________________
૪૫૦-ઇંદ્રિયજય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ઇંદ્રિયજય ન કરવાથી દોષો
જઘન્યથી કેટલા દૂર રહેલા પોતાના વિષયને ઇન્દ્રિયો ગ્રહણ કરે છે તે કહે છે– अंगुल असंखभागा, मुणंति विसयं जहन्नओ मोत्तुं । चक्खुं तं पुण जाणइ, अंगुलसंखेज्जभागाओ ॥ २६७ ॥
ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલા સ્વવિષયને ગ્રહણ કરે છે. ચક્ષુ જઘન્યથી અંગુલના સંખ્યાતમાં ભાગે રહેલા રૂપને ગ્રહણ કરે છે. વિશેષાર્થ અંગુલના અસંખ્યાતમાં ભાગે રહેલી અતિ નજીકની વસ્તુને આંખ જોતી જ નથી. કારણ કે આંખમાં રહેલ અંજન, ચીપડા અને અંજન આંજવાની સળી વગેરે અતિનજીકની વસ્તુઓ આંખથી દેખાતી નથી. [૨૬૭]
ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ કરવાથી થતા વિપાકનો (=કટુફળનો) જ ઉપદેશ આપવો જોઇએ. કારણ કે તે (ઉપદેશ) જ વિષયો પ્રત્યે વિરાગભાવને ઉત્પન્ન કરનાર હોવાથી મુક્તિનો સાધક છે. ઇંદ્રિયના ભેદો વગેરે કહેવાથી શું? આવા પ્રશ્નના ઉત્તરને કહે છે
इय नायतस्सरूवो, इंदियतुरए सएसु विसएसु ।
अणवरय धावमाणे, निगिण्हए नाणरज्जूहिं ॥ २६८ ॥
આ પ્રમાણે જેને ઇન્દ્રિયોના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જીવ સતત પાપોના વિષયોમાં દોડતા ઇન્દ્રિયરૂપ અશ્વોનું જ્ઞાનરૂપ દોરીથી નિગ્રહ કરે છે.
વિશેષાર્થ– અહીં તાત્પર્ય આ છે- જાણેલી જ વસ્તુનો નિગ્રહ કે અનુગ્રહ કરી શકાય છે. આથી ભેદ વગેરે પણ ઇન્દ્રિયજય વગેરેના જ્ઞાનનો ઉપાય હોવાથી ભેદ વગેરે પણ કહેવા જોઇએ. ભેદ વગેરેના જ્ઞાન દ્વારા જેનું સ્વરૂપ જણાઇ ગયું છે તે પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા ઇન્દ્રિયરૂપ અશ્વોનું જ્ઞાનરૂપ દોરીથી સુખપૂર્વક નિગ્રહ કરે છે. [૨૬૮] નિગ્રહ ન કરાયેલી ઇન્દ્રિયોથી કયો દોષ થાય તે કહે છે—
तह सूरो तह माणी, तह विक्खाओ जयम्मि तह कुसलो । अजिइंदियत्तणेणं, लंकाहिवई गओ निहणं ॥ २६९ ॥
તે રીતે શૂર, તે રીતે અભિમાની, તે રીતે જગતમાં પ્રસિદ્ધ અને તે રીતે કુશલ એવો લંકાધિપતિ ઇન્દ્રિયજય ન હોવાના કારણે મરણને પામ્યો.
વિશેષાર્થ– તે રીતે શૂર એટલે લોકમાં જે રીતે પ્રસિદ્ધ છે તે રીતે શૂર. તે રીતે અભિમાની એટલે જે રીતે લોકમાં માની તરીકે પ્રસિદ્ધ છે તે જ રીતે અભિમાની. લોકમાં તેના ગર્વનું સૂચક વચન આ પ્રમાણે સંભળાય છે.—
૧. અહીં ટીકાના શ્લોકનો અર્થ બરોબર સમજાયો ન હોવાથી તેનો અનુવાદ કર્યો નથી.