________________
ગુણદત્ત સાધુનું દાંત] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચરણશુદ્ધિ દ્વાર-૩૯૯
ભારેકમ જીવોને વચનગુતિ કરવી અશક્ય છે એમ બતાવે છે– दम्मति तुरंगावि हु, कुसलेहिं गयावि संजमिजंति । वइवग्धिं संजमिउं, निउणाणवि दुक्करं मन्ने ॥१९६॥
કુશળ પુરુષોથી અશ્વો પણ દમી શકાય છે, હાથીઓ પણ કાબૂમાં રાખી શકાય છે, પણ વાણીરૂપ વાઘણને કાબૂમાં રાખવાનું નિપુણ પુરુષો માટે પણ દુષ્કર છે એમ હું માનું છું.
વિશેષાર્થ વાણી જ વિકથા, ગુપ્ત વાતને ઉઘાડી કરવી, પશૂન્ય વગેરેથી બોલનારના અને બીજાના શરીરનું વિદારણ કરવા સમર્થ હોવાથી વાઘણ જેવી છે. [૧૯૬]
જો આ પ્રમાણે વચનગુપ્તિનું આચરણ અશક્ય છે તો વચનગુપ્તિના ઉપદેશથી શું? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે
सिद्धंतनीइकुसला, केइ निगिण्हति तं महासत्ता । सन्नायगचारग्गहजाणग गुणदत्तसाहु व्व ॥ १९७॥
સિદ્ધાંતનીતિમાં કુશળ અને મહાસત્ત્વવંત કેટલાક પુરુષો સ્વજનોને ચોરોએ પકડ્યા છે એમ જાણનારા ગુણદત્ત સાધુની જેમ વાણી વ્યાઘ્રીનો નિગ્રહ કરે છે. આથી તેનો ઉપદેશ નિરર્થક નથી. વિશેષાર્થ– ગુણદત્ત સાધુનું કથાનક કહેવાય છે
ગુણદત્ત સાધુનું દૃષ્ટાંત વૈભવનો અને માતા-પિતા વગેરે સ્વજનવર્ગનો ત્યાગ કરીને ગુણદત્ત નામના કોઈ મહાત્માએ દીક્ષા લીધી. હવે ભવથી વિરક્તમનવાળા તે સાધુ ગીતાર્થ થયા અને તપ આચરે છે. એકવાર ગુરુથી અનુજ્ઞા અપાયેલા તે પ્રતિબોધ પમાડવા માટે વિહાર કરતા સ્વજનોની પાસે જાય છે. રસ્તામાં ચોરોએ તેમને પકડ્યા અને સાધુ જાણીને છોડી દીધા. ચોરોના આગેવાને સાધુને કહ્યું: તમારે મારો આ વૃત્તાંત કોઈને ય ન કહેવો, અને માર્ગમાં ચોરો છે એમ કોઈને ય ન કહેવું. હવે આગળ ગયેલા સાધુ જેટલામાં થોડુંક ગયા તેટલામાં જાનમાં ચાલેલા માતા-પિતા વગેરે સઘળાય સ્વજન વર્ગને જોયા. સઘળાય સ્વજનવર્ગ તેમને વંદન કર્યું, અને પૂછ્યું: તમે અહીં ક્યાંથી? સાધુએ કહ્યું: તમારી પાસે આવું છું. હર્ષ પામેલા તેમણે કહ્યું: તો અહીં અનુગ્રહ કરીને પાછા વળીને અમારી સાથે જ પધારો. પછી પોતાના સ્થાને ગયેલા અમે તમારી ઉપાસના કરીશું. સ્વજનોએ આ પ્રમાણે કહ્યું તેથી સાધુ પાછા વળીને તેમની સાથે જાય છે. તેટલામાં જેમણે પટ્ટબંધ કર્યો છે તેવા (=બુકાનીધારી) ચોરોએ વિશ્વાસમાં રહેલા અને જેમનો સહાયક વર્ગ તૈયાર નથી એવા એમને લૂંટી લીધા અને બધાને પલ્લી તરફ વાળ્યા.