________________
८
મોહની મંદતા વિના રાગ-દ્વેષની મંદતા ન થાય
જેમાં રાગ-દ્વેષ મંદ છે તેવા પરિણામ (=અંતઃકરણની પરિણતિ) શુદ્ધ છે. મોહ પ્રબળ હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા થતી નથી. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી થતું વિપરીત જ્ઞાન તે મોહ છે. આ મોહ બળવાન હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા ન થાય. કારણ મંદ થયા વિના કાર્ય મંદ ન થાય. મંદતા એટલે શક્તિ નષ્ટ થઈ જવી. અર્થાત્ રાગ-દ્વેષ જે શક્તિથી ઉત્પન્ન થાય છે તે શક્તિ નષ્ટ થઈ જાય (અથવા નજીકના કાળમાં શક્તિ નષ્ટ થવાની હોય) તે રાગ-દ્વેષની મંદતા છે. મિથ્યાત્વ મોહ રાગ-દ્વેષની શક્તિ છે. આથી મિથ્યાત્વ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી રાગ-દ્વેષની શક્તિ નષ્ટ ન થાય, અને એથી રાગ-દ્વેષ મંદ ન બને. (૧૮૯)
પ્રશ્ન
જો મોહ પ્રબળ હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા ન થાય તો જેમને પોતાના પક્ષ(-દર્શન) ઉપર ગાઢ પક્ષપાત બંધાયો છે તેવા કેટલાક મિથ્યાદૃષ્ટિઓમાં પણ મોહ પ્રબળ હોવા છતાં જે ઘણો ઉપશમ દેખાય છે તે કેવી રીતે થયો ?
-
ઉત્તર - જેવી રીતે સન્નિપાત વ્યાધિમાં થયેલી સ્વસ્થતાથી પરિણામે દુ:ખ વધે છે તેવી રીતે આજ્ઞાબાહ્ય ઉપશમથી પણ પરિણામે દુઃખ વધે છે.
સન્નિપાત એટલે વાત, પિત્ત અને કફનો એકી સાથે પ્રકોપ થવાથી થયેલો રોગ. આ રોગ શરીરમાંથી દૂર ન થયો હોય-નિર્મૂળ ન થયો હોય તો પણ કોઈક કાળના પ્રભાવથી દબાઈ ગયો હોય, તેથી શરીરમાં વ્યાધિની મંદતા જણાય. પણ પછી ફરી પૂર્વ અવસ્થાની અપેક્ષાએ વાત-પિત્ત-કફનો અધિક પ્રકોપ થવાથી તે વ્યાધિ વધારે પ્રબળ બને અને એથી મૂર્છા, પ્રલાપ અને અંગભંગ વગેરે દુઃખ અધિક થાય.
તેવી રીતે આજ્ઞાબાહ્ય રાગ-દ્વેષની મંદતારૂપ ઉપશમથી પણ પરિણામે દુઃખ વધે છે. તે આ પ્રમાણે-આજ્ઞાબાહ્ય ઉપશમથી તેવા પ્રકારનું દેવભવનું ઐશ્વર્ય અને મનુષ્ય જન્મમાં રાજ્ય વગેરે સુખ થોડા કાળ સુધી મળે છે. પણ પાપાનુબંધી પુણ્યના કારણે એ સુખ ભોગવ્યા પછી અધિક દુઃખ અનુભવે છે. આ વિષે કૂણિક અને બ્રહ્મદત્ત વગેરે દૃષ્ટાંતરૂપ છે. કૂણિક અને બ્રહ્મદત્ત સદ્ધર્મરૂપ બીજ વાવવામાં ભગવાનને પણ એકાંતે પ્રતિકૂળ હતા, અર્થાત્ ખુદ ભગવાન પણ તેમનામાં સદ્ધર્મરૂપ બીજ વાવી શકે નહિ તેવા હતા. તેમણે દુઃખે કરીને નાશ કરી શકાય (-દુઃખ ભોગવીને જ નાશ કરી શકાય) તેવો પાપસમૂહ બાંધ્યો હતો.
(કૂણિક પૂર્વભવમાં તાપસ હતો. બ્રહ્મદત્તે પૂર્વભવમાં ચારિત્ર લીધું હતું. આ અવસ્થામાં તે બંનેને ઉપશમ ભાવ હતો. પણ એ ઉપશમભાવ દબાઈ ગયેલા સન્નિપાત રોગ તુલ્ય