________________
જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૨૯
આગળ કરીને બેઠેલા મિથ્યાભિમાન, હર્ષ, મદ, માત્સર્ય, દંભ, કલહ, પ્રેમ, ઉન્માદ, કાલુષ્ય, ધર્મદ્રેષ, જ્ઞાનસંવરણ, દર્શનસંવરણ, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય વગેરે બીજા પણ સામંતો જાણવા. આ મૂઢતા, અવિવેકિતા, અક્ષમા, અસૂયા, તૃષ્ણા, કૃપણતા, જડતા, ગૃદ્ધિ અને ભવાભિનંદિતા વગેરે સ્ત્રીઓ રાગકેશરી વગેરેની યથાસંભવ કોઇકની કોઇક સ્ત્રીઓ જાણવી. આ મમત્વ અને અહંકાર વગેરે હાથીઓ છે. અશુભ મન-વચન-કાયા અશ્વો છે. કુવિકલ્પ નામના રથો છે. સંક્લિષ્ટ પરિણામ, ચાપલ્ય અને તુચ્છત્વ વગેરે સૈનિકો છે. આ સૈન્યમાં દરેક વસ્તુમાં જે બળ છે તેનું વર્ણન કરવા માટે આયુષ્ય પૂરું થઇ જાય તો પણ સમર્થ ન થવાય. તેથી છિદ્રોને શોધવામાં તત્પર સર્વ જીવોનું નિષ્કારણ મહાશત્રુરૂપ આ સૈન્યને સંપૂર્ણ વિશ્વના સંતાપનું મુખ્ય કારણ અને રોગ વગેરે સર્વ દુ:ખોનું મુખ્ય કારણ જાણવું. તેથી આના દેખાયેલા એક પણ માણસને ન છોડવો અને કોઇ પણ રીતે તે રીતે મારવો કે જેથી ફરી ન દેખાય.
પછી વિમલબોધે કહ્યું: હે સ્વામી! અમોએ પૂર્વે ધાડ પાડવા માટે (=શત્રુ ઉપર આક્રમણ કરવા માટે) ગયેલા આ બધાયને પોતાની પાસે જોયા હતા, અને અહીં પણ આ બધાય દેખાય છે. તો અહીં શું રહસ્ય છે? તેથી સમયરાજે કહ્યું: હે વત્સો! આ અંતરંગ લોકો જુદા જુદા રૂપો કરવાનું જાણે છે. તેથી સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાલલોક એ બધા સ્થળે સ્વચ્છંદપણે ફરે છે. હે સ્વામી! અહીં રહેતા એમની સૈન્ય વ્યવસ્થાનો કેટલો કાળ થયો? સમયરાજે કહ્યું: અનંતકાળથી એમની આ સૈન્ય વ્યવસ્થા છે. આ સૈન્ય કોના ઉપર રહેલું છે? અર્થાત્ આ સૈન્યે કોના ઉપર આક્રમણ કર્યું છે? આ સૈન્યે સદ્બોધ નામના મહામંત્રી ઉપર આક્રમણ કર્યું છે. શા માટે? તેનું કારણ તમે સાંભળો, અમે કહીએ છીએ.
આ જ મનોભૂમિમાં અસંખ્ય ગુણરત્નોની ખાણ, સર્વ વિદ્યાઓની નિવાસભૂમિ, સર્વ પ્રજાઓનો નિવાસ એવી અધ્યવસાયસંતતિ નામની નગરી છે. તેવો કોઇ ગુણી, શ્રીમંત, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વણિક નથી કે જે આ વિશાલ મહાનગરીમાં ન રહેતો હોય. તે નગરીમાં સંસારી જીવ નામનો રાજા છે. પરમાર્થથી સર્વ ભાવોનો ભોક્તા છે. સંપૂર્ણ ભૂમિનો નાયક છે. તેનું વીર્ય (બળ) અનંત છે. તેનું માહાત્મ્ય અચિંત્ય છે. તેનો પ્રભાવ અપરિમિત છે. બુદ્ધિથી સર્વોત્તમ છે. હોંશિયારીમાં તેના જેવો બીજો કોઇ નથી. નીતિમાર્ગના જ્ઞાનથી તે અસાધારણ છે. આમ છતાં જાણે તે ઉન્મત્ત બની ગયો હોય, મૂર્છિત થઇ ગયો હોય, ગ્રહથી પકડાયેલો હોય તેમ પોતાને જાણતો નથી. પોતાના ઘરને વિચારતો નથી. પોતાની વિભૂતિના ક્ષયને ગણતો નથી. પોતે ત્રિભુવનના આધિપત્યથી ભ્રષ્ટ થયો છે એમ જાણતો નથી. તેથી ભક્ત, અનુરાગવાળા અને એકાંતે હિતકારક