________________
- એ સમજી શકાય છે. ચાલુ વ્યવહારમાં પણ જેઓ સન્માર્ગે ચાલતા હોય છે, તેમની આંખે પાટા બાંધી તેમને ઉન્માર્ગે લઇ જવાની પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે. તેમ અહીં લોકોત્ત૨માર્ગમાં પણ વિપરીત(અસ્થાન-પરસ્થાન)દેશના દ્વારા બાલાદિ જીવોની બુદ્ધિનો ભેદ થવાથી તે જીવોને ઉન્માર્ગે લઇ જવાથી ધર્મદેશકની ધર્મદેશનાસ્વરૂપ પ્રવૃત્તિમાં કુશીલતા પ્રતીત થાય છે.
જેની જેવી યોગ્યતા છે તેને તે મુજબ અપાતી દેશનાને યથાસ્થાનદેશના કે સ્વસ્થાનદેશના કહેવાય છે. તેનાથી વિપરીત રીતે યોગ્યતાનું અતિક્રમણ કરીને અપાતી દેશનાને અસ્થાન કે પરસ્થાન દેશના કહેવાય છે. વિપરીત દેશનાના શ્રવણથી શ્રોતાને તદ્દન જ વિરુદ્ધ અર્થનું જ્ઞાન થવાથી પૂર્વે જાણેલા અને વર્તમાનમાં જણાતા (જ્ઞાત અને શાયમાન) અર્થના વિષયમાં બુદ્ધિનો વ્યામોહ થાય છે, એને બુદ્ધિની અંધતા કહેવાય છે. આ અંધતાના કારણે શ્રોતા ઉન્માર્ગે જાય છે, જેમાં અસ્થાન-દેશના કારણ બને છે. ધર્મદેશકની તે કુશીલતા છે. અજ્ઞાન કે અનુપયોગથી પણ પોતાને કારણે થતો બીજાની બુદ્ધિનો ભેદ; પ્રબળ અપાયનું કારણ છે. માટે પરસ્થાનદેશનાના પરિહાર માટે ધર્મદેશકે ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઇએ. અને વારંવાર બાલાદિ જીવોની યોગ્યતાને ખૂબ જ સૂક્ષ્મ રીતે જોવી જોઇએ. અન્યથા પરસ્થાનદેશનાના કારણે કુશીલતાનો પ્રસંગ આવશે.
અહીં પ્રસંગથી યાદ રાખવું જોઇએ કે વર્તમાનમાં કેટલાક આચાર્યભગવંતાદિ ધર્મદેશકો માર્ગાનુસારી દેશનાને પણ પરસ્થાનદેશના તરીકે વર્ણવી રહ્યા છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી મોક્ષૈકલક્ષી દેશનાના ધર્મદેશકોની દેશનાને પણ; પરસ્થાન દેશના તરીકે વર્ણવનારાઓની મનોદશા તદ્દન વિચિત્ર છે. સંસારથી મુક્ત બનેલાની અવસ્થા સ્વરૂપ મોક્ષ છે; અને એનાથી તદ્દન જ વિપરીત સ્વભાવવાળો સંસાર છે. “સકલકર્મક્ષયસ્વરૂપ મોક્ષ માટે પણ ધર્મ ક૨વાનો અને સકલકર્મમય સંસારના સુખ માટે પણ ધર્મ કરવાનો. બંધન અને મુક્તિ : બંને માટે ધર્મ કરવાનો...” વગેરે પ્રકારના ઉપદેશને આપનારા એ ઉપદેશકોને મોક્ષૈકલક્ષી દેશના પ૨સ્થાનદેશનારૂપે જણાય છે. પરંતુ આ બત્રીશીના બીજા શ્લોકથી સમજાવેલું પરસ્થાનદેશનાનું સ્વરૂપ એવું નથી. બાલાદિ જીવોને; મધ્યમાદિ જીવો માટે યોગ્ય એવી દેશના આપવામાં આવે તો તે દેશના પરસ્થાનદેશના છે. વર્તમાનમાં પ્રાયઃ બાલ, મધ્યમ અને પંડિત ઃ આ ત્રણેય શ્રોતાઓથી યુક્ત સભા હોય છે. આવા વખતે ધર્મદેશકો તે તે જીવોની મુખ્યતા રાખીને દેશના આપતા હોય છે. એટલામાત્રથી એ દેશના પરસ્થાનદેશના ન બને. જીવવિશેષને તેની અયોગ્યતાને લઇને કોઇ વાર કોઇ વિષયમાં બુદ્ધિભેદ થાય - એ બનવાજોગ છે. આવું તો શ્રી વીતરાગપરમાત્માની દેશનાના નિયમિત શ્રવણથી પણ પાખંડી જનો માટે બનતું હોય છે. પરંતુ એટલામાત્રથી તે દેશનાને પરસ્થાનદેશનાસ્વરૂપે વર્ણવવાનું સાહસ કરવું ના જોઇએ. લોકોના બુદ્ધિભેદની ચિંતા કરવા પહેલાં ખોટી રીતે પરસ્થાનદેશનાને વર્ણવનારાએ પોતાનો
એક પરિશીલન
૪૭