________________
ત્રીજાવ્રતમાં દૃઢતા વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નાગદત્તની કથા-૩૪૩
ગૃહસ્થ પણ નાગદત્તની ત્રીજા વ્રતમાં દૃઢતા સાંભળીને સર્વનો ત્યાગ કરનારા સાધુઓ તેમાં કેવી રીતે શિથિલ થાય?
વિશેષાર્થ— ગૃહસ્થ પ્રાયઃ સુવર્ણ-ધન વગેરેમાં આસક્તિવાળો જ હોય છે. તો પણ નાગદત્તની ત્રીજા વ્રતમાં તેવા પ્રકારની દૃઢતા હતી. જે સાધુઓએ આસક્તિ આદિ સર્વપાપનો ત્યાગ કર્યો છે તે ત્રીજાવ્રતમાં દૃઢ કેમ ન હોય? આ નાગદત્ત કોણ હતો અને તેણે ત્રીજા વ્રતમાં કેવી રીતે દૃઢતા કરી તે કહેવાય છે—
નાગદત્તની કથા
કાશીદેશમાં વારાણસી નામની નગરી છે. તેની લક્ષ્મીને જોઇને ઇંદ્રપુરી જાણે લજ્જા પામી હોય તેમ અદૃશ્ય થઇ ગઇ. ત્યાં ગુણથી અને નામથી પણ જિતારિરાજા હતો. તે રાજાનો ધનદત્ત શેઠ બાલ્યાવસ્થાથી જ સમાનવયવાળો પ્રિય મિત્ર હતો. તે શેઠની ધનશ્રી નામની પત્ની હતી. તે બંને જિનમતમાં તત્પર હતા. ઘરમાં રહેલી ઋદ્ધિની સંખ્યાને તે સ્વયં પણ જાણતા ન હતા. જાણે રૂપથી કામદેવ હોય, ચંદ્રના જેવો સૌમ્ય, કળાઓનો નિવાસ, પરમ વિદ્વત્તાથી યુક્ત, મનુષ્યોમાં પ્રધાન, કુલીન, લોકોના નેત્રો માટે ઉત્સવ સમાન, દેવસુંદરીઓના પણ હૃદયને હરનાર, મેરુની જેમ સ્થિર પ્રકૃતિવાળો, સમુદ્રના જેવો ગંભીર, દાક્ષિણ્ય-વિનય-વિજ્ઞાન વગેરે સર્વગુણમય શરીરવાળો અને ભુવનમાં પણ વિખ્યાત એવો નાગદત્ત નામનો તેમનો પુત્ર હતો. તેણે સાધુઓની પાસે ધર્મ સાંભળીને બાલ્યાવસ્થામાં પણ અણુવ્રતો વગે૨ે શ્રાવકધર્મનો સમ્યક્ સ્વીકાર કર્યો હતો. સંસારથી વિરક્ત હોવા છતાં દીક્ષા લેવા માટે પોતાને માતા-પિતાથી છોડાવવા અસમર્થ તે ગૃહવાસમાં રહે છે. પરણવા માટે શ્રેષ્ઠ હજારો કન્યાઓથી પ્રાર્થના કરાયેલો હોવા છતાં મુખને પણ ઇચ્છતો નથી, અર્થાત્ કન્યાનું મુખ જોવા પણ ઇચ્છતો નથી, કેવળ જિનોક્ત ધર્મને કરે છે. તે નગરીની બહાર સહસ્રામ્રવન નામનું ઉદ્યાન છે. તે પોતાની વૃક્ષશ્રેણિની ઋદ્ધિથી નંદનવનને પણ હસે છે=નંદનવનનો પણ તિરસ્કાર કરે છે. તેની મધ્યમાં સો થાંભલા ઉપર રહેલું, મણિ-સુવર્ણમય, જેની દેવો અને વિદ્યાધરોએ સેવા કરી છે તેવું મનોહર જિનમંદિર છે.
આ તરફ તે નગરીમાં પ્રિયમિત્ર સાર્થવાહની ચંદ્રજેવા નિર્મલગુણોથી વિભૂષિત નાગવસુ નામની પુત્રી છે. કોમળ પુષ્પોરૂપ બાણોથી જગતને જીતવા માટે કામદેવને અસમર્થ જાણીને વિધિએ તે પુત્રીને વજ્રના ભાલાની જેમ જગતને ભેદનારી બનાવી. સહસ્રમ્રવન ઉદ્યાનમાં થોડે દૂરથી પસાર થતી અને સખીજનથી પરિવરેલી તેને નાગદત્તે કોઇપણ રીતે જોઇ. જેની આંખ કંઇક ફરી રહી છે એવી નાગવસુએ પણ નાગદત્તને જોયો.