________________
વાસ્તવિક તપ છે. બાહ્ય અને અત્યંતર ભેદથી બે પ્રકારના તપના અનશનાદિ બાર પ્રકાર છે. એ લોકોત્તર તપનું વર્ણન અન્યત્ર વિસ્તારથી કર્યું છે. તપની આરાધના કરનારાએ યાદ રાખવું જોઇએ કે માત્ર કર્મને તપાવવા માટે તપ છે. બીજાને તપાવવા(સંતાપવા) માટે તપ નથી. અનુકૂળતાનો ત્યાગ કરી તપને કરનારા તપ કરતી વખતે અનુકૂળતા શોધે તો તપની આરાધના વાસ્તવિક રીતે કરી શકશે નહિ. આજે જે રીતે તપ કરાય છે અને કરાવાય છે, એ જોતાં તપનું સ્વરૂપ સમજાવવાનું લગભગ શક્ય નથી. ખરી રીતે તો આજે તપનો અભ્યાસ કરતાં પૂર્વે ખાવું કેમ – તે શીખવાની જરૂર છે. એની સમજણાદિના અભાવે તપ વાસ્તવિક રીતે કર્મનિર્જરાનું કારણ બનતો નથી. ધર્મના નામે આજે અનુકૂળતા પ્રાપ્ત કરવાનાં વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યાં છે – એમ લાગ્યા વિના રહેતું નથી.
લૌકિક તપ પણ; લોકોત્તર તપના જ્ઞાનના અભાવે આદિધાર્મિક જનો માટે યોગ્ય છે. એમાં મુખ્યપણે આહારની નિરીહતાનો ભાવ પામવાનો આશય રહેલો હોય છે. પોતાની ભૂમિકા મુજબના તે તે અધ્યવસાયને એ તપ પુષ્ટ-મજબૂત બનાવતો હોવાથી તેની ઉત્તમતા છે. અન્યથા તે તપ પણ ઉત્તમ નથી. આ શ્લોકમાં ચાંદ્રાયણ, કચ્છ, મૃત્યુઘ્ન અને પાપસૂદન - આ ચાર પ્રકારના તપનાં નામો જ વર્ણવ્યાં છે. તેનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. ૧૨-૧થા પૂર્વોક્ત ચાંદ્રાયણ તપનો વિધિ જણાવાય છે–
एकैकं वर्द्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् । भुञ्जीत नामावास्यायामेष चान्द्रायणो विधिः ॥१२-१८॥
एकैकमिति-एकैकं वर्धयेद्ग्रासं कवलं । शुल्के पक्षे प्रतिपत्तिथरारभ्य यावत् पौर्णमास्यां पञ्चदश कवलाः । कृष्णे च पक्षे हापयेद् हीनं कुर्यादकैकं कवलं । ततो भुञ्जीत न अमावास्यायां, तस्यां सकलकवलक्षयाद् । एष चान्द्रायणश्चन्द्रेण वृद्धिभाजा क्षयभाजा च सहेयते गम्यते यत्तच्चन्द्रायणं तस्यायं विधिः करणप्रकार इति ।।१२-१८॥
શુક્લપક્ષમાં એક એક કોળિયો વધારવો અને કૃષ્ણપક્ષમાં એક એક કોળિયો ઓછો કરવો. તે મુજબ અમાસે વાપરવું નહિ. આ ચાંદ્રાયણ તપનો વિધિ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાંદ્રાયણ તપ કઈ રીતે કરવો; તે આ શ્લોકમાં જણાવ્યું છે. સુદ પક્ષની એકમે એક કોળિયો જ આહારનો લેવાનો. તેથી વધારે નહિ લેવાનો. આવી રીતે સુદ બીજ, ત્રીજ, ચોથ... વગેરે તિથિએ અનુક્રમે બે, ત્રણ, ચાર વગેરે કોળિયા આહાર લેવાનો, જેથી પૂનમે પંદર કોળિયાથી વધારે આહાર લેવાનું નહિ બને. ત્યાર બાદ વદ એકમ, બીજ, ત્રીજ... વગેરે તિથિએ એક એક કોળિયો ઓછો કરવાથી અનુક્રમે ચૌદ, તેર, બાર વગેરે કોળિયા જેટલો આહાર ગ્રહણ કરવાનો. અને તેથી અમાસના દિવસે એક પણ
૧૮૦
યોગપૂર્વસેવા બત્રીશી