________________
“ગુરુવર્ગના મરણની અનુમોદનાના ભયને લઈને તેમના વિત્તનો તીર્થસ્થાનમાં વ્યય કરવો જોઇએ. તેમના આસન વગેરેનો પરિભોગ ન કરવો અને તેમના બિંબ(ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પૂજા કરવી.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે માતાપિતાદિ ગુરુજનોના મૃત્યુ પછી તેમના અલંકાર વગેરે જે વિદ્યમાન હોય તે સઘળાંય વિત્ત-ધનનો તીર્થસ્થાનમાં તેમના નામે વ્યય કરવો જોઇએ. અન્યથા તે દ્રવ્યનો આપણે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે જાણે રાહ જોઈને જ બેઠા હોઇએ તેમ જણાશે અને તેથી તેમના(ગુરુવર્ગના) મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. ગુરુવર્ગના ધનની કોઈ પણ જાતની ઇચ્છા કર્યા વિના તેમની હયાતી બાદ તેમનું સઘળું ય વિત્ત તીર્થસ્થાનમાં ખર્ચી નાખવું. આવું ના કરીએ અને તેનો ઉપયોગ આપણા પરિભોગ માટે કરીએ તો તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. કારણ કે ગુરુજનોની હયાતીમાં અત્યાર સુધી તેનો ઉપયોગ આપણે આપણા પરિભોગમાં ન કર્યો અને હવે તેમની હયાતી બાદ તેનો એ રીતે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે રાહ જોઇને જ બેઠા હોઈએ – એમ લાગ્યા વિના નહિ રહે. આપણે ગમે તેવી વિષમસ્થિતિમાં હોઈએ પરંતુ ગુરુજનોના વિત્તની અપેક્ષા રાખ્યા વિના તે વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરી લેવો જોઈએ. માતાપિતાદિ ગુરુજનોએ આપણને જે સંસ્કારમય જીવન જીવતાં શીખવ્યું છે તે જ મોટામાં મોટો ઉપકાર છે. એ પછી પણ તેમના વિત્તની અપેક્ષા રાખવી એ ઉચિત નથી. અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ ગુરુજનોનું સઘળું ય વિત્ત તેમના ગયા પછી જેમ બને તેમ તુરત તીર્થસ્થાનમાં વાપરી નાખવું જોઈએ. એ સંપત્તિ ઉપર પોતાનો હક જમાવવો; એ માટે યાચના કરવી અને જરૂર પડે કોર્ટે જવું વગેરે ગુરુપૂજનની વિરુદ્ધ પ્રવૃત્તિ છે. યોગની પૂર્વસેવાના અર્થી જનોએ કોઈ પણ સંયોગોમા એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઇએ. શક્ય પ્રયત્ન તો ગુરુજનોની હયાતીમાં તેમને જણાવવું જોઇએ કે - “આપના હાથે જ આપનું વિત્ત તીર્થસ્થાનમાં આપ વાપરી નાંખો, મારે એની આવશ્યકતા નથી.” આમ છતાં કોઈ વાર ગુરુજનોની હયાતી બાદ તેમનું વિત્ત આપણને મળે તો તે ઉપર જણાવ્યા મુજબ વિવેકપૂર્વક તીર્થસ્થાનમાં વાપરી નાંખવું. આજે જે રીતે તીર્થસ્થાનોમાં ભૌતિક સગવડો ઊભી કરાય છે અને એને ધાર્મિક સ્વરૂપ અપાય છે – એ જોતાં માતા-પિતાદિ ગુરુજનોના વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરતી વખતે નવેસરથી વિચારવાનું આવશ્યક બને છે. પોતાના ઘરમાં પણ જે અનુકૂળતા નથી એવી અનુકૂળતા ધર્મના નામે જ્યાં અપાય છે ત્યાં ધાર્મિક દૃષ્ટિએ વિત્ત વાપરવાનો કોઈ જ અર્થ નથી. માટે ગુરુજનોના વિત્તનો વિનિયોગ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઈએ. અવિવેકવાળી પ્રવૃત્તિથી આજે પરમતારક તીર્થોની પવિત્રતામાં હાનિ થતી આવી છે. પવિત્રતાને હાનિ પહોંચાડવાની લગભગ આજે સ્પર્ધા ચાલી છે. એવી સ્પર્ધામાં આપણે ભાગ લેવાની આવશ્યકતા નથી. તીર્થસ્થાનમાં પૂ. સુવિહિત ગીતાર્થ એક પરિશીલન
૧૫૯