________________
૪૧૮
ઉપદેશપદ : ભાગ-૨ - તે સાધુએ ગીતાર્થ આચાર્યને કહ્યું કે આ રાજા મારી પ્રરૂપણાથી વિપરિણામ પામી ગયો છે. પછી અવસરે આચાર્યનું રાજાની પાસે આવવાનું થયું. તેથી આચાર્યને રાજાના ભાવનું જ્ઞાન થયું. અવસરે રાજાએ આચાર્યને પુછ્યું- હે ભગવન્! તત્ત્વ શું છે? આચાર્ય કહ્યું: તત્ત્વ અતિગંભીર છે, જાતે જ જાણી શકાય તેવું નથી. રાજાએ કહ્યું: જો તત્ત્વ આ પ્રમાણે અતિગંભીર છે અને જાતે જાણી શકાય તેમ નથી તો મને તત્ત્વ કહો. ગુરુએ કહ્યું ઉપયોગવાળા થઈને સાંભળો. (૯૦૧)
સ્વસ્તિમતી નગરીમાં કોઈ બ્રાહ્મણપુત્રી હતી. તેની એક સખી હતી. સમય જતાં તે બેનો ભિન્ન સ્થળે વિવાહ થવાના કારણે તે બે જુદી થઈ. એકવાર બ્રાહ્મણપુત્રીને સખીની સુખ-દુઃખની વાત સાંભળીને ચિંતા થઈ. આથી તે જાતે જ મહેમાન તરીકે તેના ઘરે ગઈ. તેણે સખીનો વિષાદ જોયો. (૯૦૨)
તેથી તેણે વિષાદનું કારણ પૂછ્યું: સખીએ કહ્યું: હું પાપી છું, જેથી પતિના દૌર્ભાગ્યને પામી છું, અર્થાત્ હું પતિને અપ્રિય બની છું. બ્રાહ્મણપુત્રીએ કહ્યું તું ખેદ ન કર. હું તારા પતિને વનસ્પતિના મૂળિયાના પ્રભાવથી બળદ બનાવી દઉં છું. પછી સખીને મૂળિયું આપીને બ્રાહ્મણપુત્રી પોતાના સ્થાને ગઈ. પછી સખીએ “આનાથી હું લાંબા કાળ સુધી અપમાનિત કરાઈ છું” એવા આશયથી પતિને મૂળિયાનું ચૂર્ણ ખવડાવ્યું. (૯૦૩)
મણિ-મંત્ર-ઔષધિઓનો પ્રભાવ અચિંત્ય હોય છે. આથી તેનો પતિ બળદ બની ગયો. પતિને બળદ થયેલો જોઈને તે ખિન્ન બનીને વિચારવા લાગી કે આ પુરુષ કેવી રીતે થશે? પછી તેને ચરવા માટે બળદોના ટોળાની સાથે કર્યો. પોતે તેની પાછળ ફરે છે. એકવાર વડની શાખા ઉપર રહેલા વિદ્યાધર યુગલે તે બળદને જોયો. વિદ્યારે પત્નીને કહ્યું. આ મનુષ્ય હોવા છતાં (પ્રયોગથી) બળદ થયેલો છે. પત્નીએ વિદ્યાધરને પૂછ્યું: આ ફરી મનુષ્ય કેવી રીતે થશે? વિદ્યાધરે કહ્યું: મૂળિયાથી. વિદ્યાધરીએ પૂછ્યું: આ મૂળિયું ક્યાં છે? (૯૦૪)
વિદ્યાધરે કહ્યું: આ જ વૃક્ષની નીચે છે. આ પ્રમાણે કહીને વિદ્યાધર યુગલ અંતર્ધાન થઈ ગયું. આ સઘળો વૃત્તાંત વડની નીચે રહેલી બળદની પત્નીએ સાંભળ્યો. પછી તે ઘરે ગઈ. આ મૂળિયું કેવી રીતે મળે એમ વિચારવા લાગી. પછી વડની નીચે રહેલો બધો ચારો ચરાવવાનું શરૂ કર્યું. એમ કરતાં મૂળિયું ખાવામાં આવી ગયું. મૂળિયું ખાવાથી તે મનુષ્ય થઈ ગયો.
આ દતથી પ્રસ્તુત ગંભીર તત્ત્વની વિચારણામાં વિપરીતજ્ઞાન રૂપ પશુભાવને દૂર કરવા માટે ધર્મરૂપ મૂળિયું સમર્થ છે. આથી ધર્મરૂપ મૂળિયું મેળવવું જોઈએ. (૦૫)