________________
મનુષ્યભવમાં].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [આર્યદેશ આદિની દુર્લભતા-૧૧ વ્યવહાર વનસ્પતિકાયમાં અનંતકાય આદિ રૂપે રહે છે. તેમાંથી પણ નીકળેલા જીવો પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય એ ચારમાં પ્રત્યેકમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ સુધી રહે છે. ત્યારબાદ બેઇદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય એ ત્રણમાં પ્રત્યેકમાં સંખ્યાતકાળ સુધી રહે છે. આ પ્રમાણે ફરી ફરી વ્યવહારરાશિમાં ભમે છે. આ પ્રમાણે ભમીને કોઈ જીવો પચંદ્રિયતિર્યચપણાને પણ પામે છે. ત્યાર બાદ કોઈપણ રીતે મનુષ્ય જન્મને પણ પામે છે. આ પ્રમાણે મનુષ્યજન્મ દુર્લભ છે. અતિવિસ્તારથી સયું. હવે પ્રસ્તુત કહેવામાં આવે છે.
એક તો મનુષ્યજન્મ દુર્લભ છે, તે પણ પ્રાપ્ત થયે છતે અત્યંત પુણ્યહીન કોઈ જીવને જેવી રીતે રત્નનિધિ દુર્લભ છે તેવી રીતે જીવને જિનધર્મ અત્યંત દુર્લભ છે. કારણ કે મળેલા પણ મનુષ્યભવમાં પ્રાયઃ વિશિષ્ટક્ષેત્ર, વિશિષ્ટજાતિ, વિશિષ્ટકુળ, રૂપ(પાંચ ઇંદ્રિયોની પરિપૂર્ણતા) આરોગ્ય, દીર્ધાયુ, બુદ્ધિ વગેરે સામગ્રી મળે તો જ પરિપૂર્ણ જિનધર્મ પ્રાપ્ત થાય છે. આ સામગ્રીમાં એક એક અંગ પણ દુર્લભ છે આ વિષે ભાષ્યકારે કહ્યું છે કે- “જેવી રીતે દશ દૃષ્ટાંતોથી મનુષ્યજન્મ દુર્લભ કહ્યો તે રીતે જાતિ-કુલ વગેરે પણ દશદૃષ્ટાંતોથી દુર્લભ છે. અહીં મનુષ્યજન્મ આદિમાંથી પૂર્વ પૂર્વનું અંગ મેળવ્યા પછી પણ તેની પછીનું અંગ દુર્લભ છે. તેથી જિનધર્મ અત્યંત દુર્લભ છે.” તેથી તમે “મનુષ્યજન્મ અને જિનધર્મ દરેક ભવમાં મળશે” એમ કેમ કહો છો? મનુષ્યજન્મ અને જૈનધર્મ દુર્લભ જ છે. [૩]
જો ઉક્ત રીતે મનુષ્યજન્મ અને જિનધર્મ દુર્લભ છે તો તેની પ્રાપ્તિ થયે છતે અમારે શું કરવું જોઈએ એ પ્રશ્નનો ગ્રંથકાર ઉત્તર કહે છે –
तं चेव दिव्वपरिणइ-वसेण कहकहवि पाविउं पवरं ।
जइयव्वं इत्थ सया, सिवसुहसंपत्तिमूलंमि ॥४॥
ગાથાર્થ– મહાકષ્ટપૂર્વક દૈવપરિણતિથી મનુષ્યજન્મ આદિથી યુક્ત એવા શ્રેષ્ઠ જૈનધર્મને પામીને શિવસુખ રૂ૫ સંપત્તિનું મૂળ એવા જૈનધર્મમાં જ સદા આદરવાળા થવું જોઈએ.
વિશેષાર્થ– દૈવપરિણતિથી- અહીં દૈવ એટલે મનુષ્યજન્મ અને જિનધર્મની પ્રાપ્તિને અનુકૂલ હોય તેવું જ કર્મ સમજવું. પરિણતિ=વિપાક અવસ્થા.
શિવસુખરૂપ સંપત્તિનું મૂળ- જિનધર્મ મોક્ષસુખનું કારણ હોવાથી શિવસુખરૂપ સંપત્તિનું મૂળ છે.
મહાકષ્ટપૂર્વક અનુકૂળકર્મપરિણતિથી મનુષ્યજન્મથી યુક્ત શ્રેષ્ઠ જૈનધર્મને પામીને ઘણા પ્રમાદનો ત્યાગ કરીને સદા જૈનધર્મમાં જ આદરવાળા થવું જોઈએ, જૈનધર્મ સિવાય બીજે ક્યાંય આદરવાળા ન થવું જોઈએ. આવો અહીં ભાવાર્થ છે. [૪]