________________
પરિશીલનની પૂર્વે પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ વિરચેલાં ગ્રંથરત્નોમાંથી ‘દ્વત્રિશદ્વાત્રિશિકા' નામના ગ્રંથરત્નનું પરિશીલન કરવાના પ્રારંભે પ્રથમ દાનદ્વાત્રિશિકાનું પરિશીલન આ પુસ્તકમાં કરાયું છે. આ પૂર્વે દીક્ષાદ્વત્રિશિકાનું પરિશીલન પ્રગટ થયું છે. આ રીતે દરેક દ્વત્રિશિકાનું પરિશીલન પ્રગટ કરવાનો વિચાર છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાના ગ્રંથરત્નો અંગે હું કશું જણાવું - એના બદલે જિજ્ઞાસુ આત્માઓ એ ગ્રંથરત્નોના અધ્યયન દ્વારા ગ્રંથરત્નોનો પાવન પરિચય પ્રાપ્ત કરી લે - એ જ સારું છે. જિજ્ઞાસુવર્ગની અનુકૂળતા માટે આ એક અલ્પ પ્રયત્ન છે. નીચે જણાવેલા પૂજ્યપાદશ્રીના પાવન પરિચયના મનનથી સમજાશે કે અપ્રતિમ પ્રતિભાના સ્વામી દ્વારા નિર્માણ પામેલા ગ્રંથનું પરિશીલન કરવા માટે આ પ્રયત્ન ખરેખર જ અલ્પતમ છે.
અનંતોપકારી દેવાધિદેવ શ્રી મહાવીર પરમાત્માના પરમતારક શાસનની ઉજવલપ્રભાને ઉજ્જવલતમ બનાવનારા સમર્થ અચિંત્ય પ્રભાવશાળી પૂજય પરમગીતાર્થ આચાર્યભગવંતાદિ દિવ્યપુરુષોની પાવન પરંપરામાં પૂજયપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાનું જે સ્થાન છે – તેનો ઓછાવત્તા પ્રમાણમાં આપણને સૌને સારી રીતે પરિચય છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયેલા ઉપાધ્યાયજી મહારાજાના એ જીવનકાળનો વિચાર કરીએ તો પૂજ્યપાદશ્રીજીનું નિર્મળ સાધનામય જીવન; અભુત અને ચમત્કારપૂર્ણ જણાશે. એક બાજુ ક્રિયાનું શૈથિલ્ય અને બીજી બાજુ અજ્ઞાનનું સામ્રાજય: આવી વિષમસ્થિતિમાં નિર્મળ ચારિત્રની સાધના સાથે શુદ્ધક્રિયા અને સમ્યજ્ઞાનથી પોતાના જીવનને વાસિત બનાવવાનું કાર્ય કેટલું કપરું છે – એ આપણે સમજી શકીએ છીએ. ભૂતકાળની વિશિષ્ટ સાધના ન હોય તો કોઈ પણ રીતે; કઠોર સાધનામય જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય નહિ.
વિ.સં. ૧૬૬૫માં ઉત્તરગુજરાતના ધીણોજ ગામની બાજુના કનોડ ગામમાં જેઓશ્રીનો પુષ્ય જન્મ થયો હતો - તે પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને બાલ્યકાળમાં જ પોતાની અદ્ભુત સ્મરણશક્તિના પ્રભાવે પરમપારમેશ્વરી પ્રવ્રજયાની પ્રાપ્તિ થઈ હતી. પ્રસંગ એવો બનેલો કે - પૂ. ઉપાધ્યાયજી મ.ની માતાને શ્રી ભક્તામરસ્તોત્રનું શ્રવણ કર્યા વિના ભોજન નહિ કરવાનો નિયમ હતો. એ પ્રમાણે એકવાર પોતાના પુત્રની સાથે શ્રી ભક્તામરસ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવંત પાસે તેઓશ્રી ગયાં હતાં. તે વખતે તે સ્તોત્રના એક વારના જ શ્રવણથી પૂજ્યશ્રીને યાદ રહેલું. ત્યાર બાદ એક વાર વરસાદના કારણે પૂજ્યશ્રીની માતા સ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવંત પાસે જઈ શક્યાં નહિ. ત્રણ દિવસના ઉપવાસના અંતે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ પોતાની માતાને ઉપવાસનું કારણ પૂછતાં માતાના નિયમને જાણ્યો. ત્યાર બાદ તેમની
દાન બત્રીશી: એક પરિશીલન