________________
માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મ.નો
સંક્ષિપ્ત પરિચય
આચાર્ય હેમચંદ્રસૂરિ - આ. 'અભયદેવસૂરિના શિષ્ય હતા. ગુજરાતના રાજા સિદ્ધરાજ અને કુમારપાલના સમયે જૈનશાસનમાં આ. હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિદ્યમાન હતા, મલધારી આ. હેમચંદ્રસૂરિ એ સૌમાં ઉમ્મરથી મોટા હતા. શાંત અને પ્રભાવક હતા.
આ. અભયદેવસૂરિના ઉપદેશથી મહામાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યો ત્યારે લાખોની મિલકત, રૂપાળી, સ્ત્રીઓ-પત્નીઓ, સાહ્યબી અને મંત્રીપદને છોડી દઈ દીક્ષા લીધી, અને શાસ્ત્રો ભણીગણીને ગુરુમહારાજના હાથે આચાર્યપદ પ્રાપ્ત કર્યું, તે જ અંતે માલધારી હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા.
આ. હેમચંદ્રસૂરિ સ્વભાવથી જ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવન ઘટનાઓમાં અને ગ્રંથોમાં તેમના આ ગુણોની ઝલક જોવા મળે છે. તેઓ વધુ પ્રમાણમાં “ઉપમિતિભવપ્રપંચા-કથા”નું વ્યાખ્યાન આપતા હતા. ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિને પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસર્ગિક ગુણોથી આકર્ષાયો હતો. તે તેમના વ્યાખ્યાનમાં પોતાના પરિવાર સાથે ઘણી વાર જતો હતો, અને ચિત્તને સ્વસ્થ બનાવી વ્યાખ્યાન સાંભળતો હતો. તેમના દર્શન માટે અવારનવાર આવતો હતો. આલાપ-સંલાપ પણ કરતો હતો અને કોઈ કોઈ વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધારવા આમંત્રણ આપી પધરામણી પણ કરાવતો હતો.
રાજાએ એક વાર આચાર્યશ્રીને રાજમહેલમાં પધરાવ્યા. ઊંચે બેસાડી ડાભ વગેરે વસ્તુઓથી આચાર્યશ્રીની ત્રણ વાર આરતી ઉતારી અને આચાર્યશ્રીના ચરણમાં પડીને તેમને પંચાંગ નમસ્કાર કર્યા. પોતાને માટે પિરસાઈને આવેલા થાળમાંથી આચાર્યશ્રીને ચાર પ્રકારનો આહાર વહોરાવ્યો.
જાણે પોતાનું જીવન સફળ થયું એમ માનીને તેણે સહર્ષ જાહેર કર્યું કે, “હું માનું છું કે આજે ભ. મહાવીર સાક્ષાત્ મારા આંગણે પધાર્યા છે.'
રાજાએ આચાર્યશ્રીના ઉપદેશથી ગુજરાતના જિનમંદિરો ઉપર સોનાના કળશ ચઢાવ્યા.
૧. આ અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિથી ભિન્ન છે. આ અભયદેવસૂરિ હર્ષપુરીય ગચ્છના આચાર્ય શ્રી સિહસૂરિના શિષ્ય હતા. તેઓશ્રી નિરંતર છઠ્ઠ- અઠ્ઠમ આદિ તપ કરતા હતા. તેમણે પાંચ વિગઈઓનો આજીવન ત્યાગ કર્યો હતો. આમ તેઓશ્રી અત્યંત તપસ્વી અને ત્યાગી હતા. વિદ્વાન હોવા છતાં નિરભિમાની હતા. તેમનું વ્યાખ્યાન અતિશય રુચિકર હતું. તેઓશ્રી આચારપાલનમાં અત્યંત ચુસ્ત હતા. તેઓશ્રી અતિશય જાડા અને મલિન વસ્ત્રો પહેરતા હતા. તેમના આવા ત્યાગ-તપ આદિ ગુણોથી આકર્ષાઈને રાજા સિદ્ધરાજ જયસિંહે તેને માલધારી એવું બિરુદ આપ્યું હતું. ત્યારથી તેમનો ગચ્છ મલધારીગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો.