________________
૬૪૨-સ્વાધ્યાયરતિ દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા)
[સ્વાધ્યાયના પ્રકાર
સ્વાધ્યાયરતિકાર હવે સ્વાધ્યાયરતિદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર પૂર્વની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
वेयावच्चे अब्भुजएण तो वायणादि पंचविहो । विच्चंमि उ सज्झाओ, कायव्वो परमपयहेऊ ॥ ४२१॥
વયાવચ્ચમાં ઉદ્યત સાધુએ પછી વચ્ચે વચ્ચે મોક્ષનો હેતુ એવો વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો જોઇએ.
વિશેષાર્થ– વેયાવચ્ચમાં ઉદ્યત પણ સાધુએ વેયાવચ્ચ કર્યા પછી વચ્ચે વચ્ચે (સમય મળે ત્યારે) મોક્ષનો હેતુ એવો વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો જોઇએ. આથી વૈયાવૃજ્ય દ્વાર પછી સ્વાધ્યાય દ્વાર કહ્યું છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારનો સ્વધ્યાય છે. (૧) વાચના- ગુરુની પાસે સૂત્રનું (=સૂત્રનું અને અર્થનું) ક્રમશઃ અધ્યયન કરવું તે વાચના. (૨) પૃચ્છના- જેનો સંશય થાય તે પૂછવું તે પૃચ્છના. (૩) પરાવર્તના- એક જ સ્વરૂપને અનેકવાર બોલવું, અર્થાત્ પુનરાવર્તન કરવું તે પરાવર્તના. (૪) અનુપ્રેક્ષા- સૂત્ર અને અર્થનો વિચાર (ચિંતન) કરવું તે અનુપ્રેક્ષા. (૫) ધર્મકથા– પ્રસિદ્ધ છે. [૪૨૧]
બીજા યોગો મોક્ષના હેતુ હોવા છતાં સ્વાધ્યાય મોક્ષનું પ્રધાન જ અંગ છે એમ બતાવતા ગ્રંથકાર કહે છે
एत्तो सव्वन्नुत्तं, तित्थयरत्तं च जायइ कमेणं । इय परमं मोक्खंग, सज्झाओ तेण विन्नेओ ॥ ४२२॥
સ્વાધ્યાયથી ક્રમે કરીને સર્વશપણું અને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. તેથી સ્વાધ્યાયને મોક્ષનું પ્રધાન અંગે જાણવું. [૪૨૨]
સ્વાધ્યાય મોક્ષનું પ્રધાન અંગ છે એ વિષયની પુષ્ટિ કરવા માટે હેતુને કહેવા માટે ગ્રંથકાર કહે છે