________________
૨૪૪
ઉપદેશપદ : ભાગ-૧ જેટલામાં તાપસી આ જાય આ જાય એમ એકી ટસે જુએ છે તેટલામાં સૂર્યના બિંબની જેમ ચક્ષુના અદશ્ય વિષયને પામ્યા. મનમાં આશ્ચર્યને પામેલા ત્રણેય પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને તેના દર્શનની ઘણી ઉત્કંઠતાથી રહે છે અને વિચારે છે કે આ નીચે આવે ત્યારે આપણે આના શિષ્ય બનશું. (૬૨)
પણ સ્વામી તે પર્વતના શિખર ઉપર પહોંચ્યા અને ભુવનમાં અદ્ભુત સંપત્તિના ભાજન સમાન એવા તે જિનભવનને જુએ છે જેને ભરતક્ષેત્રના રાજા ભરત ચક્રવર્તીએ પ્રથમ કરાવ્યું હતું. તે મંદિર કેવું છે? તેને કહે છે–
તે મંદિર ઉત્સધાંગુલ માપથી એક યોજન લાંબુ, ત્રણ ગાઉ ઊંચું અને બે ગાઉ પહોળું છે. તેની ધ્વજા આકાશના અગ્ર ભાગને લાગેલી છે. જેમાં પાંચ પ્રકારના રત્નોના સમૂહમાંથી નીકળતા કિરણોથી વિશાળ ઈન્દ્રધનુષ રચાયું છે. અંધકારના સમૂહને પ્રવેશવાનો અવસર સદંતર રૂંધાઈ ગયો છે એવા ચાર દરવાજાવાળું છે. દ્વારપાળનો ભૂમિભાગ યંત્રમય લોહપુરુષથી ગોઠવાયેલ છે. નંદનવનના ફુલોની સમાન ઉત્પન્ન થતી સુગંધથી વ્યાપ્ત છે. પોતપોતાના પરિમાણ અને પરિવારથી યુક્ત, રત્નમય પીઠિકા ઉપર ઋષભાદિ ચોવીશ તીર્થકરોની પ્રતિમાઓ સ્થપાયેલી છે. પુષ્ય-પટલ ચામર-ધૂપ કડચ્છી-મોરપીંછી વગેરે સેંકડો ઉપકરણોથી સહિત, હર્ષિત હૈયાવાળા ખેચરો આદિથી જેનો મધ્યભાગ શોભે છે. આવતા અને જતા ખેચરો અને દેવોના નિત્ય પ્રવર્તતા, ઉલ્લસિત થતા નૃત્યકાર્યથી (પ્રવૃત્તિથી) સુંદર છે. ભારતના બધા નવ્વાણું ભાઈઓના સ્તૂપોથી શોભે છે. તથા જિનપ્રતિમાઓની પર્યાપાસનામાં તત્પર ભરતની પ્રતિમાથી શોભે છે. ચારે તરફથી કોતરણી કરેલ મોટા થાંભલાઓના સમૂહથી શોભે છે. સુપ્રસન્ન, બેઠેલા મોટી સિંહોની આકૃતિઓથી યુક્ત છે. (નવ કુલક)
હર્ષથી વિકસિત થઈ છે બે આંખો જેની એવા ગૌતમ સ્વામી મણિપીઠને પ્રદક્ષિણા કરીને એકાગ્રમનવાળા જિનપ્રતિમાઓને વાંદે છે, સ્તુતિ કરે છે. તે આ પ્રમાણે- જે રિષ્ટ રત્નની અંજન સમાન શરીરવાળા છે. જે પોપટની જેવી કાયાની પ્રભાવાળા છે. જે સવારના સૂર્ય જેવી લાલ સુંદર કાંતિવાળા છે. જે કંચનના ઢગલા જેવી કાંતિવાળા છે. જે મચકુંદ જેવી ઉજ્વળ કાંતિવાળા છે. જેમણે કર્મરજને દૂર કરી છે એવા સર્વ ચોવીશ જિનેશ્વરો તૈલોક્ય પૂજનીય ભાવશત્રુના સમૂહને મથનારા થાઓ. ચૈત્યવંદન પછી ગૌતમસ્વામી તે જ ચૈત્યના અંતે ઇશાન ખૂણામાં પૃથ્વી ઉપર શિલાપટ્ટ છે ત્યાં અશોકવૃક્ષની નીચે સંધ્યા સમયે વાસ માટે પહોંચ્યા. શકેન્દ્રનો દિક્યાલ ચૈત્યવંદન માટે તે શિલાશિખર ઉપર આવ્યો. પ્રતિમાઓને વંદન કરીને સ્વામીને વાંદે છે અને ધર્મ સાંભળે છે. (૭૬) તે આ પ્રમાણે–