________________
રાગ-દ્વેષના પરિણામને સંક્લેશ કહેવાય છે. એમાં પણ રાગની પરિણતિ સ્વરૂપ સંક્લેશની મુખ્યતા છે. કારણ કે એ પરિણતિ; દુઃખ પ્રત્યેના દ્વેષની પરિણતિનું મુખ્ય કારણ છે. ભોગની આસક્તિ, એ બધાં જ દુઃખનું કારણ હોવાથી તેને સર્વ સંક્લેશરૂપે અહીં વર્ણવી છે. જીવના સંસારનું એ એકમાત્ર કારણ છે. મોક્ષમાં આ સંક્લેશનો લેશ પણ નથી. અનંતજ્ઞાનીઓએ વર્ણવેલા આ મોક્ષસ્વરૂપની શ્રદ્ધાને પ્રાપ્ત કરવાનું પણ ઘણું જ અઘરું છે. ભોગના સંક્લેશની પીડાનો અનુભવ થાય તો ચોક્કસ જ મોક્ષનું સ્વરૂપ હૈયે વસી જાય એવું છે. દુઃખની પીડાનો અનુભવ; ભોગની આસક્તિના દુઃખને અનુભવવા દે – એ વાતમાં કોઈ જ તથ્ય નથી.
મોક્ષની એકાંતે પરમસુખમય સ્વરૂપ અવસ્થા હોવા છતાં એમાં દ્વેષ દઢ અજ્ઞાનના કારણે થાય છે. બાધ્ય ન બની શકે એવા મિથ્યાજ્ઞાનને દઢ અજ્ઞાન કહેવાય છે. અનંતજ્ઞાનીઓ યુક્તિ પ્રયુક્તિઓથી મોક્ષની અનંતસુખમયતા અને સંસારની અનંતદુઃખમયતા ગમે તેટલી વાર સમજાવે તોપણ જે મિથ્યા(વિપરીત) જ્ઞાનને દૂર કરી ન શકાય, એ મિથ્યાજ્ઞાન દઢ અજ્ઞાન છે. એ દઢ અજ્ઞાનને લઈને મોક્ષમાં અનિષ્ટરૂપે જ્ઞાન થાય છે. મોક્ષ વાસ્તવિક રીતે અનિષ્ટ તો નથી જ પરંતુ અનિષ્ટનો અનુબંધી પણ નથી. સંસારનાં સુખો ઇષ્ટ હોય તોપણ અનિષ્ટના અનુબંધી છે. એવું મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ પરમેષ્ટ છે અને અનિષ્ટનો અનનુબંધી છે (અનુબંધી નથી). આમ છતાં મોક્ષને દઢ અજ્ઞાનના કારણે અનિષ્ટ માનવાનું બને છે. તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. મોક્ષ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં નથી હોતો. મુક્તિ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં બાધક છે.
પુણ્યથી મળતાં સુખો જે રીતે ઈષ્ટ લાગે છે તે રીતે મોક્ષ ઈષ્ટ લાગે છે કે નહિ – આ પ્રશ્નનો જવાબ મેળવવાનું ખૂબ જ કપરું છે. મોક્ષ અનિષ્ટ જણાય તો તેની પ્રત્યે દ્વેષ થશે જ. પુણ્યથી મળતાં સુખોનો ત્યાગ વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. પુણ્યથી મળનારા સુખના રાગે, મોક્ષ તે સુખનો બાધક જણાયાથી મોક્ષ અનિષ્ટ લાગે - તે સમજી શકાય છે. પરમેષ્ટ અનિષ્ટ સ્વરૂપે સ્વીકારાય તો મોક્ષની સાધનાનો પ્રારંભ પણ કઈ રીતે થાય ? વર્તમાનમાં આપણી આરાધનામાં ક્યાંય મોક્ષના દ્વેષની છાયા તો પડી નથી ને - એ વિચારવાની જરૂર છે. કારણ કે વાતવાતમાં અટકી પડતી અને અસ્તવ્યસ્ત થતી મોક્ષની સાધનાનું બીજું કોઈ કારણ દેખાતું નથી. મોક્ષનો દ્વેષ દૂર કરવા મોક્ષના પારમાર્થિક સ્વરૂપનું વારંવાર પરિશીલન કરવું પડશે અને પુણ્યથી મળતા સુખની અસારતાદિનું પરિભાવન કરવું પડશે. વિષયોની ભયંકરતાનું દઢજ્ઞાન જ; મોક્ષના દ્વેષના કારણભૂત દઢ અજ્ઞાનને દૂર કરે છે. ll૧૨-૨૨
અનંતસુખની ખાણ તુલ્ય મોક્ષમાં અનિષ્ટની પ્રતિપત્તિ કોને થાય છે અને કયા કારણે થાય છે - તે જણાવવા પૂર્વક પરમ રમણીય એવા મોક્ષ પ્રત્યે કોઈને દ્વેષનો સંભવ જ નથી' - આવી શંકાનું નિરાકરણ કરાય છે– એક પરિશીલન
૧૮૫