________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અહિંસા જ સર્વશ્રેષ્ઠધર્મ-૧૩ શણગારેલી હજાર ગાયોનું દાન શ્રેષ્ઠ નથી. (૨) કોઈ જીવ હજાર કપિલા (શ્રેષ્ઠ) ગાયો બ્રાહ્મણોને આપે છે, કોઈ જીવ એકને જીવન(=અભય) આપે છે, હજાર કપિલા ગાયોના દાનની એકને જીવન આપનાર દાનની આગળ સોળમા ભાગ જેટલી પણ કિંમત નથી. (૩) કોઈ હજાર ગાયો અને સો અશ્વો આપે છે, કોઈ સર્વ જીવોને અભય આપે છે. સર્વ જીવોને અભય આપનારનું દાન હજાર ગાયો અને સો અશ્વોના દાનથી વધી જાય છે. (૪) સુવર્ણ, ગાય, પૃથ્વી આદિનું દાન કરનારા પૃથ્વી ઉપર સુલભ છે. પ્રાણીઓને અભય આપનાર પુરુષ દુર્લભ છે. (૫) મોટા પણ દાનોનું ફલ સમય જતાં વિનાશ પામે છે, ભય પામેલાઓને કરાતા અભયના દાનનો ક્ષય જ થતો નથી. (૬) ઇષ્ટ આપ્યું, તપ કર્યો, તીર્થ સેવા કરી, શ્રુતની ઉપાસના કરી, આ બધાની અભયદાનના સોળમા ભાગ જેટલી પણ કિંમત નથી. (૭) એક તરફ સર્વશ્રેષ્ઠ દક્ષિણા જેમાં છે એવા સર્વ યજ્ઞો છે અને એક તરફ ભયભીત બનેલા પ્રાણીના પ્રાણનું રક્ષણ છે. (આ બેમાં પ્રાણરક્ષણ ચઢી જાય.) (૮) સર્વ વેદો તે ન કરે, યથોક્ત સર્વ યજ્ઞો તે ન કરે, સર્વ તીર્થાભિષેકો તે ન કરે, જે પ્રાણીની દયા કરે. (૯) તેથી અભયદાનથી અધિક કોઈ ધર્મ નથી. [૬]
અહિંસાથી અધિક કોઈ ધર્મ કેમ નથી તે કહે છે– कल्लाणकोडिजणणी, दुरंतदुरियारिवग्गणिट्ठवणी । संसारजलहितरणी, एक्कच्चिय होइ जीवदया ॥७॥
ગાથાર્થ– એક જીવદયા જ ક્રોડો કલ્યાણને ઉત્પન્ન કરે છે, દુરંત દુરિતરૂપશત્રુસમૂહનો નાશ કરે છે. અને સંસારરૂપ સમુદ્રને તરવા માટે તરણી છે.
વિશેષાર્થ- કલ્યાણ એટલે મનોવાંછિત, ઇષ્ટ અને વિશિષ્ટ એવી અનેક વસ્તુઓની પ્રાપ્તિ. દુરંત એટલે અતિશય દારુણ. દુરિત એટલે શારીરિક અને માનસિક અનેક દુઃખો. આ દુઃખો એકાંતે અહિત કરનારા હોવાથી શત્રુ છે. જેનાથી સંસારસમુદ્ર તરાય તે તરણી=મોટી નાવડી.
જીવદયા જ કલ્યાણોને કરનારી, દુરિતોને દૂર કરનારી અને સંસારસમુદ્રને તરવા મોટી નાવડી હોવાથી જીવદયા જ સર્વ ધર્મોથી ઘણી મહાન છે. [૭] જીવદયા ક્રોડો કલ્યાણને કરનારી છે એ વિષયનું જ સમર્થન કરતા ગ્રંથકાર કહે છે
विउलं रजं रोगेहि, वजियं रूवमाउयं दीहं । अन्नंपि तन्न सोक्खं, जं जीवदयाएँ न हु सज्झं ॥८॥