________________
૧૯૬-શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સીતાજીનું ચરિત્ર મધ્યમાં એક મોટા કમલ ઉપર બેઠેલા દેખાય છે. વધતા તે પાણીએ સઘળીય આ નગરીને બુડાવવાનું શરૂ કર્યું. તેથી ભય પામેલા લોકે સીતાજીને કહ્યું: હે મહાસતિ! આ લોક તમારા ચરણકમલોના આશ્રયે રહેલો છે. તેથી જો તમે દયામૂલ ધર્મ જાણો છો તો આ લોકનું રક્ષણ કરો. તેથી સીતાજીએ નમસ્કાર મંત્રને બોલીને હાથથી પાણીનો સ્પર્શ કર્યો. પાણી માત્ર વાવડીમાં રહી ગયું. તેથી લોક સ્વસ્થ થયો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, આકાશમાં દુંદુભી વગાડી. અપ્સરાઓએ સીતાજીને ચામરોથી વીંઝી. કેટલાક દેવોએ ગાયન કર્યું. બીજા દેવોએ નૃત્ય કર્યું. કોઈક દેવોએ તિ કરી. સીતાજીના શીલથી તુષ્ટ થયેલો ત્રણે લોક પોતાના અંગમાં સમાતો ન હતો. પુત્રો તથા સામંતો અને નગરજનોથી સહિત શ્રીલક્ષ્મણજી સીતાજીને નમ્યા અને સ્તુતિ કરી. શ્રીરામે પણ અંજલિ જોડીને કહ્યું: હે પ્રિયા! મને ક્ષમા કર. હવે મારી સાથે વિષયસુખનો અનુભવ કર. આવીને સર્વરાજ્યના સ્વામીપણાનો સ્વીકાર કર. સીતાજીએ કહ્યું: હે નાથ! હું વિષયસુખોથી તૃપ્ત થઈ છું. હાથમાં બળેલો, મંદબુદ્ધિવાળો પણ માણસ બળતા અંગારાને મૂકી દે છે. જે વિષયોમાં આસક્ત બનેલા જીવો અપરાધરહિત હોવા છતાં આટલું દુઃખ પામે છે તે વિષયોમાં હજી પણ શો રાગ? હું એક પોતાના કર્મને છોડીને બીજા કોઈ ઉપર રુષ્ટ બની નથી. તેથી તે કર્મને તેવી રીતે હણું કે જેથી સ્ત્રીના રૂપથી કર્મ ન થાય, અર્થાત્ કર્મ સ્ત્રીનો અવતાર ન આપે. ઇત્યાદિ કહીને સીતાજીએ ત્યાં જ કેશોનો લોચ કર્યો. પછી સાધુની પાસે જઈને દીક્ષાનો સ્વીકાર કર્યો. હવે સ્નેહથી ચંચલ મનવાળા શ્રીરામ “અરે અરે! સીતાનું દેવોએ અપહરણ કર્યું છે, માટે એમને હણો” ઇત્યાદિ સંકલ્પ કરવા લાગ્યા. તેથી લક્ષ્મણે પ્રતિબોધ આપીને સ્વસ્થ કર્યા. પછી સાધ્વીજી શ્રી સીતાજીના ચરણોને નમીને શ્રીરામ સ્વસ્થાને ગયા. શ્રી સીતાજી પણ શુદ્ધચારિત્રને પાળીને, અનશન કરીને, બારમા અશ્રુતકલ્પમાં ઇદ્રપણે ઉત્પન્ન થયા.
પૂર્વભવમાં વેગવતી નામના સીતાજીના જીવે સુદર્શન નામના શ્રેષ્ઠ સાધુને લોકોથી પૂજાતા જોયા. તેથી ઇર્ષ્યાથી તે ગામના સઘળા લોકને ખોટું કહ્યું કે, આ મુનિને મેં ઉદ્યાનમાં સ્ત્રીની સાથે જોયા હતા. તેથી ગામના લોકોએ મુનિ પ્રત્યે અનાદરભાવ શરૂ કર્યો. મહાસત્ત્વવંત તે મુનિએ પણ આ દોષ મારા ઉપરથી જ્યાં સુધી નહિ ઉતરે ત્યાં સુધી આહાર ગ્રહણ નહિ કરું એવો દુષ્કર અભિગ્રહ લીધો. તેથી દેવતાની પરાધીનતાથી વેગવતીનું મુખ સૂજી ગયું. તેથી ભય પામેલી તેણે ગામના લોકોને કહ્યું કે મેં આ ખોટું કહ્યું છે. તેથી લોક મુનિ પ્રત્યે પૂર્વ કરતાં અધિક અનુરાગવાળો થયો. આ પ્રમાણે મુનિને જે અસત્ય આળ આપ્યું અને પછી શુદ્ધિ કરી, તે કર્મથી તેને આ બંનેય થયા.
આ પ્રમાણે સીતાનું કથાનક પૂર્ણ થયું.