________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૮૫
રાજાએ તેઓના ગુણો સાંભળ્યા અને અતિ કૌતુકથી સભામાં તેડાવ્યા અને પૂછ્યું: લોકમાં તમારા વિષે જે પ્રવાદ થયો તે સત્ય છે કે અસત્ય છે? તેઓએ કહ્યું- હે દેવ! આ જનપ્રવાદ અસત્ય નથી કારણ કે પ્રાયલોક અતિ ગુપ્ત પણ કરેલા કાર્યને તરત જાણે છે. પછી રાજાએ સ્વયં જ તેઓની વિન્યાસના શરૂ કરી.
પુણ્યસાર એકલો જ ભોજન માટે નિમંત્રિત કરાયો અને રસોઈઆઓને કહ્યું કે આજે તમારે રસોઈ ન બનાવવી. અમારે આના પુણ્યના પ્રભાવથી તૈયાર થયેલું ભોજન કરવું છે. ભોજનનો સમય થયો ત્યારે દેવીએ મુખ્ય પુરુષને મોકલીને રાજાને વિનતિ કરી કે આજે તમારે દેવીને ઘરે ભોજન કરવું. રાજાએ પૂછ્યું: શા માટે મારે દેવીને ઘરે ભોજન કરવું? મુખ્ય પુરુષે કહ્યું: આજે પોતાના નગરથી જમાઇ પધાર્યા છે તેના માટે આજે દાળભાતાદિ વિવિધતાવાળું ભોજન તૈયાર કર્યું છે તેથી હે દેવ! તમારી સાથે ભોજન કરતો જમાઈ સૌભાગ્યને મેળવશે. પછી બધાએ સુખપૂર્વક ભોજન કર્યું. (૨૧)
અને બીજા દિવસે વિક્રમસાર ભોજન માટે નિમંત્રણ કરાયો. પછી બધા રસોઇઆઓને જણાવવામાં આવ્યું કે સર્વ આદરથી ભોજન તૈયાર કરો. ભોજન અવસર પ્રાપ્ત થયો ત્યારે આસનો પાથરવામાં આવ્યા. અને ભોજન પીરસવામાં આવ્યું તે વખતે રાજપુત્રીનો આમળા પ્રમાણ મોતીથી બનેલો અઢાર સેરવાળો હાર નિમિત્ત વિના પણ તુટ્યો. રોતી દીનમુખી રાજપુત્રી રાજાની પાસે આવી અને કહે છે કે આ મારો હાર હમણાં જ બનાવી આપો નહીંતર હું ત્યાં સુધી ભોજન નહીં કરું, એ પ્રમાણે તે બોલી ત્યારે રાજા વિક્રમસારના મુખને જુએ છે. વિક્રમ સારે ભોજન કાર્યને છોડીને દક્ષતાથી નવા સૂતરના દોરાથી ક્ષણથી હાર સાંધી આપ્યો. પછી બંનેએ પણ યથાસ્થિત વિધિથી સુખપૂર્વક ભોજન કર્યું. રાજાને ખાત્રી થઈ કે લોકપ્રવાદ સત્ય છે.
હવે સંગ્રહગાથાનો શબ્દાર્થ
દૈવગુણ પ્રધાનતામાં પુણ્યસાર વણિકપુત્રનું અને પુરુષકારગુણ પ્રધાનતામાં વિક્રમસાર વણિકપુત્રનું ઉદાહરણ છે. કેવી રીતે? પુણ્યસાર સાથે સંન્નિવેશમાં નિધિ મેળવીને સુખી થયો અને વિક્રમસાર દરિયાપાર મુસાફરી કરી, ક્લેશ ભોગવી, ધન મેળવી સુખી થયો. તેમાં પુણ્યસારના ઉદાહરણમાં દૈવનું પ્રાધાન્ય છે. (૩૫૨)
નિધિના લાભથી પુણ્યસારને કૃપણાદિને દાન આપવા સ્વરૂપ તથા વસ્ત્ર, તાંબુલાદિના ઉપભોગ રૂપ અતિશય પ્રવૃત્તિ થઈ તથા વિક્રમસારને દરિયાપાર ક્લેશ ભોગવીને પ્રાપ્ત કરેલ ધનથી પુણ્યસારની જેમ દાન અને ઉપભોગની અતિશય પ્રવૃત્તિ થઈ. (૩૫૩) ૧. વિન્યાસના એટલે પ્રમાણપૂર્વક સાબિત કરવું તે. ૨. યથાસ્થિત- પૂર્વે જે સ્થિતિ હોય તે પ્રમાણે.