________________
આ પ્રસ્તાવના )
વીતરાગનો ધર્મ તે આત્મામાં મૂળની શુદ્ધિ કરવાથી ટકી શકે છે. આત્મામાં ધર્મની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય છે, અને પાલન બુદ્ધિથી થાય છે. “શું આ વીતરાગનો જ ધર્મ સાચો છે? બીજો નહીં? આ ધર્મ જ કેમ કરવો ? ઇત્યાદિ અશુદ્ધિ દૂર ન કરે ત્યાં સુધી ધર્મમાં શ્રદ્ધા જાગે નહીં.
બસ આ શંકા-કુશંકા વિના ધર્મનો સ્વીકાર એનું નામ દર્શન મૂળશુદ્ધિ – સમકિત પણ સમતિ મેળવવાની ઇચ્છા તેના મહત્ત્વ કે તેની આવશ્યકતાને સમજયા વિના ન સંભવે.
માટે સર્વપ્રથમ દર્શનપ્રતિમાનું સ્વરૂપ બતાવવા સમકિતના ૬૭ બોલનું વર્ણન આ ગ્રંથમાં યથાસંભવ દ્રષ્ટાંત-કથાનક સાથે કર્યું છે.
અભયકુમારની કુશળતા બતાવી હકીકતમાં એવું જણાવી આપ્યું છે કે કુશળતા કેટલી લાભપ્રદ છે. આઠજાતના પ્રભાવક આ શાસનની ઉન્નતિ કરાવે છે, દ્રવ્ય અને ભાવ તીર્થની સેવા જો એકવાર મનમાં વસી જાય તો તેની કેવી કલ્યાણ પરંપરા શરૂ થાય છે, તે આ ગ્રંથમાં નિહાળી શકાય છે. જયારે છ સ્થાન મગજમાં ઠસી જાય પછી કોઈની તાકાત નથી કે તમારામાંથી ધર્મને ખસેડી શકે, અને સમકિતબાગ સદાબહાર મહેકતો રહે, એના માટે સાત ક્ષેત્રની સેવાનું સિંચન અતિ આવશ્યક છે. પ્રભુની પ્રતિમાનું મહત્ત્વ અને તેની પૂજાથી પ્રાપ્ત થતી સદ્ગતિ, તેમજ દેવદ્રવ્યનું રક્ષણ છેક આત્માને પરમાત્મા બનાવી દે, પણ તેનું ભક્ષણ અનંતકાળ સુધી ભવાટવીમાં ભટકાવી દે, એવું સચોટ વર્ણન દ્રષ્ટાંત સાથે આ ગ્રંથમાં સાક્ષાત્ કરવા મળે એમ છે.
આગમને સમજવા અને તેની સેવા આત્માને ત્રણ ભુવનનું આધિપત્ય આપી દે. સાધુની તન તોડી મન જોડી સેવા કરવી, એમના દરેક કાર્યમાં ચાતક બની તત્પર રહેવું. એમને આપેલું ભક્તિ પૂર્વકનું દાન માનવને કેટલો ઊંચો લઈ જાય છે, રંકમાંથી રાજા બનાવવાની તાકાત સાધુ દાનમાં રહેલી છે. એના વિશે મૂળદેવ વગેરે અનેક દાખલા આ ગ્રંથમાં ટાંકવામાં આવ્યા છે. છેલ્લે શવ્યાદાનનો મહિમા વર્ણવ્યો છે. બાકીના ત્રણ કૃત્યનું વર્ણન બીજા ભાગમાં દર્શાવ્યું છે. તેમાં સાધ્વી કેવા ગુણશીલ હોય છે અને નારીમાં કુરતાનું ભૂત સવાર થાય ત્યારે તે કેવી ચરમ સીમાએ પહોંચે છે. તેનો અહેવાલ અનેક દાખલા લઈને બતાવ્યો છે.
મારા સાહિત્યબાગનું આ પ્રથમ પુષ્પ છે, દરેક ભંડારોમાં વિતરણ થઈ જવાથી અન્ય ક્ષેત્રો આ પ્રકરણથી વંચિત રહેતા પુનઃ પ્રકાશનનું કામ હાથમાં લીધું.
આ ગ્રંથનું મૂળ અને ટીકા સાથેનું પ્રકાશન “રંજનવિજ્યજૈન પુસ્તકાલય”ની સહાયથી શારદા બહેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર (અમદાવાદ) દ્વારા કરવામાં આવેલ છે.
આ આખો ગ્રંથ લગભગ પ્રાકૃતમાં છે, અને અનેક અર્થથી ગર્ભિત સમાસ સાથેનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અનુવાદની અંદર તે અભિપ્રાયનું ધ્યાન રાખવામાં આવેલ છે.