________________
ગુરુવંદન, ધર્મશ્રવણ અને દાનાદિ સંબંધી પ્રતિજ્ઞાઓ કરાતી હોય છે. મહાવ્રતો સંબંધી પ્રતિજ્ઞાઓની અપેક્ષાએ એ પ્રતિજ્ઞાઓ ખૂબ જ નાની છે. પરંતુ આજ સુધીના પ્રતિજ્ઞાવિહીન જીવનની અપેક્ષાએ, એ પ્રતિજ્ઞાઓ ઘણી જ મોટી છે. કોઈ પણ જાતના અપવાદ વિના એ પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનું ખૂબ જ કષ્ટકારક બનતું હોય છે. ફળની ઉત્કટ ઇચ્છા અને ફળને પ્રાપ્ત કરવા માટેનું વિશિષ્ટ સત્ત્વ ન હોય તો પ્રતિજ્ઞાનું પાલન શક્ય નથી. સદ્દગુરુભગવંતના પરિચયે પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજીને એનો યથાર્થ રીતે નિર્વાહ કરવો - એ એક જાતનો સદાચાર છે. પ્રતિજ્ઞા કઈ છે એની અપેક્ષાએ પ્રતિજ્ઞા કઈ રીતે પળાય છે – એનું પરિભાવન કરવાનું ખૂબ જ આવશ્યક છે. શ્રી વંકચૂલાદિએ જે પ્રતિજ્ઞા લીધી હતી; એ પ્રતિજ્ઞાઓ તો મજેથી લઈ શકાય છે પરંતુ તેઓએ તે પ્રતિજ્ઞાઓનું પાલન જે રીતે કર્યું હતું; તે રીતે એ પ્રતિજ્ઞાઓનું પાલન આપણા માટે કેટલું શક્ય છે – એ વિચારવાથી સમજાશે કે “સ–તિજ્ઞત્વ' આ સદાચાર પણ સરળ નથી. પહેલાં તો પ્રતિજ્ઞા-નિયમ લેવાનું જ લગભગ મન થતું નથી. આ વિશ્વમાં કંઈ કેટલી ય એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ જ કરવાના નથી. આપણા ઘરમાં પણ એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કરવાના નથી. પરંતુ એના ત્યાગનો આપણને નિયમ નથી. એટલું જ નહિ, સ્વમે પણ જેની ઇચ્છા નથી એવી પ્રવૃત્તિઓના પણ ત્યાગનો આપણને નિયમ નથી. અવિરતિ(નિયમ નહિ કરવો)ના કારણે જે પાપબંધ થાય છે તેની ખરેખર જ આપણને કલ્પના નથી. અન્યથા એ પાપથી વિરામ પામવા પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી શકાયો હોત. જ્યાં નિયમ અંગે જ આવી સ્થિતિ હોય ત્યાં તેના પાલન અંગે કેવી દશા હોય તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. યોગની પૂર્વસેવામાં એવી સ્થિતિ હોતી નથી. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો પ્રાણના ભોગે પણ નિર્વાહ કરાતો હોય છે. આ રીતે નાના પણ નિયમોનો નિરપવાદ વહન કરવાનો અભ્યાસ યોગની સાધનામાં મહાવ્રતોના પાલન માટે ખૂબ જ ઉપયોગી બને છે.
સદાચારોનું વર્ણન કરતાં આ ચૌદમા શ્લોકમાં દશમા સદાચાર તરીકે “સંપત્તિમાં નમ્રતા'નું વર્ણન કરાયું છે. એનો આશય એ છે કે ગૃહસ્થજીવનમાં કોઈ વાર ભૂતકાળના વિશિષ્ટ પુણ્યોદયે સંપત્તિ-વિભવની પ્રાપ્તિ થાય તો અહંકાર-ગર્વ કર્યા વિના નમ્રતા ધારણ કરવી જોઇએ. સંપત્તિની પ્રાપ્તિ થવાથી પોતાની જાતને મહાન માનવાથી અહંકાર જન્મે છે. પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવાથી પણ જયાં ગર્વ કરવાનો નિષેધ છે, ત્યાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી પૌદ્ગલિક સંપત્તિની પ્રાપ્તિથી ગર્વ કરવાનું ખૂબ જ અનુચિત છે - તે સમજી શકાય છે. અહીં નમ્રતાનું વર્ણન કરતી વખતે ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે “ઔચિત્યથી નમવાના સ્વભાવને નમ્રતા કહેવાય છે. દરેક સ્થાને નમવું – એ પણ નમ્રતા નથી અને માયાપૂર્વક નમવું - એ પણ નમ્રતા નથી. કોઈ પણ સ્થાને નમવું નહિ અને બધાની અપેક્ષાએ હું મહાન છું – એવું માનવું - એ તો અહંકાર છે જ. એનો અર્થ એ નથી કે ગમે તેને નમતા બેસવું. નમવાની પ્રવૃત્તિમાં સામી
એક પરિશીલન
૧૭૫