________________
નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે આ પ્રસ્તાવના :
વિશ્વ અનાદિ છે. જીવ પણ અનાદિ છે. કર્મના સંયોગથી જીવ ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી જન્મ-મરણાદિ અનંતા દુઃખો ભોગવી રહ્યો છે. સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય ?
પંચસૂત્રનાં પ્રથમ સૂત્રમાં સંસાર ઉચ્છેદ અને મોક્ષના કારણ તરીકે વિશુદ્ધ ધર્મને બતાવેલ છે અને વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મના વિગમથી કહી છે. પાપકર્મનો વિગમ તથાભવ્યત્વાદિના પરિપાકથી જણાવેલ છે. તથાભવ્યત્વના પરિપાકનો ઉપાય ૧. ચતુઃશરણગમન, ૨. દુતગહ અને ૩. સુકૃત અનુમોદના જણાવેલ છે. આ ત્રણ વસ્તુથી ભવ્યત્વનો પરિપાક થતો હોવાથી હંમેશા ત્રણવાર આ વસ્તુ કરવા જણાવેલ છે.
પંચસૂત્રમાં પાંચ સૂત્ર છે. આમાં પ્રથમસૂત્રમાં આ ત્રણ વસ્તુ વિશિષ્ટ રૂપે થઈ જાય એવા સૂત્રો છે. આ ત્રણથી આત્માની ભૂમિકા શુદ્ધ થાય છે. ભૂમિકા શુદ્ધ થયા પછી સાધુધર્મની પરિભાવના કરવા માટે બારવ્રતનો સ્વીકાર અને પાલન વગેરે જણાવ્યું છે. બીજા પણ ઉપાયો બતાવ્યા છે.
સાધુધર્મની પરિભાવના પછી પ્રવ્રજયા ગ્રહણવિધિ ત્રીજા સૂત્રમાં બતાવી ચોથા સૂત્રમાં પ્રવ્રજ્યા પરિપાલનવિધિ અને છેલ્લા પાંચમા સૂત્રમાં પ્રવ્રજ્યાના ફળરૂપ મોક્ષના સ્વરૂપનું વર્ણન કર્યું છે. આમ આ ગ્રંથમાં ભૂમિકાથી માંડીને છેક મોક્ષપ્રાપ્તિ સુધીના ઉપાયો સાથે મોક્ષનું અનંત સુખસ્વરૂપ વગેરે બતાવેલ છે. મોક્ષમાર્ગના સાધકોને આ ગ્રંથ ખૂબ જ માર્ગદર્શક છે.