________________
૬૨
ઉપદેશપદ : ભાગ-૨ આ જ વિષયને વિચારે છે
ગાથાર્થ–પરલોક નથી, જિનો નથી, ધર્મ નથી, શીલ વ્રણની પીડા સમાન છે, આઠમી પૃથ્વી નથી, ઈત્યાદિ ભિન્નગ્રંથિ જીવ ન માને.
મિથ્યાષ્ટિની માન્યતા ટીકાર્થ–(૧) વર્તમાન ભવની અપેક્ષાએ અન્યભવ રૂપ પરલોક નથી. કારણ કે પરલોકમાંથી આવતા અને પરલોકમાં જતા કોઈ જીવને કોઈએ ક્યારેય જોયો નથી. પાંચ ભૂતના સમુદાયરૂપ અને જેમાં ચૈતન્ય ઉત્પન્ન થયું છે એવું આ શરીર જ તે તે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે જીવે છે એવા વ્યવહારને પામે છે અને તે તે ક્રિયાઓ કરતું અટકી જાય છે ત્યારે મૃત્યુ પામ્યું છે એવા વ્યવહારને પામે છે.
(૨) તથા જેમનું રાગ-દ્વેષ-મોહરૂપ માલિન્ય સર્વથા નાશ પામ્યું હોય તેવા વિશિષ્ટ પ્રકારના મનુષ્યો રૂપ અરિહંત ભગવંતો નથી. કારણ કે હમણાં તેવા પ્રકારનો કોઈ મનુષ્ય જોવામાં આવતો નથી. જોવાયેલા પ્રમાણે નહિ જોયેલાની કલ્પના કરવી એ યોગ્ય છે, અર્થાત્ કોઈ એક વસ્તુ પ્રત્યક્ષ જોવામાં આવી હોય તો તેના આધાર નહિ જોવાયેલી તેના જેવી બીજી વસ્તુની કલ્પના કરવામાં આવે તો તે યોગ્ય ગણાય. પણ કોઈ વસ્તુ જોઈ જ ન હોય તો બીજી તેવી વસ્તુની કલ્પના ન કરી શકાય.
(૩) દુર્ગતિમાં પડતા જીવસમૂહને ધારી રાખે અને સુગતિમાં સ્થાપે તે ધર્મ. આવો ધર્મ જીવનો પરિણામ વિશેષ છે. આવો ધર્મ આ જગતમાં નથી. કારણ કે પ્રત્યક્ષ જોવામાં આવતો નથી.
(૪) બસ્તિનિરોધ રૂ૫ શીલ તેવા પ્રકારના વ્રણની પીડા સમાન છે. જેવી રીતે વણની પીડા સહન કરવામાં કોઈ લાભ નથી, બલ્ક પીડા સહન કરવી પડે છે, તેવી રીતે બસ્તિનિરોધમાં પણ કોઈ લાભ નથી, કેવળ પીડા જ સહન કરવી પડે છે.
(૫) આઠમી નરક પૃથ્વી નથી, અર્થાત્ જેમણે ઘણાં પાપોનું ઉપાર્જન કર્યું છે તેવા જીવો માટે રત્નપ્રભા વગેરે સાત નરકપૃથ્વીઓની નીચે આઠમી નરકપૃથ્વી નથી. અહીં અભિપ્રાય આ છે- જીવો (નીચે વધારેમાં વધારે) સાત નરકપૃથ્વીઓમાં ગયા છે, જાય છે અને જશે. આથી નરકોથી શું ભય છે? અર્થાત્ નરકોથી ડરવાનું કોઈ કારણ નથી. તમે આઠમી નરકપૃથ્વી તો કહેતા નથી. આથી ઈદ્રિયોને (મનગમતું આપીને) ખુશ કરવી એ જ યોગ્ય છે, પણ પાપભયથી ઇંદ્રિયોને ખુશ કરવાનું છોડી ન દેવું જોઇએ.
આવા પ્રકારનું બીજું પણ વચનાપૌરુષેયત્વ, જગદીશ્વરકતૃત્વ વગેરે કે જેને નાસ્તિક, મીમાંસક અને નૈયાયિક વગેરેએ કલ્પેલું છે, તેને આ ભિન્નગ્રંથિ જીવ ન માને. કેમ કે તેના અંતરમાં સમ્યગ્બોધ રૂપ દીપકની પ્રભાથી ગાઢમિથ્યાત્વરૂપ અંધકારની સત્તા નષ્ટ થઈ ગઈ છે.