________________
૧૭૨-ઉપભદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા) [બે નોકરોનું દેણંત પ્રવૃત્તિથી મેં જાણ્યું હતું. તેથી આ કંઈ પણ અધમચેષ્ટા તેની જ જણાય છે. પછી વરસેને કહ્યું: શું પિતા પણ ખોટામાં વિશ્વાસ કરે? તેથી બીજાએ કહ્યું: હે વત્સ! સ્ત્રીઓ કપટનું ઘર હોય છે. આવી સ્ત્રીઓ ખોટું પણ તે રીતે કહે કે જેથી રાગાંધ બુદ્ધિવાળા પુરુષોને સત્યરૂપે જ પરિણમે છે. બુદ્ધિમંત પુરુષો ગંગાની રેતીને, સાગરમાં પાણીને અને હિમવંત પર્વતના પરિમાણને જાણે છે, પણ સ્ત્રીનું હૃદય જાણતા નથી. અથવા આ વિચારવાથી શું? તે જ આપણી પરમ ઉપકારિણી થઇ. કારણ કે તેણે સઘળી પૃથ્વી બતાવી. ઇત્યાદિ બોલતો પણ અમરકુમાર નિદ્રાથી ઘેરાયો. બીજો એક પ્રહર સુધી જાગતો જ રહ્યો.
વરસેનને બે દિવ્ય આમ્રફળની પ્રાપ્તિ આ દરમિયાન આમ્રવૃક્ષ ઉપર રહેલા પોપટે પોતાની પ્રિયાને કહ્યું: કોઈ આ બે પુરુષો સ્વાગતની ક્રિયા માટે અતિ યોગ્ય છે. પણ તેમના ઉપયોગમાં આવે તેવું આપણી પાસે કંઈ પણ નથી. તેથી પ્રિયાએ કહ્યું: હે નાથ! એમ ન કહે. કારણ કે સુકૂટ પર્વત ઉપર અતિશય ગુપ્ત ઝાડીના પ્રદેશમાં વિદ્યાથી અભિષિક્ત બીજવાળા બે આંબા વિદ્યાધરોએ આપણા દેખતાં વાવેલા છે, અને તેમણે પરસ્પર તેનું માહાત્ય કહ્યું હતું. તે આ પ્રમાણે- એ બેમાં એક આંબો નાના ફળવાળો છે. એ આંબાનું ખાધેલું ફળ જ્યાં સુધી ઉદરમાં રહે ત્યાં સુધી દરરોજ સૂર્યોદય વખતે પાંચસો સોનામહોર કોગળામાં પડે. બીજો આંબો મોટા ફળવાળો છે. તેના પણ એક ફળને જે ખાય તે સાતમા દિવસે રાજા થાય, આમાં સંદેહ નથી. કહેવાતું આ તે પણ સાંભળ્યું હતું. તેથી તે બે વૃક્ષોનું એક એક ફળ લાવીને આપણે અહીં એમને આપીએ. પછી પોપટ કહ્યું. તે મને યોગ્ય યાદ કરાવ્યું. પછી તે બંને જલદી ત્યાં ગયા. વરસેને તે બધું સાંભળ્યું. અર્ધીક્ષણમાં બંને આમ્રફળ ભૂમિ ઉપર પોતાની આગળ પડેલા જુએ છે. પછી તે બેને પોતાના વસ્ત્રમાં બાંધે છે. તેણે વિચાર્યું. આ આ પ્રમાણે શું છે? અથવા મારા હાથમાંથી કંઈ પણ ગયું નથી. વિદ્યા વગેરેનો પ્રભાવ અચિંત્ય સંભળાય છે. પછી પોતે સૂઈ ગયો અને મોટોભાઈ એક પ્રહર સુધી બેઠો. સૂર્યોદય થતાં બંને ય ત્યાંથી આગળ ચાલ્યા. (૭૫) વરસેને સત્ય હકીકત કહ્યા વિના રાજ્યફળવાળું આંબાનું મોટું ફળ મોટાભાઈને આપ્યું. નાનું ફળ પોતે ખાધું. એકલો થઈને સરોવરમાં કોગળા કરે છે તેટલામાં તે પ્રમાણે જ થયું. પાંચસો સોનામહોર કોગળામાંથી પડી. પછી દરેક નગરમાં દ્રવ્યથી ભોજન-વસ્ત્ર આદિ લઈને વિલાસ કરે છે. મોટાભાઈએ તેને પૂછ્યું : આ ધન ક્યાંથી આવ્યું? વરસેને કહ્યુંઃ ગૃહસ્થોએ મને કરનું સુવર્ણ આપ્યું હતું. તે મેં હજી સુધી (રાજ્યના) ભંડારમાં આપ્યું ન હતું. આ પ્રમાણે સાતમા દિવસે તેઓ કંચનપુર નગરમાં આવ્યા. ત્યાં બહાર વૃક્ષની નીચે અમરસેન સૂઈ ગયો. વરસેન ભોજન વગેરે સામગ્રી કરાવવા માટે નગરની અંદર ગયો.