________________
योजनाद् योग इत्युक्तो मोक्षण मुनिसत्तमैः ।
स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो धुवः ॥१४-१४॥ योजनादिति-योजनाद् घटनाद् मोक्षेण । इत्यस्माद्धेतोः । मुनिसत्तमैरृषिपुङ्गवैः । योग उक्तः । स निवृत्ताधिकारायां व्यावृत्तपुरुषाभिभवायां प्रकृतौ सत्यां । लेशतः किञ्चिद्वृत्त्या । धुवो निश्चितः ।।१४-१४।।
“મોક્ષની સાથે આત્માને જોડી આપતો હોવાથી તેને(ઊહને) મહર્ષિઓએ યોગ કહ્યો છે. તે યોગ; પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેમાંથી દૂર થયો છે એવી પ્રકૃતિ હોતે છતે અંશતઃ નિશ્ચિત હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે યોગનું સ્વરૂપ વર્ણવતાં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિઓએ જણાવ્યું છે કે મોક્ષની સાથે આત્માને જે જોડી આપે છે તે સમ્યજ્ઞાનાદિને યોગ કહેવાય છે. અપુનર્બન્ધક આત્માઓને પ્રાપ્ત થયેલ ઊહ(વિચારણા) મોક્ષની સાથે કાલાંતરે આત્માને જોડી આપે છે તે કારણથી તેને પણ મહર્ષિઓએ યોગ કહ્યો છે.
એ યોગની પ્રાપ્તિ માટે પ્રકૃતિનો પુરુષ ઉપરનો અધિકાર નિવૃત્ત થવો જોઇએ. આશય એ છે કે અનાદિકાળથી પુરુષ-આત્માનો પ્રકૃતિ-કર્મના કારણે અભિભવ થતો જ આવ્યો છે. અનંતગુણોનો સ્વામી હોવા છતાં આપણો આત્મા આજ સુધી કર્મનાં આવરણોથી અભિભૂત (દબાયેલો) છે. અજ્ઞાનાદિને પરવશ બની નિત્ય કર્મથી અભિભવ પામવાનો જાણે આત્માનો સ્વભાવ જ ન હોય એવી પરવશ સ્થિતિનો આપણે અનુભવ કરતા આવ્યા છીએ. અજ્ઞાનતિમિરને હરનારા ભવનિસ્તારક પૂ. ગુરુદેવના પરિચયાદિથી આત્મસ્વરૂપનો વાસ્તવિક પરિચય થવાથી કર્મની આધીનતાને દૂર કરી આત્મા કર્મથી અભિભૂત ન થાય ત્યારે પ્રકૃતિ (કર્મ)નો પુરુષ(આત્મા) ઉપરનો એ અધિકાર વ્યાવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં પ્રકૃતિને વ્યાવૃત્ત-નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ કહેવાય છે. તેવા પ્રકારની નિવૃત્તાધિકાર પ્રકૃતિ હોતે છતે આત્માને મોક્ષપ્રાપક યોગની અંશતઃ પ્રાપ્તિ ચોક્કસ થતી હોય છે.
અશાતાવેદનીયાદિ કર્મનો આત્મા જે રીતે પ્રતીકાર કરે છે; એ રીતે મોહનીયાદિ કર્મનો પ્રતીકાર કરવામાં આવે તો પ્રકૃતિ નિવૃત્તાધિકાર બન્યા વિના નહિ રહે. પરંતુ એ રીતે મોહનીયાદિકર્મનો પ્રતીકાર કરવાનું ધારીએ છીએ એટલું સહેલું નથી. વાતવાતમાં કર્મપરવશ બનનારા માટે એ શક્ય નથી. શાંત અને ઉદાત્ત પ્રકૃતિ(સ્વભાવ)વાળા આત્માઓનો, પ્રકૃતિનો અધિકાર અંશતઃ નિવૃત્ત થતો હોવાથી અંશતઃ યોગની પ્રાપ્તિ તેમને થાય છે. નિષ્કર્મસ્વભાવવાળા આત્માને કર્મપરવશતા કોઈ પણ રીતે દૂર કર્યા વિના ચાલે એવું નથી. પ્રકૃતિની નિવૃત્તાધિકારિતા માટે એ અનિવાર્ય છે. પ્રકૃતિ(કર્મ)નો આત્મા(પુરુષ) ઉપરનો અધિકાર દૂર થયા વિના આત્માને અંશતઃ પણ યોગની પ્રાપ્તિ થતી નથી. કર્મ(પ્રકૃતિ)નો અધિકાર દૂર કરવા માટે આત્માનું બળ વધારવું પડશે. અશાતાના પ્રતીકાર વખતે આત્માના બળને આપણે સૌ વધારતા જ હોઇએ
૨૪૪
અપુનર્બન્ધક બત્રીશી