________________
૯
હતો. આથી તે વખતે તેમણે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું. એ પુણ્યના કારણે તે બંને મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્યભવમાં આવ્યા. તે ભવમાં પાપાનુબંધી પુણ્યના ઉદયથી ભયંકર પાપો કરીને બંને નરકમાં ગયા. આમ ઉપશમ ભાવથી પરિણામે અધિક દુઃખ મળ્યું.)
વિપરીત જ્ઞાનરૂપ મોહ પ્રબળ હોય ત્યારે મંદ બનેલા રાગ-દ્વેષ પાપાનુબંધી સાતા વેદનીયકર્મના અને મિથ્યાત્વ મોહનીયના બંધનું કારણ બને છે. (એથી જ્યારે સાતા વેદનીયકર્મ બંધાય ત્યારે સાથે સાથે મિથ્યાત્વ મોહનીયકર્મ પણ બંધાય.) પછી ભવાંતરમાં તે પુણ્યના વિપાકથી સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના મિથ્યાત્વ મોહનીયનો પણ ઉદય થાય છે. એથી જ હિતકર અહિતકર કાર્યોમાં મૂઢતાને પામેલા (-આ કાર્ય મારા માટે હિતકર છે, આ કાર્ય મારા માટે અહિતકર છે એવા જ્ઞાનથી રહિત) તે જીવો મલિન કાર્યો કરે છે. પછી પૂર્વે ઉપાર્જન કરેલ પુણ્યાભાસ રૂપ કર્મ પૂર્ણ થઈ જતાં નરકાદિ દુઃખરૂપ અપાર સમુદ્રમાં ડૂબી જાય છે. (૧૯૦)
ધર્મક્રિયા સફળ ક્યારે બને ?
આનાથી એ નિશ્ચિત થયું કે જ્યાં સુધી મિથ્યાત્વ નાશ ન પામે અથવા તો મંદ ન બને ત્યાં સુધી ધર્મક્રિયાઓ સફળ બને નહિ. જેમ દેડકાના ચૂર્ણમાંથી પાણી-માટી વગેરે સામગ્રી મળતાં દેડકાં ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાન વિના (=મોહના ક્ષયોપશમ વિના) કેવળ ક્રિયાથી મંદ કરાયેલા દોષો ફરી નિમિત્ત મળતાં તીવ્ર બને છે. આથી જ્ઞાન વિના કેવળ ક્રિયાથી મંદ કરાયેલા દોષો દેડકાના ચૂર્ણ સમાન છે. (૧૯૧) જે દોષો સમ્યક્ ક્રિયા દ્વારા (=સમ્યજ્ઞાનપૂર્વક ક્રિયા દ્વારા) દૂર કરાયેલા હોય તે દોષો સામગ્રી મળવા છતાં ફરી ઉત્પન્ન થતા નથી. આથી જ સમ્યક્ ક્રિયાથી દૂર કરાયેલા દોષો અગ્નિથી બાળેલા દેડકાના ચૂર્ણ તુલ્ય છે. અગ્નિથી બાળેલા દેડકાના ચૂર્ણમાંથી નિમિત્ત મળવા છતાં દેડકા ઉત્પન્ન ન થાય. આથી ધર્મક્રિયાને સફળ બનાવવા મિથ્યાત્વમોહનો નાશ કરવો જોઈએ. (૧૯૨) માતુષ મુનિમાં સમ્યજ્ઞાન હતું
પ્રશ્ન - માષતુષ જેવા મુનિને વિશિષ્ટ જ્ઞાન ન હતું, છતાં તેમનામાં ચારિત્રરૂપ શુભ પરિણામ સંભળાય છે. તે શુભ પરિણામ કેવી રીતે થયો ? ઉત્તર - માષતુષ જેવા મુનિમાં મિથ્યાત્વ મોહનીયનો તીવ્ર ક્ષયોપશમ હતો. આથી માર્ગાનુસારી ભાવ હતો. માર્ગાનુસારી ભાવના કારણે સમ્યક્ ઓઘ (=સામાન્ય) જ્ઞાન હતું. સમ્યક્ ઓઘ જ્ઞાનના કારણે તેમનો પરિણામ શુભ જ હતો. (૧૯૩)