________________
“પ્રથમ બે પૂજામાં અનુક્રમે પૂજક સુંદર પુષ્પ વગેરે લાવે છે અને બીજાની પાસે બીજા સ્થાનેથી મંગાવે છે. છેલ્લી પૂજામાં મનથી, તે બધી સુંદર સામગ્રી પ્રાપ્ત કરાય છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, પહેલી કાયયોગસારા નામની પૂજામાં સુંદર પુષ્પાદિ દ્રવ્યોને તે પૂજા કરનારા સેવે છે અર્થાત્ તે દ્રવ્યો પૂજા વખતે ચઢાવે છે - અર્પણ કરે છે. બીજી વાગ્યોગસારા નામની પૂજામાં સારાં પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યો કોઈને કહીને બીજે સ્થાનેથી મંગાવીને પણ પૂજા કરનારા વાપરે છે. શ્રી ષોડશકપ્રકરણમાં પણ આ અંગે જણાવ્યું છે કે – “પ્રથમ વિજ્ઞોપશમની (કાયયોગસારા) પૂજા વખતે તે પૂજા કરનારા સારામાંનાં પુષ્પ વગેરે સદા સેવે છે અર્થાતુ પોતાના હાથે અર્પણ કરે છે. બીજી અભ્યદયપ્રસાધની (વાગ્યોગસારા) પૂજામાં તે પૂજા કરનારા ચોક્કસ રીતે બીજે સ્થાનેથી સારામાંનાં પુષ્પાદિ મંગાવે પણ છે. આથી સમજી શકાશે કે પ્રથમ પૂજાને કરનારા પૂજામાં પુષ્પો, સુગંધી દ્રવ્યો અને પુષ્પોની ગૂંથેલી માળા વગેરે પૂજાનાં દ્રવ્યો કાયમ માટે સારામાં સારાં જે દ્રવ્યો છે તે જ વાપરે છે. ગમે તેવાં પુષ્પાદિ દ્રવ્યોથી કાયયોગસારા” પૂજા થતી નથી. પ્રારંભિકપૂજામાં પણ જે રીતે દ્રવ્યશુદ્ધિ કરવાનું ફરમાવ્યું છે એ જોતાં તો એમ જ લાગે કે પ્રથમ પૂજા કરવાનું પણ અઘરું છે. જે દ્રવ્ય ઉપલભ્ય છે તેમાંથી જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રવ્યોને લઈને પહેલા પ્રકારની પૂજા કરવાની છે. વર્તમાન સ્થિતિ ખૂબ જ દયનીય છે. દરરોજ કરાતી પૂજામાં તો દૂર રહ્યું પરંતુ વિશેષ રીતે કરાતી પૂજામાં પણ દ્રવ્યશુદ્ધિ અંગે તેનો ઉપયોગ રાખવાનું બનતું નથી.
બીજી અભ્યદયપ્રસાધની પૂજામાં થોડું આગળ વધવાનું છે. પોતાના સ્થાનમાં ઉત્તમ દ્રવ્યો મળતાં ન હોય તો બીજે સ્થાનેથી કોઈને કહીને તે તે દ્રવ્યો મંગાવીને પણ તે તે દ્રવ્યોથી પૂજા કરવાની છે. એવી પૂજાને બીજી વાગ્યોગસારા પૂજા કહેવાય છે. હૈયાની ઉદારતા અને પરમાત્માની પ્રત્યે ઉત્કટ બહુમાન હોય તો જ એ પૂજા શક્ય બનશે. “આ દ્રવ્ય વિના નહિ જ ચાલે' આવા પરિણામને કારણે આ રીતે બીજે સ્થાનેથી પણ દ્રવ્યો મંગાવીને પૂજા કરવામાં આવે છે. શક્તિસંપન્નતા કરતાં પણ ભાવસંપન્નતાનું મહત્ત્વ ઘણું છે. પરમાત્માની સર્વોત્કૃષ્ટતાનો ખ્યાલ આવે તો ભાવ આવ્યા વિના નહીં રહે. સામાન્ય કોટિનો ઉપકાર કરનારા પ્રત્યે જો અહોભાવ આવતો હોય તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનારા પરમાત્માની પ્રત્યે અહોભાવ ન આવવાનું કોઈ જ કારણ નથી.
છેલ્લી મનોયોગસારા (નિર્વાણપ્રસાધની) પૂજામાં જે દ્રવ્યો ઉપલબ્ધ નથી અને જે દ્રવ્યો મંગાવી પણ શકાતાં નથી – એવાં ઉત્તમોત્તમ પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યો મનથી પ્રાપ્ત કરાય છે. તેવા દ્રવ્યથી મનથી પૂજા કરાય છે. આ લોકમાં જે ઉત્તમોત્તમ દ્રવ્ય છે તેનાથી તો ત્રીજી પૂજાને કરનારા દરરોજ પૂજા કરતા હોય છે. પરંતુ ત્રણ લોકમાં જે સુંદર છે એવાં નંદનવનાદિ સ્થાનોમાં પ્રાપ્ત થનારાં પારિજાતનાં પુષ્પ વગેરે દ્રવ્યોને છેલ્લી પૂજામાં મનથી પ્રાપ્ત કરાય છે.
ભક્તિ બત્રીશી
૧૯૮