણ કે તે કૂટસ્થ - સ્થિર એક સ્વભાવવાળો હોવાથી ખંડિત થયેલા શરીરવયવની સાથે એક પરિણામ માનીએ તોપણ આત્માનો વ્યય શક્ય નથી. અન્યથા આત્માના એ સ્વભાવની હાનિ થશે.
યદ્યપિ સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારભૂત બુદ્ધિના દુઃખનું પ્રતિબિંબ પુરુષ-આત્મામાં પડવા સ્વરૂપ જે દુઃખની ઉત્પત્તિ છે તસ્વરૂપ હિંસા સંગત છે. તેમ જ નૈયાયિકોના મતમાં આત્માથી સર્વથા ભિન્ન એવો તેનો દુઃખસ્વરૂપ ગુણ; સમવાયસંબંધથી આત્મામાં રહેવાથી તસ્વરૂપ હિંસા સંગત છે. પરંતુ પ્રતિબિંબ કાલ્પનિક હોવાથી અને સમવાય પણ કાલ્પનિક હોવાથી તેને લઈને હિંસા વગેરે સંગત નથી; ઔપચારિક છે, મુખ્ય નથી. જ્યાં પુષ્પાદિના સંનિધાનથી સ્ફટિકમાં જે લાલ રૂપ વર્તાય છે, તેની જેમ બુદ્ધિમાં રહેલા દુઃખનું જે પ્રતિબિંબ પુરુષઆત્મામાં પડે છે તે કાલ્પનિક છે, વાસ્તવિક નથી. તેમ જ આત્માથી સર્વથા ભિન્ન એવું દુઃખ સમવાયસંબંધથી રહે તોપણ તે વાસ્તવિક - (તેના ગુણસ્વરૂપ) બની શકે નહિ, તે ઔપચારિક જ બની રહે છે. કોઈ પણ રીતે આત્માના પર્યાયનો વિનાશ માનવામાં ન આવે તો સેંકડો કલ્પના કરવાથી પણ હિંસાનો વ્યવહાર ઘટી શકતો નથી. કલ્પના વાસ્તવિકતાનું બીજ નથી.. ઇત્યાદિ ભણાવનાર પાસેથી અથવા તો મુક્તાવલી વગેરેનું અધ્યયન કરીને સમજી લેવું જોઇએ.
શ્રી અષ્ટકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સર્વથા ક્રિયાથી રહિત એવો વિભુ અકર્તા એવો આત્મા કોઇનાથી હણાતો નથી અને કોઈને હણતો નથી. તેથી હિંસા ઉપપન્ન (સંગત) બનતી નથી. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પોતાનાં કાર્યો ક્રમે કરીને અથવા એકી સાથે કરે. સર્વથા નિત્ય સ્થિર એક સ્વભાવવાળી વસ્તુ અનંતાનંત કાળનાં બધાં કાર્યો એકી સાથે કરે તે પ્રત્યક્ષથી બાધિત છે અને ક્રમે કરીને કરે તો તેમ કરવાથી તેના અનેક સ્વભાવ માનવા પડે... વગેરે કારણે એકાંતનિત્યપક્ષે ક્રિયાનો સંભવ જ નથી. તેથી ત્યાં હિંસા વગેરે વાસ્તવિક રીતે સંગત નથી.. ઈત્યાદિ અન્ય ગ્રંથથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર દિશાસૂચન છે. વિસ્તારથી આ વિષય અન્યત્ર (શ્રી વીતરાગસ્તોત્રની ટીકા વગેરે સ્થળે) વર્ણવ્યો છે. ૮-૧પ
-
૨૨
વાદ બત્રીશી